ડ્રાઇવિંગ લાયસન્સ માટે RTO નહીં જવું પડે, જાણો સરકારનો નવો નિર્ણય

PC: zeenews.india.com

ડ્રાઇવિંગ લાયસન્સ (DL) સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ફેરફારો 1લી જૂનથી લાગુ થવા જઈ રહ્યા છે. ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માટે હવે તમારે પ્રાદેશિક પરિવહન કાર્યાલય અથવા RTO ઑફિસમાં જવાની જરૂર નહીં પડે. એવું માનવામાં આવે છે કે, આ ફેરફારથી ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની પ્રક્રિયા ઘણી હદ સુધી સરળ બનશે.

જો કોઈ વ્યક્તિ ભારતમાં ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવા માંગે છે, તો તે હજી પણ એક જટિલ પ્રક્રિયા છે. કારણ કે અરજદારે અનેક ફોર્મ ભરવાના હોય છે. ઘણી વખત સરકારી કચેરીઓના ચક્કર લગાવવા પડે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ પ્રક્રિયાની આ જટિલતાઓ પણ સિસ્ટમમાં ભ્રષ્ટાચારને અવકાશ આપે છે. જે આખરે ભારતમાં માર્ગ સલામતીને અસર કરે છે.

આ બોજારૂપ પ્રક્રિયાનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. જે ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવાની પ્રક્રિયાને મોટા પ્રમાણમાં સરળ બનાવશે. આ ફેરફારો 1 જૂનથી દેશભરમાં લાગુ કરવામાં આવશે.

અરજદારો પાસે હવે સીધો RTO ઓફિસ પહોંચવાને બદલે તેમના ઘરની નજીકના સેન્ટર પર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવાનો વિકલ્પ હશે. હાલમાં, DL મેળવવા માટે, પરીક્ષામાં હાજર રહેવા માટે સંબંધિત પ્રાદેશિક પરિવહન કચેરીઓ (RTO)માં જવું પડતું હોય છે. સરકાર ખાનગી ક્ષેત્રની સંસ્થાઓને પ્રમાણપત્રો આપી દેશે કે જે ડ્રાઇવિંગ પરીક્ષણો લેવા માટે અધિકૃત હશે.

માન્ય લાયસન્સ વિના વાહન ચલાવવા પર હવે દંડની જોગવાઈ વધુ કડક કરવામાં આવી છે. હવે આવું કરવા બદલ 1,000 થી 2,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવે છે, જો ડ્રાઈવર સગીર હોય તો તેના માતા-પિતા સામે કાર્યવાહી થઈ શકે છે. સાથે જ 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવાની પણ જોગવાઈ છે. આ સાથે, સંબંધિત મોટર વાહનનું નોંધણી પ્રમાણપત્ર પણ રદ કરી શકાય છે.

ડ્રાઇવિંગ લાયસન્સ માટેની અરજી પ્રક્રિયામાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે પહેલાની જેમ જ રહેશે. અરજદારો માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની અધિકૃત વેબસાઈટ https://parivahan.gov.in/ પર જઈને ઓનલાઈન અરજી સબમિટ કરી શકે છે. જો કે, તેઓ મેન્યુઅલ પ્રક્રિયા દ્વારા અરજી સબમિટ કરવા માટે તેમના સંબંધિત RTOની મુલાકાત પણ લઈ શકે છે. આ માટે જનસેવા કેન્દ્રની મદદ પણ લઈ શકાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp