ડુંગળી, કઠોળ, ખાંડ તમારા રસોડાના બજેટને બગાડશે, જાણી લો કારણ
આવનારા દિવસોમાં તમારા રસોડાના બજેટમાં વધારો થઈ શકે છે. મહારાષ્ટ્રમાં દુષ્કાળ જેવી સ્થિતિને કારણે ડુંગળી, કઠોળ, ખાંડ, ફળો અને શાકભાજીના પુરવઠામાં ઘટાડો થવાની સંભાવના છે. આનાથી આ વસ્તુઓના ભાવમાં વધારો થશે. કારણ કે, મહારાષ્ટ્ર કુલ ઉત્પાદનમાં નોંધપાત્ર હિસ્સો ધરાવતું આ કૃષિ કોમોડિટીઝનું મુખ્ય ઉત્પાદક છે. ઓછા વરસાદને કારણે રાજ્યમાં જળાશયોનું સ્તર ગત વર્ષની સરખામણીએ હાલમાં 20 ટકા ઓછું છે.
મીડિયા સૂત્રો પાસેથી પ્રાપ્ત થતા અહેવાલ મુજબ મહારાષ્ટ્રમાં પાણીની અછતને કારણે રવિ સિઝનની ડુંગળીની વાવણીમાં ઘટાડો થવાની સંભાવના છે. તુવેરની દાળ અને ખાંડનું ઉત્પાદન પહેલેથી જ ઘટવાનું નક્કી છે, જ્યારે ઘઉં અને ચણાની વાવણી પણ નીચા ઉત્પાદનનો સંકેત આપી રહી છે. બીજી તરફ ડુંગળીના ભાવ પહેલેથી જ ઊંચા છે.
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસા દરમિયાન મહારાષ્ટ્રમાં એકંદરે વરસાદ સામાન્ય હતો, પરંતુ મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર મહારાષ્ટ્ર જેવા ઘણા વિસ્તારોમાં તેની ઉણપ હતી. જે ખેડૂતો પાંચ એકરમાં ડુંગળીનું વાવેતર કરતા હતા તેઓનો વિસ્તાર પાણીના અભાવે બે એકર જેટલો ઘટી ગયો છે. કેટલાક ખેડૂતો, જેમણે દિવાળી દરમિયાન વરસાદની આશામાં ડુંગળીની નર્સરીમાં વાવણી કરી હતી, તેઓ ખરીદદારોની શોધમાં છે.
રવી સિઝન 1 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ચાલે છે. ડુંગળીની ઓછી વાવણી આવતા વર્ષે પુરવઠાને અસર કરી શકે છે. ડુંગળીના ભાવ પહેલાથી જ ઊંચા છે. આના કારણે ઓક્ટોબરમાં રસોડામાં છૂટક મોંઘવારી વધીને 42 ટકાથી વધુ થઈ ગઈ છે. કન્ઝ્યુમર ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ એક વર્ષ અગાઉની સરખામણીએ આ મહિને 6.6 ટકા વધ્યો હતો.
ડુંગળીના બીજમાંથી નર્સરી તૈયાર કરવામાં 45 થી 55 દિવસનો સમય લાગે છે, ત્યારપછી રોપાઓ રોપવામાં આવે છે. ખરીફ સિઝનની ડુંગળી 90 દિવસમાં તૈયાર થાય છે, જ્યારે રવી ડુંગળી પાકવામાં 120 દિવસ લાગે છે.
મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓછા ચોમાસાના વરસાદને કારણે તુવેરની દાળના ઉત્પાદનમાં ઘટાડો થવાની સંભાવના છે. ચણાને પણ ફટકો પડવાની શક્યતા છે. મહારાષ્ટ્રમાં ચણા અને તુવેરના પ્રોસેસર નીતિન કલંત્રીએ જણાવ્યું હતું કે, 'ચણાના વિસ્તારમાં 10 થી 15 ટકા સુધીનો ઘટાડો થવાની સંભાવના છે.'
આ સિવાય જો જુવારની વાત કરીએ તો ખેતરોમાં ઉપલબ્ધ જમીનની ભેજનો લાભ લેવા ખેડૂતોએ સોયાબીનની કાપણી પછી તરત જ તેનું વાવેતર કર્યું છે. જુવારના ભાવ 85 રૂપિયા પ્રતિ કિલોની ઐતિહાસિક ટોચે પહોંચી ગયા છે. જુવાર મહારાષ્ટ્ર અને ઉત્તર કર્ણાટકમાં ખેડૂત સમુદાયનો મુખ્ય ખોરાક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp