કોટક મહિન્દ્રા બેંક પર RBIની કાર્યવાહી, નવા ક્રેડિટ કાર્ડ, મોબાઈલ બેન્કિંગ બંધ

PC: navbharattimes.indiatimes.com

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ કોટક મહિન્દ્રા બેંક પર મોટી કાર્યવાહી કરી છે. RBIએ બેંકને તેના ઓનલાઈન અને મોબાઈલ બેંકિંગ દ્વારા નવા ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ સાથે નવા ક્રેડિટ કાર્ડ બહાર પાડવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. અહીં તમને જણાવી દઈએ કે, RBIએ IT રિસ્ક મેનેજમેન્ટ અને ઈન્ફોર્મેશન સિક્યોરિટી ઓપરેશન્સમાં ખામીઓને કારણે આ કાર્યવાહી કરી છે.

IT રિસ્ક મેનેજમેન્ટ અને ઇન્ફોર્મેશન સિક્યોરિટી ઓપરેશન્સમાં ખામીઓને કારણે RBIએ આ કાર્યવાહી કરી છે. RBIએ કહ્યું કે, વર્ષ 2022 અને 2023 માટે રિઝર્વ બેંક દ્વારા બેંકની IT તપાસથી ઉદ્ભવેલી ચિંતાઓને પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ ચિંતાઓને સમયસર સંભાળવામાં આવી ન હતી. આવી સ્થિતિમાં બેંક પર આ કાર્યવાહી કરવામાં આવી છે.

RBIએ બેંકિંગ રેગ્યુલેશન એક્ટ 1949ની કલમ 35A હેઠળ તેની સત્તાનો ઉપયોગ કર્યો છે અને કોટક મહિન્દ્રા બેંક સામે આ કાર્યવાહી કરી છે. જો કે, જે ગ્રાહકો પહેલાથી બેંક સાથે છે તેઓ પહેલાની જેમ જ તમામ સેવાઓનો ઉપયોગ કરી શકશે.

અહીં તમને જણાવી દઈએ કે, કોટક મહિન્દ્રા બેંકને લઈને આ સમાચાર શેરબજાર બંધ થયા પછી આવ્યા છે. આવી સ્થિતિમાં આવતીકાલે ગુરુવારે આ બેંકિંગ કંપનીના શેરો ફોકસમાં રહેશે. બજારના જાણકારોના મતે આવતીકાલે આ બેન્કના સ્ટૉકમાં ઘટાડો જોવા મળી શકે છે. જો કે, આજે બુધવારે કોટક મહિન્દ્રા બેંકનો શેર 1 ટકા કરતા વધુ વધીને રૂ. 1,842.95 પર બંધ થયો હતો.

કોટક મહિન્દ્રા બેંકની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશભરમાં 49 લાખથી વધુ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ થઈ રહ્યો છે. બેંકના 28 લાખથી વધુ ડેબિટ કાર્ડ સક્રિય છે. બેંકની સત્તાવાર વેબસાઇટ અનુસાર, દેશભરમાં 1780થી વધુ શાખાઓ છે અને 2023 સુધીમાં કુલ 4.12 કરોડ ગ્રાહકો થયા છે. કોટક મહિન્દ્રા બેંકમાં કુલ 1 લાખથી વધુ કર્મચારીઓ કામ કરે છે. રકમની વાત કરીએ તો હાલમાં બેંકમાં કુલ 3.61 લાખ કરોડ રૂપિયા જમા છે.

અહીં તમને જણાવી દઈએ કે, કોટક મહિન્દ્રા ફાઈનાન્સને વર્ષ 2003માં બેન્કિંગ લાઇસન્સ મળ્યું હતું. અને NBFCથી બેંકમાં રૂપાંતર કરનાર તે પ્રથમ એન્ટિટી હતી. જો આપણે કોટક મહિન્દ્રા બેંકના ક્રેડિટ કાર્ડ બિઝનેસની વાત કરીએ તો, ભારતીય બજારમાં તેનો લગભગ 4 ટકા હિસ્સો છે. બેંકના કુલ બિઝનેસમાં ક્રેડિટ કાર્ડ બિઝનેસનો હિસ્સો લગભગ 3.8 ટકા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp