RBI ગવર્નરે જણાવ્યું અત્યાર સુધીમાં કેટલી નોટો પાછી આવી, બદલવાને બદલે લોકો...

PC: bharatsamachartv.in

RBI ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે, બેંકમાં પાછી આવેલી 85 ટકા નોટો અત્યાર સુધીમાં જમા થઈ ગઈ છે. જ્યારે, બાકીની 15 ટકાને બદલવામાં આવી છે. ભારતીય રિઝર્વ બેંક (RBI)ના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે, ચલણમાંથી રૂ.2,000ની નોટો પાછી ખેંચવાના નિર્ણયના એક મહિનામાં કુલ રૂ.3.62 લાખ કરોડ રૂપિયામાંથી બે તૃતિયાંશથી વધુ (રૂ.2.41 લાખ કરોડથી વધુ) નોટો બેંકમાં પરત ફરી ચુકી છે. તેમણે એમ પણ કહ્યું કે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચી લેવાથી અર્થતંત્ર પર કોઈ વિપરીત અસર નહીં પડે. 19 મેના રોજ કેન્દ્રીય બેંકે અચાનક રૂ. 2000ની નોટ પાછી ખેંચી લેવાનો નિર્ણય લીધો હતો. લોકો 30 સપ્ટેમ્બર સુધી બેંકમાં જઈને 2,000 રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકશે.

પોતાની RBI ઓફિસમાં મીડિયા સૂત્રો સાથે વાત કરતા દાસે કહ્યું કે, 2000ની લગભગ 85 ટકા નોટો બેંક ખાતામાં જમા થવાના રૂપમાં આવી છે. એટલે કે લોકો 2000ની વધુ નોટો બદલવાને બદલે બેંકમાં જમા કરાવી રહ્યા છે. અગાઉ, 8 જૂને નાણાકીય નીતિ સમીક્ષા પછી, દાસે કહ્યું હતું કે, 1.8 લાખ કરોડ રૂપિયાની 2,000 રૂપિયાની નોટો પાછી આવી છે. આ ચલણમાં રૂ. 2,000ની કુલ નોટોના લગભગ 50 ટકા જેટલી હતી.

2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અર્થવ્યવસ્થા પર અસર વિશે પૂછવામાં આવતા તેમણે કહ્યું, 'હું તમને સ્પષ્ટપણે કહી શકું છું કે, હમણાં જે 2,000 રૂપિયાની નોટો પાછી ખેંચવામાં આવી રહી છે તેની અર્થવ્યવસ્થા પર કોઈ પ્રતિકૂળ અસર નહિ પડશે.' અહીં તમને બતાવી દઈએ કે, SBI રિસર્ચના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતીય રિઝર્વ બેંકમાંથી રૂ. 2,000ની નોટ પાછી ખેંચવાથી વપરાશમાં ઝડપ આવી શકે છે અને તેનાથી ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકાથી વધુ વધી શકે છે.

રિપોર્ટ અનુસાર, 'અમે 2000 રૂપિયાની નોટો પાછી ખેંચવાની અસરને કારણે એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વૃદ્ધિ દર 8.1 ટકા રહેવાની અપેક્ષા રાખીએ છીએ. આ અમારા અંદાજની પુષ્ટિ કરે છે કે, નાણાકીય વર્ષ 2023-24માં GDP વૃદ્ધિ RBIના 6.5 ટકાના અંદાજ કરતાં વધી શકે છે.' RBIએ ચાલુ નાણાકીય વર્ષમાં આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે.

આ રિપોર્ટ વિશે પૂછવામાં આવતા દાસે કહ્યું, 'જ્યારે 2,000 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, ત્યારે તેને આર્થિક વૃદ્ધિ સાથે કોઈ લેવાદેવા ન હતી..., આ નિર્ણયનું પરિણામ કઈ પણ આવે તે પછીથી જાણવા મળશે, પરંતુ એક વાત હું સ્પષ્ટપણે કહી શકું છું. હમણાં જે રૂ.2,000ની નોટ પાછી ખેંચવામાં આવી રહી છે, તેની અર્થવ્યવસ્થા પર કોઈ વિપરીત અસર નહીં થાય. હજુ કેટલું સકારાત્મક પરિણામ આવે છે, તે તો પછી ખબર પડશે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp