સૂર્યપુત્રીનાં જન્મદિવસે વિશેષ : સાતપુડાથી સમુદ્ર સુધીની તાપી નદી...

સુરત જ નહીં સમગ્ર દક્ષિણ ગુજરાતની તાપી નદી જીવાદોરી બની ગઈ છે. અષાઢ સુદ સાતમનાં દિવસે તાપીની જયંતિ ઉજવાય છે.  દર વર્ષે ચોમાસા દરમિયાન સુરતીઓને તાપી નદી હબક ખવડાવી દે છે. પૂરના ખતરાની ઘંટડીઓ વારંવાર વાગ્યા કરે છે. સૂર્યપૂત્રી તાપી નદીના ઈતિહાસથી સૌ કોઈ વાકેફ હશે પણ તાપી નદીના ઉદ્દગમસ્થાનથી લઈ સુરતના ડુમસ નજીક અરબી સમુદ્રમાં વિલીન થવાની તાપી રિવર બેઝીનની રોમાંચક અને યાદ રાખવા જેવી બાબતો અત્રે પ્રસ્તૂત કરવામાં આવી રહી છે. 

714 કિ.મી. લાંબી પૌરાણિક તાપી નદી

તાપી નદીને તાપ્તી નદી પણ કહેવામાં આવે છે. તાપી અતિ પ્રાચીન પૌરાણિક સંસ્કૃત નામ છે. મધ્ય ભારતની મુખ્ય નદીઓ પૈકીની તાપી એક છે. તાપી નદી 724 કિ.મી. (450 માઈલ) લાંબી છે. ભારતીય દ્વિપકલ્પની મહત્વની નદી છે. તાપીનું ધાર્મિક અને સામાજિક રીતે અલૌકિક મહત્વ રહેલું છે. તાપીની સાથે પૂર્વથી પશ્ચિમ તરફ ગતિમાન કરતી અન્ય બે નદીઓ પણ મળે છે.

તાપી નદીનો છે બહોળો પરિવાર

તાપી નદી સૂર્યદેવની પુત્રી છે. ત્યારે સૂર્યદેવના સંતાનો માતા રાંદલ, અશ્વિની અને કુમાર પણ છે. કર્ણ પણ સૂર્યદેવના પુત્ર છે. માતા રન્નાદેને નવદુર્ગા માતાજીમાં એક સ્થાન મળેલુ છે. માતા રાંદલનું પ્રગટધામ દડવા છે જ્યાં માતાજીના લોટા તેડવામાં આવે છે. સુરતના એક રાજાને ત્યાં માતાજી રન્નાદે એટલે રાંદલએ દર્શન આપ્યા હતા અને જગ્યા આજે રાંદેરના નામથી ઓળખાય છે. જયારે પાંચ પાંડવના ઓવરાની બાજુમાં સૂર્યદેવના પુત્રો અશ્વિની અને કુમારે સ્થાન લીધું છે. ત્યારે બાજુમાં જ કર્ણને જે જગ્યાએ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા તે ત્રણ પાનનો વડ છે. શનિદેવ પણ સૂર્ય પુત્ર છે અને તાપી પણ સૂર્યપુત્રી છે. આમ તાપી નદીનો બહોળો પરિવાર છે.

તાપીનું ઉદ્દગમસ્થાન

દક્ષિણ મધ્ય પ્રદેશમાં આવેલા સાતપુડા પર્વત માળાના પૂર્વિય પર્વત તાપીનું ઉદ્દગમસ્થાન છે. સાતપુડામાંથી ખાબકીને તાપીનો ધોધ પશ્ચિમ દિશામાં વહે છે. મધ્યપ્રદેશના મુલતાઈ, બૈતુલ, નિમર, બુરહાનપુરથી લઈ નાના મોટા ગામોને સાંકડી બુરહાનપુર થઈ મહારાષ્ટ્રની ઉત્તર દિશા એટલે કે ખાનદેશમાંથી પસાર થાય છે. આ ઉપરાંત વિદર્ભના પૂર્વિય વિસ્તારો અને ડેક્કન પ્રદેશના ઉત્તર પશ્ચિમ વિભાગના છેડે આવેલા ઉચ્ચ સપાટ પર્વતીય ક્ષેત્રમાંથી પસાર થાય છે. આમ ત્રણ પ્રદેશો અને ડેક્કનના છેડાને અડીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાંથી પસાર થઈ સુરત ખાતે અરબી સમુદ્રમાં વિલિન થાય છે. સામાન્ય રીતે અરબી સમુદ્રને ખંભાતની ખાડી તરીકે પણ ઓળખાવાય છે. તાપીની સમાંતરે જ નર્મદા નદી વહે છે. આ બંને નદીઓ ઉત્તર અને દક્ષિણ ભારત વચ્ચે સીમારેખાના દિશા નિર્દેશનું પણ કામ કરે છે. સહ્યાદ્રી રેન્જ કે પશ્ચિમ ઘાટના પર્વતીય પ્રદેશથી સીધા દક્ષિણના છેડે ગુજરાત અને મહારાષ્ટ્રની બાઉન્ડ્રી દર્શાવે છે.

તાપી નદીનો કેચમેન્ટ એરિયા                                                      

તાપી નદીનો કેચમેન્ટ એરિયા 65, 645 ચો.કિ.મી. છે

ટોટલ ભારતીય ધરાતલના 2 ટકા જેટલો કેચમેન્ટ એરિયા છે

મધ્યપ્રદેશ : 9,000, 804 ચો.કિ.મી. (કેચમેન્ટ એરિયા)

મહારાષ્ટ્ર : 56,504 ચો.કિ.મી. (કેચમેન્ટ એરિયા)

ગુજરાત : 3,837 ચો.કિ.મી. (કેચમેન્ટ એરિયા)

તાપી નદીના કેચમેન્ટ એરિયામાં મધ્યપ્રદેશના બૈતુલ અને બુરહાનપુર જિલ્લાનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ઉત્તર અને પૂર્વના જીલ્લાઓ જેવા કે અકોલા, અમરાવતી, વાસીમ, બુલધાના, ધુળે, ભુસાવલ, નંદુરબાર અને નવાપુરમાંથી પસાર થાય છે. ગુજરાતમાં તાપી જિલ્લાના ઉચ્છલ- નિઝરથી પ્રવેશ કરી સુરત જિલ્લામાંથી પસાર થઈ સુરત શહેરની મધ્યમાંથી નિકળી ડુમસ નજીક અરબી સમુદ્રને મળે છે.

તાપી કીનારે મહત્વના શહેરો

તાપી કીનારે વસેલા મહત્વના શહેરોના વિકાસમાં નદીનો મહત્વનો ફાળો રહ્યો છે. તાપીની જાહોજલાલી આજે પણ અકબંધ છે. નદીના વહેણનાં પ્રવાહમાં મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના અનેક શહેરોએ વિકાસની નવી ગાથા લખી છે.
તાપી કીનારે વસેલા શહેરોમાં મધ્ય પ્રદેશમાં મુલતાઈ (મુલતાપી) બૈતુલ, નેપાનગર અને બુરહાનપુરનો સમાવેશ થાય છે. મહારાષ્ટ્રના ભુસાવલ, બુલધાના, જલગાંવ, ધુળે અને નવાપુરનો સમાવેશ થાય છે. જ્યારે ગુજરાતમાં તાપી અને સુરત જિલ્લા અને સુરત શહેરનો સમાવેશ થાય છે.

તાપીનું નામાભિકરણ

તાપીનું ઉદ્દગમસ્થાન આમ તો મધ્ય પ્રદેશના મુલતાઈ જિલ્લા નજીક સાતપુડાની પર્વતમાળામાં છે. મુલતાઈ જેને મુલતાપી તરીકે પણ ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં મુલતાઈને મુલતાપી તરીકે વર્ણવવામાં આવ્યું છે. સંસ્કૃત શબ્દની વર્ણમાળા અનુસાર મુલતાપી પરથી તાપ્તી નદી કે તાપી નદીનું નામ પડ્યું છે. તાપીને સૂર્યપુત્રી પણ કહેવામાં આવે છે. સૂર્યપુત્રી નદી એટલે કે તાપીની પૌરાણિક કથા રોચક છે. સૂર્યએ તેમના પત્ની છાયાની પુત્રી તરીકે તાપીની ઓળખ આપી છે. સુરતની તાપી નદીના નામ પરથી થાઈલેન્ડમાં 1915ના ઓગસ્ટ મહિનામાં ત્યાંની નદીનું નામ તાપી રાખવામાં આવ્યું હતું. થાઈલેન્ડમાં સુરત (થાની) નામનું શહેર પણ તાપી નદીના કિનારે જ છે.

તાપી નદીમાં મળતી 46 નદીઓ 

તાપી નદીમાં મળતી નાની મોટી નદીઓમાં મુખ્યત્વે ગોરના, પૂર્ણા, વણઝારા, બૌરી, હાલોર અને અરનર નદીઓનો સમાવેશ થાય છે. તાપીમાં કુલ મળીને 46 જેટલી નદીઓ મળે છે. આ તમામ નદીઓ ડુંગરાળ પ્રદેશોમાંથી વહન કરી તાપી નદીમાં ભળી જાય છે.

તાપીમાં મળતી નદીઓના નામ 

અરૂણાવતી (શિરપુર), ગોમાઈ (નંદુરબાર), વાકી (ધૂળે), બુરાઈ (ધૂળે), પંજારા (જલગાંવ-ધૂળે), કાન (ધૂળે), બોરી (જલગાંવ), અનેર (જલગાંવ-ધૂળે), ગીરના (નાસિક-માલેગાંવ-જલગાંવ), તીતુર (જલગાંવ), મોસમ (માલેગાંવ), વાઘુર (માલેગાંવ), વાઘુર (જલગાંવ, ઔરંગાબાદ), પૂર્ણા (અમરાવતી, અકોલા, બુલધાના, જલગાંવ), ચાંગદેવ (જલગાંવ), નલગંગા (બુલધાણા), વિશ્વગંગા (બુલધાના), નિપાની (બુલધાના), મન (બુલધાના-અકોલા), માસ (બુલધાના-અકોલા), ઉતાવાલી (બુલધાના-અકોલા), વિશ્વામિત્રી (અકોલા), નીર્ગુણા (વાસિમ-અકોલા), ગાંધારી (અકોલા), આશ (અકોલા), વાન (બુલથાના-અકોલા-અમરાવતી), મોરના (અકોલા, વાસિમ), શાહનુર (અકોલા, અમરાવતી), ભાવખુરી (અમરાવતી), કાટપૂર્ણા (અકોલા, વાસિમ), ઉમા (અકોલા વાસિમ), પેન્ધી (અકોલા, અમરાવતી), ચંદ્રભાગા (અમરાવતી), ભુલેશ્વરી (અમરાવતી), આર્ણા (અમરાવતી), ગડગે (અમરાવતી), શીપના (અમરાવતી), ખાપરા (અમરાવતી), ખંડુ (અમરાવતી) તિગરી (અમરાવતી), સુખી (અમરાવતી), બુરશી (અમરાવતી), ગંજલ (બેતુલ-મધ્યપ્રદેશ), અંભોરા (બેતુલ-મધ્યપ્રદેશ), નેસુ (સુરત). તમામ નદીઓ અલગ-અલગ શહેરોમાંથી પસાર થઈ તાપીમાં ભળી જાય છે.

તાપી પર બંધ, બેરેજ અને કોઝવે, પુલ કેટલા?        

તાપી નદી પર મહત્વના બે બંધ છે. મહારાષ્ટ્રના ભુસાવળ નજીક હથનૂર ડેમ અને તાપી જિલ્લાના સોનગઢ નજીક ઉકાઈ ડેમ બાંધવામાં આવ્યા છે. તાપી નદી પર મહારાષ્ટ્રના પ્રકાશા જિલ્લામાં શહાદા-સારંગ ખેડા નજીક પ્રકાશા બેરેજ બાંધવામાં આવેલું છે. તાપી જિલ્લામાં કાકરાપાર અને સુરત શહેરમાં વિયર-કમ કોઝવે જેવા બે કોઝવે બાંધવામાં આવેલા છે. બે ડેમ સહિત તાપી નદી પર રસ્તાને સાંકળતા 25થી વધુ પુલ અને એક ડઝન જેટલા રેલવે-બ્રીજ બાંધવામાં આવેલા છે. 

સુરતના તાપી કિનારેથી મુસ્લિમો જતા હતા હજ પઢવા 

અરેબિક-ફારસી ઈતિહાસકારોએ નોંધ્યું છે કે તાપી નદીને આજથી 500 વર્ષ પહેલા દરિયા એ તાપી તરીકે ઓળખવામાં આવતી હતી. સુરતના કિનારેથી છ થી સાત દાયકા પહેલાના મક્કાઈપુલથી જહાજોની રવાનગી મુસ્લિમોના પવિત્ર શહેર મક્કા-મદીના ખાતે કરવામાં આવતી હતી. અહીંથી મુસ્લિમો હજ પઢવા પણ જતા હતા. તાપી નદીનો પટ તે વખતે વિશાળ હતો. શહેરીકરણના વ્યાપ અને પ્રદૂષણની બદીએ તાપી નદીને ક્રમિક રીતે ગ્રસી જતાં તાપી કિનારેથી જહાજોની રવાનગી બંધ કરી દેવાઈ હતી અને મુસ્લિમોનો અહીંથી હજ પઢવા જવાની પ્રક્રિયા પણ બંધ થઈ ગઈ.

અરબી સમુદ્રમાં ક્યાં ભળે છે?

સાતપુડાની પર્વતમાળાથી નીકળી તાપી નદી સુરત નજીક ડુમસ પાસે આવેલાં મગદલ્લા ગામ નજીક અરબી સમુદ્રને મળે છે. 724  કિ.મીનાં પ્રવાહકીય સફર ખેડીને તાપી અરબી સમુદ્રમાં ભળે છે. તાપી અને સમુદ્રનાં સંગમ સ્થાન પર લોકો દ્વારા વર્ષોથી અષાઢ સુદ સાતમનાં દિવસે વિશેષ પૂજા-અર્ચના કરવામાં આવે છે. અરબી સમુદ્રમાં ભળી જતી તાપી નદીનાં સંગમ સ્થાનનાં વિકાસ અંગે કોઈ વિચારણા આજદિન સુધી કરવામાં આવી નથી. આજે સદીઓ વીતી ગઈ છે પણ તાપી નદી દિવસે-દિવસે મરણપથારી તરફ ધકેલાઈ રહી છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp