26th January selfie contest

વાપીમાં પ્રદૂષણની પોલમપોલઃ ગંદુ પાણી ટ્રીટ કરતી કંપનીને જ 10 કરોડનો દંડ

વાપીના ઉદ્યોગકારોના સંગઠન વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ દ્વારા સંચાલિત સીઇટીપી (કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ના ધારાધોરણ નહીં નિભાવાતા ૧૦ કરોડની પેનલ્ટી ફટકારી છે.

પ્રદૂષણ માટે જે મોટા ઉદ્યોગો સામે ક્લોઝર નોટિસ અપાઈ હોય તેમને પણ એક કરોડ, મધ્યમ ઉદ્યોગોને 50 લાખ અને નાના ઉદ્યોગોને 25 લાખ પેનલ્ટી ભરવા માટેનું ફરમાન વાપી સીઇટીપીના ઇતિહાસમાં પહેલી વખત આટલો મોટો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત એનજીટીએ જે ઉદ્યોગ સામે કલોઝર નોટિસ નીકળી હોય તેવા મોટા ઉદ્યોગોને એક-એક કરોડની પેનલ્ટી અને તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ૫૦ લાખથી નાના ઉદ્યોગોને ૨૫ લાખની પેનલ્ટી ભરવાનો આદેશ કર્યો છે. એક જ મહિનામાં પેનલ્ટીની રકમ ભરી દેવાનું પણ અલ્ટીમેટમ ચુકાદામાં આપ્યું છે.દિલ્હી એનજીટીની પ્રિન્સિપલ બેંચ સમક્ષ શુક્રવારે સાડા ત્રણ કલાક સુનાવણી ચાલી હતી. વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડ તથા વીઆઇએ તરફથી વીઆઇએના પ્રમુખ પ્રકાશ ભદ્રા પણ પોતે હાજર રહ્યાં હતાં. તેમણે વાપી સીઇટીપીના રિઝલ્ટ અંગે પક્ષ રજૂ કર્યો હતો. લાંબી સુનાવણીના અંતે વાપીની સીઇટીપીને ૧૦ કરોડની પેનલ્ટીનો આદેશ કરાયો હતો.

પાંચ કમિટીને તપાસ સોંપી, એનજીટીને રિપોર્ટ કરશે

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે આ પેનલ્ટી ઉપરાંત પાંચ કમિટીની રચના કરવાનો આદેશ કર્યો છે. કમિટી નિરીક્ષણ કરીને દિલ્હી એનજીટી સમક્ષ તેનો રિપોર્ટ મૂકશે. વાપીના પ્રદૂષણ પ્રત્ય દુર્લક્ષ રાખતા કેટલાક ઉદ્યોગો માટે આગામી સમય કપરો હોવાનું પણ અત્યારથી જ કહેવાય રહ્યું છે.

પિટિશનના સમય દરમિયાન ક્લોઝર મેળવનાર ઉદ્યોગો ઉપર પણ તવાઈ

એનજીટીએ તેના આદેશમાં એવું પણ નોંધ્યુ છે કે, વર્ષ ૨૦૧૮માં જે સમયમાં આ પિટીશન થઇ તે દરમિયાન જીપીસીબી દ્વારા જે ઉદ્યોગો સામે ક્લોઝર જેવા પગલાં લેવાયા હોય તેમણે પણ દંડ ભરવો પડશે. ક્લોઝર મેળવનારા મોટા ઉદ્યોગોને એક-એક કરોડની પેનલ્ટી તેમજ મધ્યમ કક્ષાના ઉદ્યોગોને ૫૦ લાખની પેનલ્ટી તથા નાના કદના ઉદ્યોગોને ૨૫ લાખની પેનલ્ટી ભરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે. હજી એનજીટીનો લેખિત ચુકાદો આવ્યા બાદ વધુ સારી રીતે આ ચૂકાદાને સમજી શકાશે, તેવું વાપીના ઉદ્યોગકારોનું કહેવું છે.

ચૂકાદો ગંભીર છે અમે સુપ્રીમ કોર્ટમાં જઇશુઃ વીઆઇએ

વાપી ગ્રીન એન્વાયરો લિમિટેડના ડાયરેકટર તેમજ વીઆઇએના પ્રમુખ પ્રકાશ ભદ્રાનું કહેવું છે કે, એનજીટીનો ચૂકાદો ગંભીર છે. દિલ્હીમાં એનજીટીની પ્રિન્સીપલ બેંચ સમક્ષ સાડા ત્રણ કલાક સુનાવણી ચાલી હતી. વાપીના ગ્રીન એન્વાયરો લિમિટેડ તરફથી અમે ઘણા તત્થ્યો અને બાબતો એનજીટી સમક્ષ મૂકી પરંતુ તેમાં પૂરતો પ્રતિસાદ નથી મળ્યો એવું લાગે છે. સીઇટીપી અંગે અમે હવે સમગ્ર ચુકાદાનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટમાં જઇશું. અમે એકશન ટેકન રિપોર્ટ, ભવિષ્યનું પ્લાનિંગ અને સીઇટીપીના રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ બતાવીને આ ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં દાદ માગીશું.

વાપીના સીઈટીપી સામે થયેલો કેસની હકીકત આવી હતી

વાપીના ઉદ્યોગોના પ્રવાહી કચરાને ટ્રીટમેન્ટ કરીને નદીમાં છોડવાનું કામ કરતા સીઇટીપી(કોમન એફલ્યુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ)ની કામગીરી શંકાના દાયરામાં મૂકાઈ હતી. કેમિકલવાળો પ્રવાહી કચરો ટ્રીટમેન્ટ કરવાના પૂરતા ધારાધોરણ પાળવાને બદલે સીધો જ નદીમાં ઠલવાઈ રહ્યો હોવાની દલીલ અને આધાર સાથે સુરતના એનજીઓ આર્યવર્ત ફાઉન્ડેશને દિલ્હીમાં એનજીટી(નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ) પ્રિન્સિપલ બેંચમાં પિટીશન દાખલ કરી હતી. સીઇટીપીને અપગ્રેડેશન તેમજ દમણગંગા નદીમાં છોડવામાં આવતા એફલ્યુઅન્ટ મામલે પ્રદૂષણને લઇને ગંભીર સવાલો ઉઠાવ્યા હતાં. એનજીટીએ વાપીના ગ્રીન એન્વાયરો લિમિટેડ, જીપીસીબી તથા વલસાડ કલેકટરને નોટિસ ઇસ્યુ કરી હતી. આ કેસમાં શુક્રવારે સુનાવણી હાથ ધરાઈ હતી, તેમાં આકરી પેનલ્ટીનો આદેશ કરવામાં આવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp