કયા કારણે સેન્સેક્સ 1000 પોઈન્ટ તૂટ્યો, 13 લાખ કરોડ સ્વાહા થયા?

PC: tv9hindi.com

શેરબજારમાં આજે જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. તે ખુલતાની સાથે જ શેરબજાર ઝડપથી તૂટવા લાગ્યું. આજે સેન્સેક્સમાં 1000 પોઈન્ટનો ઘટાડો થયો હતો જ્યારે નિફ્ટીમાં 350 પોઈન્ટનો ઘટાડો થયો હતો. બપોરે 2.30 વાગ્યે, સેન્સેક્સ 1,046 પોઈન્ટ અથવા 1.42 ટકાના ઘટાડા સાથે 72,621ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો, જ્યારે નિફ્ટી 1.74 ટકા અથવા 388 પોઈન્ટ્સના ઘટાડા સાથે 21,947 પર ટ્રેડ કરી રહ્યો હતો.

નિફ્ટીના મિડકેપ ઈન્ડેક્સમાં 1730 પોઈન્ટ અથવા 3.61 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ નિફ્ટીનો સ્મોલકેપ ઈન્ડેક્સ 676 પોઈન્ટ અથવા 4.50 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો. આ સિવાય BSE સ્મોલકેપ ઈન્ડેક્સ 1824 પોઈન્ટ અને મિડકેપ ઈન્ડેક્સ 1382 પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. આ તીવ્ર ઘટાડાને કારણે બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું અને મોટી કંપનીઓના શેરમાં ભારે વેચવાલી થઈ.

તાજેતરમાં SEBI ચીફે મિડકેપ અને સ્મોલ કેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે, SEBI તેમના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હેરાફેરીના સંકેતો મળ્યા છે. એટલું જ નહીં, SMI IPOમાં પણ અનિયમિતતાના સંકેતો છે. SEBI ચીફે રોકાણકારોને આ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. SEBIના આ નિવેદન પછી બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું, જેની અસર એ થઇ કે, આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે અન્ય ઈન્ડેક્સમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો છે.

બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાથી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ.12.67 લાખ કરોડ ઘટીને રૂ.372 લાખ કરોડ થયું હતું. એનો મતલબ કે, થોડા જ કલાકોમાં રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

અદાણીના શેરોના પતનને કારણે, અદાણી જૂથના માર્કેટ કેપમાં રૂ.90,000 કરોડનો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી 100 અબજ ડૉલરની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે, અદાણીના તમામ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 9 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 7 ટકા, અદાણી એન્ટરપ્રાઇઝ 6 ટકા, અદાણી વિલ્મર 4 ટકા, અદાણી પોર્ટ 5 ટકા અદાણી ગ્રીન સોલ્યુશન 4.5 ટકા અને અદાણી પાવર 5 ટકા ઘટ્યા હતા. શેરોમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને 99.9 બિલિયન ડૉલર થઈ ગઈ છે.

(નોંધ- શેરબજારમાં કોઈપણ રોકાણ કરતા પહેલા, તમારા બજાર નિષ્ણાતોની સલાહ ચોક્કસ લો.)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp