સેબીના એક પરિપત્રને કારણે એન્જલ વનના શેર તૂટ્યા, 10 ટકા સુધી થયો ઘટાડો
માર્કેટ રેગ્યુલેટર સેબીના પરિપત્ર પછી ભારતીય બ્રોકરેજ ફર્મ્સના શેરમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. સેબીના આ પરિપત્રની સૌથી વધુ અસર એન્જલ વનના શેર પર પડી હતી.
હકીકતમાં, સેબીનો આ પરિપત્ર સોમવારે સાંજે બહાર આવ્યો હતો, જેની અસર આજે બજાર ખુલતાની સાથે જ જોવા મળી હતી. ટ્રેડિંગ દરમિયાન એન્જલ વનના શેરમાં 10 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. તેના પરિપત્રમાં, સેબીએ સ્ટોક એક્સચેન્જ સહિત તમામ બજાર સંસ્થાઓને બ્રોકિંગ ફર્મ્સ પર સમાન ફી લાદવા જણાવ્યું હતું, જે વોલ્યુમ પર આધારિત ન હોવી જોઈએ. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, આ નિર્ણયથી એન્જલ વન જેવી બ્રોકરેજ ફર્મની કમાણી ઘટી શકે છે.
એન્જલ વન ઉપરાંત, IIFL સિક્યોરિટીઝ, 5Paisa કેપિટલ, SMC ગ્લોબલ, મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્સિયલ સર્વિસિસ અને જિયોજીત ફાઇનાન્સિયલ સર્વિસિસ જેવી બ્રોકિંગ કંપનીઓના શેરમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. જોકે મંગળવારે શેરબજારમાં થોડું દબાણ જોવા મળ્યું હતું. પ્રોફિટ બુકિંગના કારણે ઘણા સેક્ટર રેડ ઝોનમાં બંધ થયા. બેન્કિંગ શેર પણ નોંધપાત્ર દબાણ હેઠળ છે.
અહીં તમને જણાવી દઈએ કે, સેબીના સર્ક્યુલર પછી મંગળવારે એન્જલ વન 9 ટકાના તીવ્ર ઘટાડા સાથે રૂ. 2,359.75 પર ખુલ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન શેર 10.50 ટકા ઘટીને રૂ. 2,312ના સ્તરે પહોંચ્યો હતો. ટ્રેડિંગના અંતે શેર 8.59 ટકા ઘટીને રૂ.2357 પર બંધ થયો હતો. જ્યારે, 5 પૈસા કેપિટલ લિમિટેડના શેરમાં લગભગ 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.
સેબીએ તેના પરિપત્રમાં કહ્યું છે કે, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MII) જેમ કે સ્ટોક એક્સચેન્જ અને ક્લિયરિંગ કોર્પોરેશનોએ ટર્નઓવરના આધારે બ્રોકિંગ ફર્મ્સને ડિસ્કાઉન્ટ આપવું જોઈએ નહીં. હાલમાં, માર્કેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સંસ્થાઓ (MII), જેમ કે સ્ટોક એક્સચેન્જ અને ક્લીયરિંગ કોર્પોરેશન, સ્લેબ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને બ્રોકર્સ પાસેથી ટ્રાન્ઝેક્શન અને ડિપોઝિટરી ચાર્જિસ એકત્રિત કરે છે. બદલામાં, બ્રોકરેજ પણ તેમના ગ્રાહકો પાસેથી સમાન સ્લેબ સ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને ચાર્જ વસૂલ કરે છે.
જો કે, આ શુલ્કનો સમય બદલાયા કરતો હોય છે. બ્રોકરો સામાન્ય રીતે આ ફી તેમના ગ્રાહકો પાસેથી દૈનિક ધોરણે એકત્રિત કરે છે. જ્યારે તેઓ માસિક ધોરણે MII પર આ ફી જમા કરે છે. આ કારણે, ડિસ્કાઉન્ટ બ્રોકર્સ આ ટ્રાન્ઝેક્શન ચાર્જ ડિસ્કાઉન્ટ દ્વારા 15 થી 30 ટકા સુધીની કમાણી કરી લે છે. જ્યારે ડીપ ડિસ્કાઉન્ટ બ્રોકર્સ માટે આ આંકડો 50-70 ટકા સુધી જાય છે.
ખરેખર, સેબી ઇચ્છે છે કે, ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અંગે પારદર્શિતા રહે. સેબીનો પ્રયાસ એ છે કે, એક્સ્ચેન્જોએ અલગ-અલગ ટ્રાન્ઝેક્શન ચાર્જ ન લગાવવો જોઈએ, પરંતુ બધા માટે એક સમાન ફી માળખું હોવું જોઈએ. આ સિવાય સેબી એમ પણ ઇચ્છે છે કે, માર્કેટ પ્લેયર્સને સ્લેબ ડિસ્કાઉન્ટ મળવું જોઈએ.
નોંધઃ તમે શેરબજારમાં તમારા પૈસાનું રોકાણ કરતા પહેલા, તમારા નાણાકીય સલાહકારની મદદ જરૂર લો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp