સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળ્યો, અચાનક તેજીનું કારણ જાણી લો
ગુરુવારે શેરબજારમાં અચાનક તોફાની ઉછાળો આવ્યો હતો અને સેન્સેક્સ-નિફ્ટીએ તમામ જૂના રેકોર્ડ તોડીને નવા ઊંચા સ્તરે પહોંચ્યા હતા. બજાર બંધ થવાના અડધો કલાક પહેલા જ બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 1500 પોઈન્ટ ઉછળીને 83000ને પાર કરી ગયો હતો, જ્યારે NSEનો નિફ્ટી 500 પોઈન્ટ ઉછળીને 25,429ની નવી ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો હતો, આ દરમિયાન, HDFC બેંક, હિન્દાલ્કો અને ભારતી એરટેલના શેરમાં સૌથી વધુ વધારો થયો હતો, જેણે બજારને ટેકો આપ્યો હતો અને આ મજબૂત વધારો જોવા મળ્યો હતો. આ દરમિયાન, નિફ્ટી 50ના તમામ 50 શેરોમાં વધારો નોંધાયો હતો.
વૈશ્વિક બજારમાં સકારાત્મક સંકેતોની અસર ગુરુવારે સવારે શેરબજાર પર જોવા મળી હતી અને તેણે મજબૂત શરૂઆત કરી છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શેરનો સેન્સેક્સ 400 પોઈન્ટના વધારા સાથે ખુલ્યો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી પણ 100 પોઈન્ટથી વધુના વધારા સાથે ખુલ્યો હતો. બપોરે 3:10 વાગ્યે એટલે કે બજાર બંધ થવાના 20 મિનિટ પહેલા, સેન્સેક્સ અને નિફ્ટીમાં એકાએક એટલો ઉછાળો આવ્યો કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને બજારે નવો ઈતિહાસ રચ્યો. એક તરફ, ઇતિહાસમાં પ્રથમ વખત, સેન્સેક્સે 83,000નો આંકડો પાર કર્યો, તો બીજી તરફ, નિફ્ટીએ 25,400ને પાર કર્યો.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી, BSE સેન્સેક્સ 1,550.59 અથવા 1.87 ટકાના વધારા સાથે 83,116.19ના સર્વકાલીન ઉચ્ચ સ્તરે ટ્રેડ કરી રહ્યો હતો. બીજી તરફ NSEનો નિફ્ટી 511 પોઈન્ટના ઉછાળા સાથે 25,433.35ના રેકોર્ડ સ્તરને સ્પર્શી ગયો હતો. જોકે, ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 1439.55 પોઈન્ટ અથવા 1.77 ટકાના વધારા સાથે 82,962.71 પર બંધ થયો હતો. આ સાથે નિફ્ટી 470.45 અથવા 1.89 ટકા વધીને 25,388.90ના સ્તરે બંધ થયો હતો.
શેરબજારમાં અચાનક આવેલા આ તોફાની ઉછાળાની વચ્ચે લાર્જ કેપ કંપનીઓમાં સામેલ ભારતી એરટેલનો શેર 4.38 ટકાના ઉછાળા સાથે 1647 રૂપિયા પર પહોંચી ગયો છે. આ સિવાય હિન્દાલ્કોનો શેર 4.37 ટકા વધીને 676 રૂપિયા પર પહોંચ્યો છે. આ સિવાય NMDC શેર 4.35 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો, LIC હાઉસિંગ શેર 4.03 ટકાના વધારા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. મેક્સ હેલ્થનો શેર પણ 4 ટકાથી વધુ વધીને રૂ. 913 પર પહોંચ્યો છે.
જો આપણે લાર્જ કેપ કંપનીઓ તરફથી બજારને મળેલા સમર્થનની વાત કરીએ તો, અન્ય શેરોના નામ પણ આ યાદીમાં સામેલ છે. આમાં HDFC બેન્ક શેર, NTPC શેર, M&M શેર, અદાણી પોર્ટ્સ શેર, L&T શેર, ટાટા સ્ટીલ શેર, કોટક બેન્ક શેર, SBI શેર, ટેક મહિન્દ્રા શેર પણ આગળ હતા. આમાં 2-4 ટકા સુધીનો વધારો થયો છે.
ટ્રેડિંગના છેલ્લા કલાક દરમિયાન શેરબજારમાં આવેલા આ તોફાની ઉછાળાને કારણે રોકાણકારોને પણ મજા પડી ગઈ હતી અને તેમની સંપત્તિમાં રૂ. 6 લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. હકીકતમાં, BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન (BSE MCap) રૂ. 6.6 લાખ કરોડ વધીને રૂ. 467.36 લાખ કરોડ થયું છે.
હવે જો આપણે શેરબજારમાં આ અચાનક ઉછાળા પાછળના કારણો વિશે વાત કરીએ તો તેમાં વૈશ્વિક પરિબળો સામેલ છે. હકીકતમાં, USમાં ફુગાવાના આંકડા જાહેર થયા પછી, બજારમાં વિદેશી રોકાણની અપેક્ષાઓમાં ઉછાળો આવ્યો છે. એવું માનવામાં આવે છે કે, ફેડરલ રિઝર્વ પોલિસી રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સનો ઘટાડો કરી શકે છે.
આ વૈશ્વિક સંકેતોને કારણે, સવારે બજાર ખુલતાની સાથે જ હકારાત્મક અસર જોવા મળી હતી, જે બજાર બંધ થતાં સુધીમાં મજબૂત તેજીના વલણમાં ફેરવાઈ ગઈ હતી. આ સિવાય યુરોપિયન સેન્ટ્રલ બેંક પણ વ્યાજદરમાં એક ક્વાર્ટર પોઈન્ટનો ઘટાડો કરે તેવી અપેક્ષા છે. જૂનમાં ઐતિહાસિક ઘટાડા પછી આ વર્ષે વ્યાજદરમાં આ બીજો ઘટાડો હશે.
નોંધ: શેરબજારમાં કોઈપણ પ્રકારનું નાણાકીય રોકાણ કરતા પહેલા તમારે તમારા બજાર નિષ્ણાતોની સલાહ અવશ્ય લેવી જોઈએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp