છોકરીએ વાનરોથી માસૂમનો જીવ બચાવ્યો, આનંદ મહિન્દ્રાએ ખુશ થઇ કરી નોકરીની ઓફર

PC: twitter.com

ઉત્તર પ્રદેશની યુવતીએ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પોતાની ભત્રીજીનો જીવ વાંદરાઓથી બચાવ્યો. આ જોઈને બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રા ખૂબ જ પ્રભાવિત થયા અને તેમણે UPની યુવતીને નોકરીની ઓફર કરી. અમે UPમાં બનેલી એક ઘટનાની વાત કરી રહ્યા છીએ, જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. કૂતરો હોય કે વાંદરો, તેઓ આજકાલ હિંસક બની રહ્યા છે. આ પડકારનો સામનો કરવા માટે લોકો હવે આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે.

UPના બસ્તી જિલ્લાના આવાસ વિકાસ કોલોનીમાં રહેતી એક છોકરી આ દિવસોમાં ઘણી ચર્ચામાં છે. અહીં રહેતી 13 વર્ષની નિકિતાએ એવું કારનામું કર્યું છે કે, દરેક તેના દિમાગના વખાણ કરી રહ્યા છે. પોતાની બુદ્ધિમત્તાથી નિકિતાએ માત્ર તેનો જીવ જ નહીં, પરંતુ 15 મહિનાની માસૂમ પુત્રીનો પણ જીવ બચાવ્યો. આધુનિક ઉપકરણોનો સચોટ ઉપયોગ કરીને, નિકિતાએ બનનારી એક અપ્રિય ઘટનાને ટાળી હતી.

બસ્તીમાં રહેતી નિકિતા તેની 15 મહિનાની ભત્રીજી વામિકા સાથે ઘરમાં રમી રહી હતી. બંને ઘરના પહેલા માળે કિચન પાસેના સોફા પર બેઠા હતા. એ વખતે ઘરમાં બીજું કોઈ નહોતું. એટલામાં જ વાંદરાઓનું ટોળું ઘરમાં ઘુસી આવ્યું અને રસોડામાં જઈને વાસણો અને ખાવાની વસ્તુઓ ઉપાડીને ફેંકી દેવા લાગ્યા. આ પછી, વાંદરાઓનું જૂથ વામિકા અને નિકિતા તરફ હુમલો કરવા માટે આગળ વધ્યું. નિકિતાએ તરત જ ડહાપણ બતાવ્યું અને એલેક્સાને કૂતરાનો અવાજ કરવા કહ્યું, પછી કૂતરાનો અવાજ સાંભળીને વાંદરાઓ ભાગી ગયા.

જ્યારે વાંદરાઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે 15 મહિનાની વામિકા કંઈ સમજી શકી નહીં. પરંતુ તે ડરી ગઈ અને 'મા-મા' બૂમો પાડવા લાગી. નિકિતા પણ ડરી ગઈ. તે કહે છે કે, વાંદરો ઘણી વખત તે બંને તરફ દોડ્યો હતો. પછી તેની નજર ફ્રિજ ઉપર રાખેલા એલેક્સા ડિવાઈસ તરફ ગઈ અને તેના મગજમાં જાણે એકદમ લાઈટ ઓન થઈ ગઈ અને તેણે એલેક્સા (ઉપકરણ)ને કૂતરાનો અવાજ કરવા કહ્યું. એલેક્સાને વૉઇસ કમાન્ડ મળતાની સાથે જ તેણે કૂતરાની જેમ જોરથી ભસવાનો અવાજ શરૂ કર્યો. કૂતરાના ભસવાનો અવાજ સાંભળીને વાંદરાઓ બાલ્કનીમાંથી ટેરેસ તરફ ભાગી ગયા.

આનંદ મહિન્દ્રાએ પોતાની પોસ્ટમાં કહ્યું કે, આધુનિક સમયમાં મોટો પ્રશ્ન એ છે કે, શું આપણે ટેક્નોલોજીના ગુલામ બનીશું કે માસ્ટર. આ યુવતીની વાર્તા દર્શાવે છે કે, ટેક્નોલોજી હંમેશા માનવ પ્રતિભાને નિખારશે. તેમની વિચારસરણી અસાધારણ હતી.

તેમણે કહ્યું કે આ છોકરીના વિચારસરણીમાં તે આ દુનિયામાં નેતૃત્વની ક્ષમતા ધરાવે છે. જો તે તેનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી ક્યારેય કોર્પોરેટ કંપનીમાં કામ કરવાનું નક્કી કરે છે, તો મને આશા છે કે, અમે તેને મહિન્દ્રા રાઇઝમાં અમારી સાથે જોડાવા માટે સમજાવી શકીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp