ગુજરાતના પાટીદારો અને ઇઝરાયલના યહુદીઓ મળી દુનિયાના હીરા ઉદ્યોગ પર રાજ કરે છે
(રાજેશ શાહ). સુરતના અબજોપતિ પાટીદારોને હીરાઘસતા ઇઝરાયલના યહુદીઓએ શિખવાડ્યું હતું. આ વાંચીને તમને કદાચ નવાઇ લાગશે, પરંતુ આ સત્ય છે. આ ચર્ચા અત્યારે એટલા માટે થઇ રહી છે, કારણ કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે એવા સંજોગોમાં ડાયમંડ ઉદ્યોગ પર શું અસર પડશે? તેની ચર્ચા ચાલી રહી છે.
આ ચર્ચા શરૂ થવાનું કારણ એવું છે કે અત્યારે દુનિયાભરમાં કટીંગ એન્ડ પોલીશીંગ થતા 100 હીરામાંથી 90 હીરા સુરતમાં બને છે અને ગુજરાતમાં અંદાજે 50 લાખ લોકો સીધી કે આડકતરી રીતે ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે. સુરતમાં ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગની મોટી મોટી ફેકટરીઓ છે તો ગુજરાતના ગામડાઓ ખાસ કરીને સૌરાષ્ટ્રના જુનાગઢ, અમરેલી, રાજકોટ, અમદાવાદમાં પણ નાના કારખાનાથી માંડીને મીની ડાયમંડ ફેકટરીઓ ચાલે છે.
સુરત ભલે અત્યારે દુનિયાભરમાં ડાયમંડનું હબ માનવામાં આવે છે, પરંતુ આ પહેલાં આ ગૌરવ ઇઝરાયલ પાસે હતુ. 1940 પહેલાં ઇઝરાયલમાં 100 માંથી 90 હીરા બનતા હતા. ઇઝરાયલની મુળ પ્રજા યહુદી છે અને આજે પણ ડાયમંડ માઇન્સમાંથી હીરા કાઢવાથી માડીને પોલિશ્ડ ડાયમંડના ટ્રેડીંગ, ટેક્નોલોજી પર યહુદીઓનો કબ્જો છે.
હવે તમારી સાથે એ વાત કરીએ કે યહુદીઓએ ડાયમંડ ઉદ્યોગને કેવી રીતે ડેવલપ કર્યો. યહુદીઓ વર્ષોથી ઇઝરાયલમાં રહેતા હતા, પરંતુ જેમ જેમ ખ્રિસ્તી અને મુસ્લિમ ધર્મનો ફેલાવો થતો ગયો તેમ તમ યહુદીઓ પર અત્યાચાર અને હેરાનગતિ વધવા માંડ્યા. જેમ પારસીઓ ઇરાનના અત્યાચારથી ગુજરાતમાં આવીને વસ્યા હતા તે રીતે યહુદીઓ યુરોપ જઇને વસ્યા હતા.
હવે યુરોપમાં તેમને મુશ્કેલી એ ઉભી થઇ કે તેમને જમીન ખરીદવાની પરવાનગી નહોતી. એવા સમયે યહુદીઓએ એવો ધંધો પસંદ કર્યો, જેમાં જમીનની જરૂર ન પડે. એમને ડાયમંડ ઉદ્યોગ વિશે સમજ હતી એટલે ડાયમંડનો ધંધો યહુદીઓએ શરૂ કર્યો તેની પાછળનું કારણ એ પણ હતુ કે, જો દેશ છોડવાની પરિસ્થિતિ ઉભી થાય તો ડાયમંડને પેકેટમાં ભરીને આસાનીથી ભાગી શકાય.
1940માં હિટલરે યહુદીઓ પર અત્યાચાર શરૂ કર્યો ત્યારે તેઓ એન્ટવર્પ, સાઉથ આફ્રિકા, હોલેન્ડ જેવા દેશોમાં જઇને વસ્યા અને ત્યાં જઇને પણ તેમણે ડાયમંડનો ધંધો ચાલું રાખ્યો,
હિટલરનું સામ્રાજ્ય ખતમ થયા પછી યહુદીઓ તેમના દેશમાં પાછા ફર્યા અને ડાયમંડ ઉદ્યોગને આખી દુનિયામાં ફેલાવ્યો.
આજે દુનિયામાં સૌથી મોટી ડાયમંડ માઇન્સ કંપની ડિ બીયર્સ છે અને તેના માલિક ઓપનહેમર ફેમિલી છે અને તેઓ યહુદી છે, ડાયમંડ ટેક્નોલોજીમાં ઇઝરાયલ નંબર વન છે અને આજે પણ સરિન ટેક્નોલોજીન, ડાયાલિટ જેવી કંપનીઓના નામ છે તેઓ પણ યહુદી છે.
ભલે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગમાં સુરત આજે દુનિયાભરમાં નંબર વન છે, પરતું પોલીશ્ડ ડાયમંડના ભાવ રેપાપોર્ટ કંપની બહાર પાડે છે અને દુનિયભારના ડાયમંડના વેપારીઓએ તેની પર જ નિર્ભર રહેવું પડે છે. રેપાપોર્ટના માલિક માર્ટિન રેપાપોર્ટ પણ યહુદી છે. ડાયમંડ ઉદ્યોગની આખી ચેઇનમાં યહુદીઓ માહીર હતા, પરંતુ ડાયમંડ કટીંગ એન્ડ પોલીશીંગનો બિઝનેસ તેમણે ગુમાવ્યો અને આખો ધંધો ગુજરાતના પાટીદારો પાસે આવી ગયો.
તમને એ જાણવા પણ રસ પડશે,કે યહુદીઓ પાસેથી ડાયમંડ કટીંગનો બિઝનેસ પાટીદારો પાસે કેવી રીતે આવી ગયો? 1940થી
1960 સુધી દુનિયામાં ઇઝરાયલ કટીંગ એન્ડ પોલીશીંગનું હબ ગણાતું હતું. 1960ની આજુબાજુ ઉત્તર ગુજરાતમાં વસતા ખાસ કરીને પાલનપુર, ડીસા, બનાસકાંઠા જે રણપ્રદેશ તરીકે ગણાય છે ત્યાં પાણીની સમસ્યાને કારણે જૈન લોકોએ સુરત સ્થળાંતર કર્યુ હતું અને ડાયમંડ ટ્રેડીંગનો ધંધો ડેવલપ કર્યો હતો. એ પછી સૌરાષ્ટ્રમાં પણ પાણીની તકલીફને કારણે પાટીદારોએ હીજરત કરવાનું શરૂ કર્યું હતું. પાટીદારોએ ધીમે ધીમે પોતાનું વર્ચસ્વ ઉભું કરી દીધું હતું. એ જમાનામાં ઇઝાયલની જે મોટા ડાયમંડ બનાવવાની મોનોપોલી હતી, તેવા મોટા ડાયમંડ વિનેસ જ્વેલના સેવંતીભાઇ શાહ, SRKના ગોવિંદ ધોળકીયા અને વાલજી કેસરીની કંપની જ બનાવતી હતી.
ઇઝરાયલ પાસેથી પાટીદારો મોટા ડાયમંડ બનાવતા શિખ્યા અને ઇઝરાયલનો આખો ડાયમંડ કટીંગનો બિઝનેસ સુરત ખેંચી લાવ્યા. આજે આમ જોવા જઇએ તો હીરાના ધંધા પર યહુદીઓ અને પાટીદારોનો કબ્જો છે. બનેંના મુળમાં જમીન અને ખેતી છે. યહુદીઓ જમીન ન હોવાથી ખેતી ન કરી શક્યા અને પાટીદારો પાણીના અભાવે ખેતી કરી શકતા નહોતા. આ બંને પ્રજાએ હીરાઉદ્યોગને એક નવી ઉંચાઇએ પહોંચાડ્યો છે.
સુરત અત્યારે ડાયમંડ કટીંગ એન્ડ પોલીશંગમાં દુનિયાનું સેન્ટર છે અને નજીકના ભવિષ્યમાં ડાયમંડ ટ્રેડીંગના હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે. સુરતમાં દુનિયાનું સૌથી મોટું ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બૂર્સ બનીને તૈયાર ઉભું છે અને 17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદઘાટન પછી ધમધમતું થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp