મામલો ગંભીર છે, ફરી વાર આવી ભૂલ થઇ તો... RBI પછી સેબીએ Paytmને ચેતવણી આપી
ફિનટેક કંપની Paytmની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. કંપની એક પછી એક મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. પહેલા ભારતીય રિઝર્વ બેંકે Paytmને મોટો ઝટકો આપ્યો અને હવે કંપનીને માર્કેટ રેગ્યુલેટર તરફથી ચેતવણી મળી રહી છે. આ સમાચારની અસર Paytm શેર પર દેખાવા લાગી. બજાર ખુલતાની સાથે જ Paytmના શેરમાં ઘટાડો થવા લાગ્યો. સવારે 9.50 વાગ્યા સુધીમાં Paytmના શેર ઘટીને રૂ. 462.50 -6.65 (-1.42 ટકા) થઈ ગયા હતા.
Paytmની પેરન્ટ કંપની One97 Communicationsને માર્કેટ રેગ્યુલેટર SEBI તરફથી ચેતવણી મળી છે. સેબીએ કંપનીના વ્યવહારો અંગે ચેતવણી પત્ર મોકલી આપ્યો છે. સેબીએ આ ચેતવણી નાણાંકીય વર્ષ 2021-2022માં Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ સાથે બિન-અધિકૃત સંબંધિત પક્ષકારોના વ્યવહારો અંગે આપી છે, 15 જુલાઈના રોજ સેબીએ Paytmને વહીવટી ચેતવણી પત્ર મોકલી આપ્યો છે.
SEBIએ Paytmની પેરેન્ટ કંપની One97 કોમ્યુનિકેશન પર આરોપ લગાવ્યો છે કે, નાણાકીય વર્ષ 2021-22માં Paytmએ તેની સબસિડિયરી Paytm પેમેન્ટ બેંક સાથે ટ્રાન્ઝેક્શન કર્યું હતું, પરંતુ આ માટે ન તો ઓડિટ કમિટી પાસેથી મંજૂરી લેવામાં આવી હતી અને ન તો શેરધારકો પાસેથી આ અંગે માહિતી આપવામાં આવી હતી. તેના ચેતવણી પત્રમાં સેબીએ બે વ્યવહારોમાં નિયમોના ઉલ્લંઘનને હાઇલાઇટ કર્યું છે. સેબીના જણાવ્યા અનુસાર, કંપનીએ રૂ. 324 કરોડ અને રૂ. 36 કરોડના વ્યવહારો કર્યા હતા, જેના વિશે ઓડિટ સમિતિ અને શેરધારકોને ન તો જાણ કરવામાં આવી હતી અને ન તો તેમની મંજૂરી લેવામાં આવી હતી.
સેબીએ Paytmને ભવિષ્યમાં આ બાબતોને ધ્યાનમાં રાખવા ચેતવણી આપી છે. તેણે Paytmને તેના ધોરણો સુધારવાની સલાહ આપી છે અને કહ્યું છે કે જો ફરીથી આવું કંઈક થશે તો કંપની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, કંપનીને સેબી દ્વારા હાઇલાઇટ કરાયેલા મુદ્દાઓને સુધારવા માટે પગલાં ભરવા માટે કહેવામાં આવ્યું છે. આ અંગે સેબીને 10 દિવસમાં માહિતી પણ આપવી પડશે.
Paytmએ કહ્યું કે તેણે ટ્રાન્ઝેક્શનની રકમની સંખ્યા જાહેર કરી છે. જોકે, કંપનીએ સેબીની ચેતવણી અંગે હકારાત્મક વલણ જાળવી રાખ્યું છે અને કહ્યું છે કે, તે સેબીની સૂચનાનું પાલન કરશે. કંપનીએ કહ્યું છે કે, આ ચેતવણીથી તેના બિઝનેસ પર કોઈ અસર નહીં પડે. કંપનીની નાણાકીય, વ્યવસાયિક અને અન્ય પ્રવૃત્તિઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. Paytmએ કહ્યું છે કે તે ઉચ્ચ અનુપાલન ધોરણો જાળવવા માટે પ્રતિબદ્ધ છે. તે ટૂંક સમયમાં સેબીને પોતાનો જવાબ પણ સબમિટ કરશે.
અગાઉ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નિયમોના ઉલ્લંઘનના મામલામાં Paytm વિરુદ્ધ કડક કાર્યવાહી કરી હતી. RBIએ 31 જાન્યુઆરીના રોજ Paytm પેમેન્ટ બેંકની બેંકિંગ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. Paytm પેમેન્ટ પર RBIની કાર્યવાહીને કારણે કંપનીના બિઝનેસ પર મોટી અસર જોવા મળી હતી. કંપનીની તમામ સેવાઓ જેમ કે ફાસ્ટેગ, બેંકિંગ, Paytm પેમેન્ટ બેંક અને UPI સેવા બંધ કરી દેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp