વેક્સીન મેન અદાર પૂનાવાલા બનાવશે ફિલ્મો,કરણ જોહરની કંપની આટલા અબજમાં ખરીદી

PC: hindi.goodreturns.in

બોલિવૂડના પ્રખ્યાત નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તેમની કંપની ધર્મા પ્રોડક્શનમાં પોતાનો અડધો હિસ્સો વેચવાનો નિર્ણય કર્યો છે અને આ માટે એક ડીલ પણ કરવામાં આવી છે, જેની કિંમત 1000 કરોડ રૂપિયા છે. આ ડીલ ભારતીય મનોરંજન ઉદ્યોગની અત્યાર સુધીની સૌથી મોટી ડીલમાં સામેલ થશે. 'કુછ કુછ હોતા હૈ'થી લઈને 'કભી ખુશી કભી ગમ' અને 'માય નેમ ઈઝ ખાન' જેવી હિટ ફિલ્મો આપનાર કરણ જોહરે દિગ્ગજ ભારતીય બિઝનેસમેન અદાર પૂનાવાલા સાથે આ ડીલ કરી છે.

રિપોર્ટ અનુસાર, અદાર પૂનાવાલાની સેરેન પ્રોડક્શન્સ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ અને ધર્માટિક એન્ટરટેઈનમેન્ટમાં રૂ. 1,000 કરોડમાં 50 ટકા હિસ્સો ખરીદશે. આ ડીલમાં ફિલ્મ અને ટેલિવિઝન પ્રોડક્શન અને ડિસ્ટ્રિબ્યુશન કંપની ધર્મા પ્રોડક્શનનું વેલ્યુએશન અંદાજે 2000 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. સોદો પૂરો થયા પછી, પ્રોડક્શન કંપનીમાં બાકીનો અડધો હિસ્સો ધર્મા પ્રોડક્શન્સ પાસે રહેશે અને કરણ જોહર કાર્યકારી અધ્યક્ષ રહેશે.

કરણ જોહરનું ધર્મા પ્રોડક્શન છેલ્લા કેટલાક સમયથી સારા રોકાણકારની શોધમાં હતું અને સંજીવ ગોએન્કાની આગેવાની હેઠળના સારેગામા અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની જિયો સિનેમા સહિતના ઘણા મોટા જૂથો સાથે વાતચીત કરી રહી હતી. આ દરમિયાન, મોટા સમાચાર આવ્યા કે વેક્સીન ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટના CEO અદાર પૂનાવાલાએ ધર્મા પ્રોડક્શનમાં આ હિસ્સો ખરીદવા માટે સંમતિ દર્શાવી છે.

સ્વર્ગસ્થ યશ જોહર દ્વારા 1976માં સ્થાપિત ધર્મા પ્રોડક્શન્સ, કરણ જોહરના નેતૃત્વમાં બોલિવૂડમાં પાવરહાઉસ તરીકે ઉભરી આવ્યું છે અને તેણે ઘણી હિટ ફિલ્મો આપી છે. જેમાં 'કભી ખુશી કભી ગમ', 'યે જવાની હૈ દીવાની', 'કુછ કુછ હોતા હૈ' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનો સમાવેશ થાય છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ 50થી વધુ ફિલ્મોનું નિર્માણ કરવામાં આવ્યું છે. પોતાના પોર્ટફોલિયોમાં વિસ્તૃત કરતા, 2018માં, કરણ જોહરની કંપનીએ Dharmatic Entertainment સાથે ડિજિટલ કન્ટેન્ટમાં પ્રવેશ કર્યો અને Netflix અને Amazon Prime જેવા વૈશ્વિક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ માટે શોનું નિર્માણ કર્યું.

એક અખબારમાં પ્રકાશિત અહેવાલ મુજબ, ધર્મા પ્રોડક્શનની આ ડીલ એવા સમયે કરવામાં આવી રહી છે, જ્યારે તેની આવકમાં લગભગ ચાર ગણો વધારો નોંધાયો છે. જે અગાઉના વર્ષના રૂ. 276 કરોડની સરખામણીએ નાણાકીય વર્ષ 23માં વધીને રૂ. 1,040 કરોડ થઈ છે. તેમ છતાં, ખર્ચમાં વધારો થવાને કારણે ચોખ્ખો નફો 59 ટકા ઘટીને રૂ. 11 કરોડ થયો છે. કંપનીએ વિતરણ અધિકારોમાંથી રૂ. 656 કરોડ, ડિજિટલમાંથી રૂ. 140 કરોડ, સેટેલાઇટ અધિકારોમાંથી રૂ. 83 કરોડ અને સંગીતમાંથી રૂ. 75 કરોડની કમાણી કરી છે.

અદાર પૂનાવાલાએ નાણાકીય સેવાઓ, રિયલ એસ્ટેટથી લઈને હોસ્પિટાલિટી જેવા ક્ષેત્રોમાં પોતાનો વ્યવસાય વિસ્તાર્યો છે અને આ નવી ડીલ વિશે તેણે કહ્યું છે કે, હું મારા મિત્ર કરણ જોહર સાથે દેશની સૌથી પ્રતિષ્ઠિત પ્રોડકશન હાઉસમાંની એકની સાથે ભાગીદારી કરીને ખુબ ખુશ છું. સાથે મળીને, અમે ધર્મા પ્રોડકશનને આગળ લઈ જવાની અને વધુ ઊંચાઈઓને સ્પર્શવાની આશા રાખીએ છીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp