ખરીદીના દિવસથી TV, AC, ફ્રીજની વોરંટી શરૂ નહીં થાય, સરકાર લાવી રહી છે નવો નિયમ
TV, ફ્રીજ, AC, વોશિંગ મશીન જેવા ઈલેક્ટ્રોનિક સામાનની વોરંટી સંબંધિત ફરિયાદોના ઢગલાનો કાયમી ઉકેલ શોધવા સરકાર હવે સક્રિય થઈ છે. સરકાર ઈચ્છે છે કે, કંપનીઓ તેમની ગેરંટી અને વોરંટી પ્રક્રિયામાં ફેરફાર કરે. સરકાર ઇચ્છે છે કે, માલના વેચાણની તારીખથી વોરંટી શરૂ ન થવી જોઈએ. તેના બદલે, વોરંટી ઇન્સ્ટોલેશનની તારીખથી શરૂ થવી જોઈએ. ગયા વર્ષે નવેમ્બરમાં પણ તત્કાલીન ઉપભોક્તા બાબતોના સચિવ રોહિત કુમારે આ સંબંધમાં વ્હાઇટ ગુડ્સ મેન્યુફેક્ચરિંગ કંપનીઓ અને ઉદ્યોગ સંગઠનોને પત્ર લખ્યો હતો. હવે ફરી એકવાર ઉપભોક્તા બાબતોના મંત્રાલયે તમામ કંપનીઓને આ અંગે 15 દિવસની અંદર પોતાનો અભિપ્રાય મોકલવા કહ્યું છે.
વ્હાઇટ ગુડ્સ એવી વસ્તુઓ હોય છે, જેને નિષ્ણાતો દ્વારા ઇન્સ્ટોલ કરવાની જરૂર છે. ગ્રાહક તેને જાતે ઇન્સ્ટોલ કરી શકતો નથી. જેમ કે TV, AC વગેરે. સરકારનું કહેવું છે કે, ઈલેક્ટ્રોનિક ઉપકરણોની વોરંટી પીરિયડ કે, જેને નિષ્ણાતો દ્વારા ઈન્સ્ટોલ કરવાની જરૂર છે, તે ઈન્સ્ટોલ ન થાય ત્યાં સુધી શરૂ થવી જોઈએ નહીં. ઘણી વખત આવી વસ્તુઓ ઇન્સ્ટોલ કર્યા વિના લાંબા સમય સુધી ગ્રાહકો પાસે પડ્યા રહે છે. આવી સ્થિતિમાં, જ્યારે વેચાણની તારીખથી વોરંટી અવધિ શરૂ થાય છે, ત્યારે ગ્રાહકોને નુકસાન થાય છે.
કંપનીઓ તેમના વોરંટી વચનોને યોગ્ય રીતે પૂર્ણ કરતી નથી, તે અંગે મંત્રાલયને ઘણી ફરિયાદો આવી રહી છે. તેને જોતાં મંત્રાલય હવે આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ ઇચ્છે છે. ઉપભોક્તા મંત્રાલય હેઠળ કામ કરતી સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટીએ પણ આ અંગે કંપનીઓ સાથે બેઠક યોજી છે. કન્ઝ્યુમર અફેર્સ સેક્રેટરી અને ચીફ કમિશનર નિધિ ખરેની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં વોરંટી પિરિયડનો મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો હતો કે કંપનીઓ ખરીદીની તારીખથી વોરંટી પિરિયડ શરૂ કરે તે ખોટું છે. તે એવું હોવું જોઈએ કે, વોરંટી સમયગાળો જે દિવસથી સાધનનો ઉપયોગ શરૂ થાય તે દિવસથી ગણવો જોઈએ.
ખરેએ કહ્યું કે, ગ્રાહકોને પ્રોડક્ટ ખરીદતી વખતે વોરંટી પિરિયડ વિશે સાચી માહિતી આપવી જોઈએ. વોરંટી અવધિ ક્યારે શરૂ થશે તે તેને જણાવવું જોઈએ. કંપનીઓએ ભારતમાં પણ વૈશ્વિક પ્રણાલીઓનું પાલન કરવું જોઈએ અને ઉપભોક્તાઓની ફરિયાદોનું તાત્કાલિક નિરાકરણ કરવું જોઈએ.
ગયા વર્ષે નવેમ્બરમાં પણ ગ્રાહક બાબતોના મંત્રાલયે વ્હાઈટ ગુડ્સ ઉત્પાદક કંપનીઓને તેમની ગેરંટી અને વોરંટી નીતિમાં સુધારો કરવા પત્ર લખ્યો હતો. આ પત્ર CII, FICCI, ASSOCHAM અને PHDCCI જેવી 6 ઉદ્યોગ સંસ્થાઓ અને સેમસંગ, LG, Panasonic, Blue Star, Kent, Whirlpool, Voltas, Bosch, Havells, Philips, Toshiba, Daikin, Sony, Hitachi, IFB, ગોદરેજ, હાયર, યુરેકા ફોર્બ્સ અને લોયડ જેવી કંપનીઓને લખવામાં આવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp