કેવો વિચિત્ર નિયમ? શું પરિણીત મહિલાઓને નોકરી નથી આપતી આ કંપની...

PC: twitter.com

આજે સ્ત્રીઓ પુરુષોની સાથે કદમથી કદમ મેળવીને આગળ વધી રહી છે. યુવતીઓ હોય કે પરિણીત સ્ત્રી, તેઓ ટેકનોલોજીથી લઈને સંરક્ષણ સુધીના ક્ષેત્રોમાં કામ કરી રહી છે. પરંતુ, એક એવી કંપની છે જ્યાં પરિણીત મહિલાઓને નોકરી નથી મળી રહી અને આ કોઈ અન્ય દેશનો નહીં, પરંતુ ભારતનો જ મામલો છે. ફોક્સકોનમાં, જે iPhone મેન્યુફેક્ચરિંગ કંપની Apple Inc. માટે એસેમ્બલિંગનું કામ કરે છે, ત્યાં પરિણીત મહિલાઓની નોકરીની અરજીઓને નકારી કાઢવામાં આવે છે.

ભારતમાં ફોક્સકોનના iPhone એસેમ્બલી પ્લાન્ટમાં ભેદભાવનો આ મામલો સામે આવ્યો છે. એક અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર, ચેન્નાઇ સ્થિત આ પ્લાન્ટમાં પરિણીત મહિલાઓને કાયમી નોકરીની તકોથી દૂર રાખવામાં આવે છે. જે ભેદભાવ વિનાની ભરતી માટે કંપનીની જાહેરમાં જણાવેલી પ્રતિબદ્ધતાની વિરુદ્ધ છે. પરંતુ, મીડિયા સૂત્રોની તપાસમાં જાણવા મળ્યું છે કે, Apple અને ફોક્સકોન બંને કંપનીમાં 2023 અને 2024માં આવા કેસો સામે આવ્યા હતા. કંપનીમાં આ પ્રથા કથિત રીતે કૌટુંબિક જવાબદારીઓ અને સામાજિક દબાણોથી પ્રેરિત છે.

આ રિપોર્ટમાં 20 વર્ષની બે બહેનો પાર્વતી અને જાનકીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચેન્નાઈમાં ફોક્સકોનની આઈફોન ફેક્ટરીમાં તેમને આ ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે માર્ચ 2023માં વોટ્સએપ પર નોકરીની જાહેરાતો જોઈને આ બંને બહેનો ઈન્ટરવ્યુ માટે આ પ્લાન્ટ પર પહોંચી હતી, પરંતુ મુખ્ય ગેટ પર હાજર સિક્યુરિટી ઓફિસરે તેમને ઈન્ટરવ્યુ ન આપવા દીધો અને ગેટ પરથી જ પરત મોકલી દીધી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અધિકારીએ બંનેને પૂછ્યું હતું કે, 'શું તમે પરિણીત છો?' હા માં જવાબ મળતા જ તેણે બંને પરિણીત મહિલાઓને પાછા જવા કહ્યું.

પાર્વતીના કહેવા પ્રમાણે, તેને આ કામ માત્ર એટલા માટે આપવામાં આવ્યું નથી, કારણ કે તે બંને પરિણીત છે. આ વિશે વાત કરતાં તેણે વધુમાં જણાવ્યું હતું કે, ત્યાંના ઘણા લોકો આ બાબતથી વાકેફ છે અને જે ઓટોમાં બંને ઈન્ટરવ્યુ માટે ફેક્ટરીમાં પહોંચ્યા હતા, તેણે પણ તેમને પરિણીત મહિલાઓ પ્રત્યે ફોક્સકોનના પક્ષપાતી વલણ વિશે જણાવ્યું હતું અને આ અંગે ચેતવણી પણ આપવામાં આવી હતી અને થયું પણ કંઈક એવું જ. રિપોર્ટ અનુસાર, ફોક્સકોન ઈન્ડિયાના ભૂતપૂર્વ HR એક્ઝિક્યુટિવ S. પૉલે પણ આવી પ્રથાને સમર્થન આપ્યું છે અને કહ્યું છે કે, ફોક્સકોન માને છે કે પરિણીત મહિલાઓ કૌટુંબિક જવાબદારીઓ અને સંભવિત ગર્ભાવસ્થાના કારણે જોખમનું પરિબળ છે.

S. પોલના આ દાવાઓને ફોક્સકોનની વિવિધ હાયરિંગ એજન્સીઓના 17 કર્મચારીઓ અને 4 વર્તમાન અને ભૂતપૂર્વ HR અધિકારીઓ દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે પરણિત મહિલાઓ પર યુવતીઓ કરતાં વધુ જવાબદારીઓ હોય છે અને તેમના કામને અસર ન થાય તે માટે તેમને ભરતી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવે છે.

જો કે, આ તપાસ અહેવાલ પછી, મીડિયા સૂત્રએ એપલ કંપનીનો સંપર્ક કર્યો કે, તેઓ આવી કોઈ પ્રથા વિશે જાણતા હતા કે કેમ. તો આના પર કંપનીએ કહ્યું કે, અમે ઉચ્ચ સપ્લાય ચેઈન ધોરણો જાળવી રાખીએ છીએ અને ભારતમાં પરિણીત મહિલાઓને નોકરીએ રાખીએ છીએ. ફોક્સકોને રોજગારમાં ભેદભાવના આરોપોને નકારી કાઢ્યા છે. બંને કંપનીઓએ ભરતીની પ્રક્રિયામાં સુધારો કરવા અને તેમની સંબંધિત આચાર સંહિતાનું પાલન કરવાના તેમના પ્રયાસોને પ્રકાશિત કર્યા, જે વૈવાહિક સ્થિતિ, લિંગ અને અન્ય પરિબળોના આધારે ભેદભાવને પ્રતિબંધિત કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp