અનિલની કંપનીમાં એવું શું છે કે 4300 કરોડની લોન લઈ હિન્દુજા ગ્રુપ ખરીદી રહ્યું છે
અનિલ અંબાણી ભારે દેવાના બોજામાં દબાયેલા છે. તેમની કંપનીઓ નાદાર થઈ રહી છે. કંપની પર કરોડોનું દેવું છે. અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ કેપિટલને ખરીદદાર મળી ગયો છે. હિંદુજા ગ્રૂપે રિલાયન્સ કેપિટલને ખરીદવા માટે હરાજી જીતી હતી. હિન્દુજા ગ્રૂપ રૂ. 9,650 કરોડના આ સોદાને પૂર્ણ કરવા માટે નાણાં એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, પરંતુ તેને મોટો આંચકો લાગ્યો છે. બેંકોએ તેને લોન આપવાનો ઇનકાર કર્યો હતો.
અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કેપિટલ ફાઇનાન્સિયલ સર્વિસ કંપની છે. હરાજીમાં હિન્દુજા ગ્રુપની કંપની IIHLએ તેને ખરીદવા માટે સૌથી વધુ બોલી લગાવી હતી, પરંતુ હવે તે પૈસાની વ્યવસ્થા કરવામાં સક્ષમ નથી. બેન્કોએ ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL)ને લોન આપવાનો ઇનકાર કર્યો છે. બેંકો પાસેથી લોન ન મળવાને કારણે આ સોદો વિલંબમાં પડી રહ્યો છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર હિન્દુજા ગ્રૂપને બેન્કો તરફથી સારો પ્રતિસાદ મળ્યો ન હતો, તેથી હવે તે નાણાં એકત્ર કરવા માટે બોન્ડ દ્વારા ભંડોળ એકત્ર કરશે. ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ (IIHL) નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર (NCD) ઇશ્યૂ દ્વારા રૂ. 4300 કરોડ ઉધાર લેવાની યોજના ધરાવે છે.
અનિલ અંબાણીની નાદાર કંપની રિલાયન્સ કેપિટલ પર 40,000 કરોડથી વધુનું દેવું છે. લોન ચુકવી ન શકવાને કારણે કંપનીને નાદારીની પ્રક્રિયામાંથી પસાર થવું પડ્યું. રિલાયન્સ કેપિટલ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે. 27 ફેબ્રુઆરી, 2024ના રોજ, NCLTએ હિન્દુજા ગ્રૂપની પેટાકંપની દ્વારા રિલાયન્સ કેપિટલની ખરીદીને મંજૂરી આપી હતી. પરંતુ તેઓએ 27 મે, 2024 સુધીમાં સંપાદન પૂર્ણ કરવાનું હતું, જે તેઓ પૂર્ણ કરી શક્યા નહીં. કંપનીએ ફંડમાં વિલંબને કારણે 90 દિવસનો વધારાનો સમય માંગ્યો છે.
એક સમય હતો જ્યારે રિલાયન્સ કેપિટલ અનિલ અંબાણીની સૌથી વધુ કમાણી કરતી કંપની હતી. કંપની રિલાયન્સ કેપિટલ દ્વારા તેના ગ્રાહકોને 20 જેટલી ફાઇનાન્સ સંબંધિત સેવાઓ પૂરી પાડતી હતી, તે સિવાય જીવન વીમો, સામાન્ય વીમો, આરોગ્ય વીમો, હોમ લોન, કોમર્શિયલ લોન, ઇક્વિટી અને કોમોડિટી બ્રોકિંગ જેવા ક્ષેત્રોમાં સેવાઓ ઉપલબ્ધ હતી. આ કંપની શેરબજારનું ગૌરવ હતું. વર્ષ 2008માં રિલાયન્સ કેપિટલના શેર 2700 રૂપિયાના ભાવે હતા, પરંતુ દેવાના બોજને કારણે તેના પર એટલો બોજ આવી ગયો હતો કે, તેના છેલ્લા ટ્રેડિંગ દિવસે આ શેરની કિંમત 11.90 રૂપિયા સુધી પહોંચી ગઈ હતી. નાદાર થયેલી આ કંપનીના શેરનું ટ્રેડિંગ છેવટે બંધ કરી દેવામાં આવ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp