જેની બજેટ 2023માં જાહેરાત કરાઈ હતી તે, મહિલાઓ માટેની આ યોજના બંધ થશે?
ગયા વર્ષે એટલે કે બજેટ-2023માં કેન્દ્ર સરકારે મહિલાઓને લગતી એક યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનું નામ છે, 'મહિલા સન્માન બચત પત્ર યોજના'. હવે સમાચાર એ છે કે, સરકાર માર્ચ-2025 પછી આ યોજના ચાલુ રાખવાના મૂડમાં નથી.
હકીકતમાં, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર યોજના એક સમયની જ યોજના છે, અને આ યોજના એપ્રિલ 2023થી માર્ચ 2025 સુધી ઉપલબ્ધ છે. એટલે કે માર્ચ 2025 પછી આ સ્કીમ બંધ થઈ જશે. આ યોજના સાથે જોડાયેલા એક વરિષ્ઠ સરકારી અધિકારીએ આ અંગે માહિતી આપી છે.
અહીં તમને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે વર્ષ 2023ના બજેટમાં આ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો ઉદ્દેશ્ય ભારતીય મહિલાઓને બચત તરફ પ્રોત્સાહિત કરવાનો છે. હાલમાં આ યોજનામાં વાર્ષિક 7.5 ટકા વ્યાજ આપવામાં આવે છે. આ યોજના મહિલાઓમાં ખૂબ જ લોકપ્રિય છે.
વરિષ્ઠ સરકારી અધિકારીએ કહ્યું કે, મહિલા સન્માન બચત પ્રમાણપત્ર, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને સુકન્યા સમૃદ્ધિ યોજના જેવી યોજનાઓએ અત્યાર સુધી ખૂબ સારું પ્રદર્શન કર્યું છે. પરંતુ આ યોજનાઓમાંથી આવતું ભંડોળ ભવિષ્યમાં બંધ થઈ શકે છે, જેના કારણે સરકારને નાણાકીય વર્ષ 2025માં નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડનું કલેક્શન ઓછું રાખવાની ફરજ પડી શકે છે.
અધિકારીના જણાવ્યા અનુસાર, સરકારે નાણાકીય વર્ષ 25માં નેશનલ સ્મોલ સેવિંગ્સ ફંડ (NSSF)માંથી ઓછા કલેક્શનનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેમણે કહ્યું કે નાણાકીય વર્ષ 2023-24માં NSSF કલેક્શનમાં 20,000 કરોડ રૂપિયાની અછત હતી. જ્યારે સિનિયર સિટીઝન સ્કીમમાં રોકાણ સારું હતું. પરંતુ હવે ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજનાઓ દ્વારા ઓછું રોકાણ આવવાની અપેક્ષા છે.
જુલાઈમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2024-25માં આ નાણાકીય વર્ષ માટે NSSF કલેક્શન રૂ. 4.20 લાખ કરોડનું હતું, જે વચગાળાના સંસ્કરણમાં રૂ. 4.67 લાખ કરોડ હતું. અહીં તમને જણાવી દઈએ કે, NSSF તરફથી ઓછી ડિપોઝિટનું એક મહત્વનું કારણ એ છે કે, લોકો ઈક્વિટી માર્કેટ અને મ્યુચ્યુઅલ ફંડમાં વધુને વધુ રોકાણ કરી રહ્યા છે. જ્યાં તેમને આકર્ષક વળતર મળી રહ્યું છે.
સરકાર તેની રાજકોષીય ખાધને બોન્ડ માર્કેટમાંથી ઉધાર, નાની બચતમાંથી આવક અને રોકડ બેલેન્સ રકમ દ્વારા પૂરી કરે છે. બજેટમાં, સરકારે આ નાણાકીય વર્ષ માટે કુલ ઉધારમાં રૂ. 12,000 કરોડનો ઘટાડો કરીને રૂ. 14.01 લાખ કરોડ કર્યો છે, અને રાજકોષીય ખાધના લક્ષ્યાંકને 20 બેસિસ પોઈન્ટ્સથી ઘટાડીને 4.9 ટકા કર્યો છે.
આ યોજના મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે શરૂ કરવામાં આવી હતી. તે માત્ર રોકાણ પર 7.5 ટકાનું સુંદર વ્યાજ જ નથી આપતી, પરંતુ તેને TDS કપાતમાંથી મુક્તિ પણ મળે છે. CBDT મુજબ, વરિષ્ઠ નાગરિકોના કિસ્સામાં, આ યોજના પર TDS ત્યારે જ લાગુ થશે જ્યારે એક નાણાકીય વર્ષ દરમિયાન વ્યાજની આવક 40 થી 50 હજાર રૂપિયા હોય.
આ સ્કીમની બીજી ખાસ વાત એ છે કે 10 વર્ષ કે તેનાથી ઓછી ઉંમરની છોકરીઓ માટે પણ એકાઉન્ટ ખોલાવી શકાય છે. આ સિવાય ભારતમાં રહેતી કોઈપણ મહિલા તેમાં રોકાણ કરી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે પોસ્ટ ઓફિસ દ્વારા તેમાં રોકાણ કરવું પડશે. જો તમે 2 વર્ષ માટે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં વધુમાં વધુ 2 લાખ રૂપિયાનું રોકાણ કરો છો, તો બે વર્ષમાં વ્યાજની આવક રૂ. 32044 થશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp