અંબાણી, અદાણી, ટાટા, આર્સેલર મિતલ, ગુજરાતમાં કેટલું રોકાણ કરશે? જાણો

PC: business-standard.com

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી આવૃત્તિમાં દેશ અને દુનિયાના તમામ મોટા ઉદ્યોગપતિઓ અને બિઝનેસમેનોએ ભાગ લીધો હતો.આ દરમિયાન તેમણે ગુજરાતમાં રોકાણ માટે ઘણી મોટી જાહેરાતો કરી હતી.આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આજે વિશ્વ તેની સ્થિરતા માટે ભારતની પ્રશંસા કરી રહી છે.તે એક 'મહત્વના સ્તંભ' તરીકે જોવામાં આવે છે અને એક મિત્ર તરીકે ઉભરી રહ્યો છે જેની પર વિશ્વાસ કરી શકાય છે.

તેમણે કહ્યું કે 10 વર્ષ પહેલા ભારત વિશ્વની ટોચની અર્થવ્યવસ્થાઓમાં 11મા ક્રમે હતું, જ્યારે આજે તે વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે.

વાઈબ્રન્ટ ગુજરાત સમિટ દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી, અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી અને ટાટા ગ્રુપે ગુજરાતમાં મોટા પાયે રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ બુધવારે જણાવ્યું હતું કે તેમની કંપની હજીરામાં ભારતનો પ્રથમ અને વૈશ્વિક સ્તરનો કાર્બન ફાઈબર પ્લાન્ટ સ્થાપશે. તેમણે કહ્યું, રિલાયન્સે છેલ્લા 10 વર્ષોમાં સમગ્ર ભારતમાં 150 બિલિયન ડોલર(12 લાખ કરોડ) કરતાં વધુનું રોકાણ કર્યું છે. આમાંથી એક તૃતીયાંશ કરતાં વધુ રોકાણ એકલા ગુજરાતમાં કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે રિલાયન્સ ગુજરાતને ગ્રીન એનર્જિમાં વૈશ્વિક લીડર બનાવવામાં યોગદાન આપશે.

અંબાણીએ કહ્યુ કે રિલાયન્સે જામનગરમાં 5,000 એકર જમીનમાં ધીરૂભાઇ અંબાણી ગ્રીન એનર્જિ ગીગા કોમ્પ્લેક્સનું નિર્માણ શરૂ કરી દીધું છે. આને કારણે મોટી સંખ્યામાં નોકરીઓ ઉભી થશે અને ગુજરાતને ગ્રીન પ્રોડક્ટસના નિકાસકાર બનવામાં મદદ મળશે.

ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું હતું કે, ટાટા જૂથ ગુજરાતના ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનાવશે. તેમણે કહ્યું કે ટાટા ગ્રૂપ 2 મહિનામાં સાણંદમાં લિથિયમ આયન બેટરી બનાવવા માટે 20 GW ગીગા ફેક્ટરી શરૂ કરવા જઈ રહ્યું છે.

આર્સેલર મિત્તલના એક્ઝિક્યુટિવ ચેરમેન લક્ષ્મી મિત્તલે જણાવ્યું હતું કે, કંપની 2029 સુધીમાં ગુજરાતના હજીરામાં વિશ્વનો સૌથી મોટો સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ બનાવશે. મિત્તલે કહ્યું કે આ પ્લાન્ટની વાર્ષિક ઉત્પાદન ક્ષમતા 24 મિલિયન ટન હશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટ માટે ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા છે.

અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ કહ્યુ હતું કે કંપની ગુજરાતમાં 2 લાખ કરોડ રૂપિયા કરતા વધારે રકમનું રોકાણ કરશે. જેમાં એક ગ્રીન એનર્જિ પાર્કનુ નિર્માણ પણ સામેલ છે. અદાણીએ કહ્યુ કે આ પાર્ક અવકાશમાંથી પણ જોઇ શકાશે. ગૌતમ અદાણીએ કહ્યુ કે, રાજ્યમાં રોકાણને કારણે 1 લાખ નોકરીઓ ઉભી થશે.

સુઝુકી મોટર કોર્પોરેશનના ચેરમેન તોશિહિરો સુઝુકીએ જણાવ્યું હતું કે ,મારુતિ સુઝુકી ઇન્ડિયા ગુજરાતમાં તેનો બીજો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા રૂ. 35,000 કરોડનું રોકાણ કરશે. તેમણે કહ્યું કે આ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 10 લાખ યુનિટ હશે.

ડીપી વર્લ્ડના ચેરમેન સુલતાન અહેમદ બિન સુલેમે જણાવ્યું હતું કે, તેમની કંપની ગુજરાતમાં કન્ટેનર ટર્મિનલ બનાવશે. તે ભારતમાં પણ વધુ રોકાણ કરશે. સુલેમે જણાવ્યું હતું કે, ડીપી વર્લ્ડ આગામી થોડા વર્ષોમાં 3 બિલિયન ડોલરના વધારાના રોકાણની યોજના બનાવી રહ્યું છે. અમે 2 મિલિયન કન્ટેનરની ક્ષમતા સાથે કંડલા ખાતે અત્યાધુનિક કન્ટેનર ટર્મિનલ બનાવીને ગુજરાતના અર્થતંત્રને ટેકો આપવાનું ચાલુ રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp