સોનું કેમ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે? સાચું કારણ સામે આવ્યું,તમે જાણી લો

PC: hindi.financialexpress.com

સોનાની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. ગયા અઠવાડિયે શુક્રવારે ભારતમાં સોનું 67,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ પર પહોંચી ગયું હતું. એક દિવસમાં લગભગ 900 રૂપિયાનો વધારો થયો છે. નિષ્ણાતોના મતે US ડૉલર નબળો પડવાથી, ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ઘટાડો કરવાની અપેક્ષા અને વિશ્વભરની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદીમાં વધારો થવાને કારણે સોનાના ભાવમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે, ટ્રેડિંગ દરમિયાન તેની આંતરરાષ્ટ્રીય હાજર કિંમત 2,200 ડૉલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ હતી. સ્પોટ સોનું 2,179 ડૉલર પ્રતિ ઔંસ પર બંધ થયું, જે ગયા સપ્તાહની સરખામણીએ 4.65 ટકા વધુ છે. ગયા શુક્રવારે સોનું રૂ. 2,082 પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. એવું માનવામાં આવે છે કે, ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરે તેવી શક્યતાને કારણે સોનું વધી રહ્યું છે, પરંતુ તેનું સાચું કારણ કંઈક બીજું જ છે.

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, સોનામાં વધારો થવાનું સાચું કારણ એ છે કે, ચીનની સેન્ટ્રલ બેંક તેના સોનાના ભંડારમાં ઝડપથી વધારો કરી રહી છે. જાન્યુઆરીમાં સતત 15મા મહિને ચીનના સોનાના ભંડારમાં વધારો થયો છે. હવે ચીનનો ગોલ્ડ રિઝર્વ 2,245 ટન પર પહોંચી ગયો છે, જે ઑક્ટોબર 2022 કરતાં લગભગ 300 ટન વધુ છે. ચીનની સેન્ટ્રલ બેંકની સાથે સાથે ચીનના લોકો પણ મોટાપાયે સોનાની ખરીદી કરી રહ્યા છે. ચીન વિશ્વમાં સોનાનો સૌથી મોટો ખરીદનાર છે. સોનાના ભાવમાં વધારો થવા છતાં લોકો સિક્કા, બાર અને જ્વેલરી ખરીદવામાં વ્યસ્ત છે. દેશમાં શેરબજાર અને પ્રોપર્ટી સેક્ટરની હાલત ખરાબ છે. આ જ કારણ છે કે, ચીનના લોકો હવે તેમની સંપત્તિ બચાવવા માટે સોનામાં ભારે રોકાણ કરી રહ્યા છે.

નેટિક્સિસના કોમોડિટી એનાલિસ્ટ બર્નાર્ડ દહદાહે જણાવ્યું હતું કે, સોનાના ભાવમાં વધારા માટે પશ્ચિમી રોકાણકારો જવાબદાર નથી. ગયા વર્ષે ચીનમાં સોનાની જંગી ખરીદી થઈ હતી અને આ વર્ષે પણ એવી જ સ્થિતિ છે. સોનાએ ક્યારેય રોકાણકારોને નિરાશ કર્યા નથી. છેલ્લા 24 વર્ષમાં તેની કિંમતમાં 600 ટકાથી વધુનો વધારો થયો છે. સોનાની કિંમત હંમેશા મુશ્કેલીના સમયે વધે છે. ઈરાનમાં 1979માં ઈસ્લામિક ક્રાંતિ થઈ ત્યારે સોનાની કિંમત બમણી થઈ ગઈ હતી. એ જ રીતે લાલ સમુદ્રમાં હુથી વિદ્રોહીઓના આતંક અને રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે સોનાની ચમક વધી છે.

વિશ્વનો સૌથી શક્તિશાળી દેશ અને સૌથી મોટી અર્થવ્યવસ્થા અમેરિકાની સરકારી તિજોરીમાં સૌથી વધુ 8,133 ટન સોનું જમા છે. બીજા નંબરે જર્મની છે જેની સેન્ટ્રલ બેંકની તિજોરી 3,353 ટન સોનાથી ભરેલી છે. ઇટાલી પાસે 2,452 ટન સોનાનો ભંડાર છે. ફ્રાંસ પાસે 2,437 ટન સોનું છે અને તે આ યાદીમાં પાંચમા સ્થાને છે. રશિયા પાસે 2,333 ટન સોનું છે. આ યાદીમાં ચીન છઠ્ઠા નંબર પર છે. યુરોપના નાના દેશ સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1,040 ટન સોનું છે. જાપાન પાસે 847 ટન સોનાનો ભંડાર છે. ભારત પાસે 801 ટન સોનાનો ભંડાર છે અને તે આ યાદીમાં નવમા ક્રમે છે. સોનાના ભંડારની બાબતમાં ભારત પછી નેધરલેન્ડ (612 ટન), તુર્કી (440 ટન), તાઇવાન (424 ટન), પોર્ટુગલ (383 ટન), ઉઝબેકિસ્તાન (377 ટન), સાઉદી અરેબિયા (323 ટન) અને કઝાકિસ્તાન (314 ટન)નો નંબર આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp