સુરતના રત્નકલાકારો કેમ ડાયમંડ વર્કર યુનિયનની ઓફિસમાં ટોળે વળી રહ્યા છે?

PC: twitter.com

સુરતનું નામ માત્ર ભારતમાં જ નહી, પરંતુ દુનિયાભરમાં મશહુર છે. સુરતની આ પ્રસિદ્ધી ચળકતા હીરાને કારણે છે. દુનિયાભરમાં બનતા 10માંથી 8 હીરા સુરતમા બને છે. એક અંદાજ મુજબ સુરતના હીરાઉદ્યોગમાં 8 લાખ રત્નકલાકારો રોજગારી મેળવે છે. પરંતુ એ રત્નકલાકારો કે જેમને કારણે હીરાઉદ્યોગ ઉજળો છે, જેમને કારણે દુનિયાભરમાં હીરાઉદ્યોગનું નામ રોશન છે, તેવા રત્નકલાકારોના ચહેરા અત્યારે ઉતરેલા છે, તેમના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. આ નિરાશાનું કારણ એવું છે કે તેમની નોકરી છુટી રહી છે.મોટી સંખ્યામાં રત્નકલાકારો નોકરી ગુમાવી રહ્યા છે. દિવાળી પછી ઘણી બધી ડાયમંડ કંપનીઓએ તેમને કામ પર બોલાવ્યા નથી એટલે રત્નકલાકારોના ધાડે ધાડા અત્યારે ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ઓફિસે ભેગા થઇ રહ્યા છે. ડાયમંડ વર્કર યુનિયન ગુજરાત સુરતમાં રત્નકલાકારોની સમસ્યા માટે બનેલી સંસ્થા છે.

સુરતને ડાયમંડ કટિંગ અને પોલિશિંગની રાજધાની કહેવામાં આવે છે. ભારતનો હીરા ઉદ્યોગ મુંબઈ, સૌરાષ્ટ્ર, અમદાવાદ અને રાજસ્થાનમાં ફેલાયેલો છે. પરંતુ મોટાભાગના એકમો સુરતમાં જ છે. તે 8,00,000 કારીગરોને રોજગારી આપે છે. આ શહેરમાં, રફ ડાયમંડ વિશ્વભરમાંથી આયાત કરવામાં આવે છે.સુરતમાં 5,000થી વધુ પોલિશિંગ યુનિટ છે.

સામાન્ય રીતે હીરા ઉદ્યોગમાં કામ કરનારાઓનો પગાર સારો છે. તેથી જ અનુભવી ડાયમંડ પોલિશર્સ દર મહિને રૂ. 1 લાખ કે તેથી વધુ કમાઈ શકે છે. આ ઉદ્યોગમાં કામ કરતા સામાન્ય કારીગર પણ દર મહિને સરેરાશ 50,000-60,000 રૂપિયા કમાય છે. આ કારીગરો મુખ્યત્વે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાઓમાંથી સુરત આવેલા છે. ખેડુત પરિવારો સાથે સંબંધ ધરાવે છે અને ભાગ્યે જ શિક્ષિત અથવા અભણ છે. ડાયમંડ વર્કર્સ યુનિયનના ઉપપ્રમુખ ભાવેશ ટાંક કહે છે કે છેલ્લા એક વર્ષમાં નોકરી સંબંધિત સમસ્યાને કારણે 30થી વધુ લોકોએ આત્મહત્યા કરી છે. આવું ભાવેશ ટાંકનું કહેવું છે.

જ્યારથી રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયું છે ત્યારથી ઘણા દેશોએ રશિયા પર પ્રતિબંધો લાદ્યા છે. આ ક્રમમાં, G-7 દેશોના જૂથે રશિયન હીરા પર પ્રતિબંધ લાદ્યો છે. G-7 દ્વારા રશિયન હીરાની નિકાસ પર લાદવામાં આવેલ પ્રતિબંધ આગામી જાન્યુઆરીથી અમલમાં આવી રહ્યો છે. આ સાથે જ ભારત જેવા ત્રીજા વિશ્વના દેશોમાં કટ અને પોલિશ કરીને વિશ્વભરમાં વેચાતા રશિયન હીરા પર પણ 1 માર્ચથી પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે.

ડાયમંડ કંપનીઓનું કહેવું છે કે, સુરતના ડાયમંડ કટિંગ અને પોલિશિંગ યુનિટમાં રશિયાથી આવતા ઘણા બધા અનકટ અને પોલિશ વગરના હીરાનું પ્રોસેસિંગ થાય છે. જ્યારે રશિયન હીરા બજારમાં વેચી શકાતા નથી એટલા માટે લોકોને ઈન્ડસ્ટ્રીમાંથી છૂટા કરવામાં આવી રહ્યા છે.

નવભારત ટાઇમ્સાના એક અહેવાલમાં જેમ એન્ડ જવેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ (GJEPC)ના રિજિયોનલ ચેરમેન વિજય માંગુકીયાનો કોટથી કહેવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં વધુ 30થી 35 ટકા રત્નકલાકારોની છટણી કરવામાં આવી શકે છે. માંગુકીયાનું કહેવું છે કે અલરોસા ઓછી ગુણવત્તાના રફ હીરાનો મુખ્ય સપ્લાયર હતો. ત્યાંથી રફ ખરીદીને લાવવા માટે ખૂબ ઓછા પૈસા ખર્ચવા પડ્યા હતા અને મોટી સંખ્યામાં મળતા હતા.તેમનું કહેવું છે કે અલરોસા વિના રફ હીરાનો પુરવઠો અન્યત્રથી મેળવવામાં આવશે પરંતુ તે ઓછામાં ઓછો 10-15 ટકા મોંઘો હશે. આનો અર્થ એ થયો કે નાની અને મધ્યમ કક્ષાની પોલિશિંગ કંપનીઓએ રફનું પ્રમાણ ઘટાડવું પડશે, જેને કારણે રત્નકલાકારોની છટણી થશે.

હીરાઉદ્યોગની નિકાસના આંકડા પર એક નજર નાંખીએ તો ઓકટોબર 2023માં કુલ નિકાસ 10,495 કરોડ રહી હતી. જે ગયા વર્ષે ઓકટોબર મહિનામાં 15,594 કરોડ રૂપિયા હતી. મતલબ કે 32 ટકાનો નિકાસમાં ઘટાડો થયો છે.

સુરતમાં હજુ રત્નકલાકારોને એવો ભય સતાવી રહ્યો છે કે  તેમને કંપનીઓ છુટા કરી દેશે એટલે અત્યારથી ડાયમંડ વર્કર યુનિયન ગુજરાતની ઓફિસે રત્નકલાકારો મોટી સંખ્યામાં મદદ મેળવવા માટે આવી રહ્યા છે.

G-7 દેશોની વાત કરીએ તો તેમાં, અમેરિકા, કેનેડા, ફ્રાંસ, ઇટાલી, જર્મની, યુકે અને જાપાન દેશનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp