સ્મૃતિ ઈરાની બનશે ગુજરાતના નવા મુખ્યપ્રધાન? FB પર વાયરલ બની પોસ્ટ
સુરત
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કેબિનેટમાં મહત્ત્વના માનવ સંસાધન મંત્રી સ્મૃતિ ઈરાનીનો સિતારો રાજકીય ફલક પર ઝગમગી રહ્યો છે. વડાપ્રધાન મોદીના વિશ્વાસુ મંત્રી બનેલા સ્મૃતિ ઈરાની અંગે અનેક વિવાદો હોવા છતાં તેઓનું સ્થાન મોદી કેબિનેટમાં ઉત્તરોઉત્તર વધતું ગયું છે.
મોવડી મંડળના પ્રિતીપાત્ર
આમ જોવા જઈએ તો સ્મૃતિ ઈરાની ગુજરાતમાંથી જ રાજ્યસભાનાં સાંસદ બની મંત્રીપદ સુધી પહોંચેલા છે. લોકસભાની ચૂંટણીમાં અમેઠીમાંથી રાહુલ ગાંધી સામે હાર્યા બાદ પણ તેમને મંત્રીપદ એટલા માટે આપવામાં આવ્યું કે ભાજપ હાઈકમાન્ડ દ્વારા જે કોઈ પણ આદેશ આપવામાં આવ્યા તેના પર યા હોમ કરીને સ્મૃતિ ઈરાનીએ સ્વીકાર કરી હરીફોને બરાબરના હંફાવ્યા છે. દિલ્હીમાં ચાંદની ચોક સંસદીય મત વિસ્તારની લોકસભાની ચૂંટણી હોય કે પછી અમેઠીમાં રાહુલ ગાંધી સામે પડકાર ઝીલવાનો હોય, સ્મૃતિ ઈરાનીએ ભાજપ મોવડી મંડળના નિર્ણયને માથે ચઢાવી ચૂંટણી મેદાનમાં યોદ્વાની જેમ અડીખમ લડત આપી છે.
વિવાદો
સ્મૃતિ ઈરાની અને તેમની ફિલ્મી કે પછી રાજકીય કારકીર્દી વિવાદોથી ઘેરાયેલી રહી છે તો એટલા જ પ્રમાણમાં ભાજપ મોવડી મંડળ સમક્ષ મજબૂત થયેલી છે. હવે તેઓ વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના પણ વિશ્વાસુ બની ગયા છે. તેમના અભ્યાસ અંગેના પ્રમાણપત્રનો વિવાદ લાંબો ચાલ્યો હતો. તેમના લગ્નને લઈને પણ તેઓ ખાસ્સા ચર્ચામાં રહ્યા હતા.
પાર્થેશ પટેલ કોણ છે?
આ સમગ્ર વાત એટલા માટે કરવી પડી રહી છે કે નરેન્દ્ર મોદીના આઈટી સેલનું કામકાજ સંભાળતા પાર્થેશ પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સૌને ચોંકાવી દીધા છે. પાર્થેશ પટેલની પ્રોફાઈલ જોઈએ તો તેમણે 2011થી નરેન્દ્ર મોદીની લોકસભાની ચૂંટણીની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં પણ તેમણે મોદીના આઈટી સેન્ટરનું કામકાજ સંભાળ્યું હતું. ભાજપમાં તેમણે 2011થી 2013 સુધી આઈટીનું તંત્ર સંભાળ્યું હતું. ત્યાર બાદ ભાજપના નેતાઓ સાથે ખટપટ થતાં તેઓ કોંગ્રેસમાં ચાલ્યા ગયા હતા અને 2013થી 2015 સુધી શંકરસિંહ વાઘેલાનાં આઈટી એડવાઈઝર રહ્યા હતા. આ મુદ્દો મીડિયામાં ખાસ્સો ચગ્યો પણ હતો. છેવટે નરેન્દ્ર મોદીએ મનામણા કરી પાર્થેશ પટેલને ફરી પાછા ભાજપમાં લઈ આવ્યા હતા.
શું લખ્યું પાર્થેશ પટેલે સોશિયલ મીડિયા પર?
પાર્થેશ પટેલની બે ફેસબુક આઈડી છે અને તેમણે બન્ને ફેસબુક આઈડી પર પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં તેમણે પોઈન્ટ આઉટ કર્યું છે કે છેલ્લા ચાર વર્ષના સમીકરણો જોતાં મને એવું લાગે છે કે સ્મૃતિ ઈરાની એક દિવસ ગુજરાતના મુખ્યમંત્રી બનશે. પોસ્ટમાં તેમણે ઉમેર્યું પણ છે કે આ મારો વ્યક્તિગત અભિપ્રાય છે. પાર્થેશ પટેલ પોતાને ભાજપનો સ્વંય સેવક ગણાવે છે.
અંદરખાને કોઈ નવી રણનીતિ તો નથી બનીને?
પાર્થેશ પટેલની પોસ્ટે આનંદીબેન સરકાર સામે અનેક પ્રશ્નો ઉભા કરી દીધા છે. ભાજપની ભીતરમાં ગુજરાતના નેતૃત્વના પ્રશ્ને કોઈ વિચાર-વલોણું ચાલી રહ્યું છે કે કેમ? શું કોઈ નવી રણનીતિ બની રહી છે? આનંદીબેન સરકારથી ભાજપ મોવડી મંડળ સંતુષ્ટ નથી? વગેરે, વગેરે અનેક પ્રશ્નો ખડાં થઈ ગયા છે. હાલમાં સ્મૃતિ ઈરાનીની કેન્દ્રીય મંત્રી તરીકેની કામગીરી જોઈએ તો વડાપ્રધાન મોદી ખુશ હોય એમ લાગે છે. બીજી તરફ ગુજરાતમાં ભાજપ પાસે આનંદીબેનના વિકલ્પે મુખ્યમંત્રીપદ સંભાળી શકે તેવો ચહેરો દેખાતો નથી. આ સમીકરણોની વચ્ચે સ્મૃતિ ઈરાનીને દિલ્હીથી ગુજરાત ભ્રમણ કરવા મોકલવાની કોઈ રણનીતિ તો અંદરખાને તૈયાર કરવામાં આવી રહી નથી ને? આવા અનેક પ્રશ્નો ઉભા થાય એ સ્વભાવિક છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp