શું જુલાઇથી ખરેખર, સુરત ડાયમંડ બુર્સ ધમધમતું થશે ખરું?

17 ડિસેમ્બર 2023ના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સ (SDB)નું ઉદઘાટન કર્યું એ વાતને 6 મહિના પુરા થઇ ગયા છે. આ 6 મહિનામાં બુર્સમાં અનેક વિવાદો ઉભા થયા, ઉથલ પાથલ થઇ ત્યારે ઘણા બધાને એવું લાગતું હતું કે વૈશ્વિક કક્ષાનો આ પ્રોજેક્ટ પાર થશે કે નહીં?, દુનિયાની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગનો ખિતાબ મેળવાનાર SDB ક્યાંક ખંડેર ન બની જાય તેવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી.

સુરત ડાયમંડ બુર્સ એ ગુજરાતના ડાયમંડ રિસર્ચ અને મર્કન્ટાઇલ સિટી (ડ્રીમ) પ્રોજેકટનો એક ભાગ છે.

ગુજરાતનાં પૂર્વ મુખ્ય મંત્રી આનંદીબેન પટેલે ફેબ્રુઆરી 2015માં SDB અને ડ્રીમ સિટી પ્રોજેકટનું ભૂમિપૂજન કર્યું હતું. સુરત ડાયમંડ બુર્સ દુનિયાની સૌથી મોટો ઓફિસ બિલ્ડીંગ કહેવામાં આવે છે.જેનો ફ્લોર વિસ્તાર 67 લાખ ચોરસ ફૂટથી પણ વધારે છે.

સુરતની નજીક ખજોદ ગામ ખાતે 35.54 એકર જેટલા વિસ્તારમાં ડાયમંડ બુર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે. 16 માળની આ ઇમારત 81.9 મીટર ઊંચી છે. આ બિલ્ડિંગમાં 16 માળના નવ ટાવરો છે જેમાં 300 ચોરસ ફૂટથી એક લાખ ચોરસ ફૂટની જગ્યા ધરાવતી ઑફિસો છે. આ બિલ્ડિંગમાં લગભગ 4,500 જેટલી ડાયમંડ ટ્રેડિંગ માટેની ઑફિસો છે.

આ ઇમારત એકસાથે 1 લાખ લોકોને સમાવી શકે છે, આ ઉપરાંત તેમાં 4,000થી વધુ કૅમેરા ધરાવતી હાઇટેક ઍડવાન્સ સિક્યૉરિટી સિસ્ટમ પણ લગાડવામાં આવી છે.

અત્યાર સુધી અમેરિકાના પેન્ટાગોનને દુનિયાની સૌથી મોટી ઇમારત તરીકે ગણવામાં આવતી હતી. પરંતુ સુરતના ડાયમંડ બુર્સને દુનિયાની સૌથી મોટી ઇમારતનો ખિતાબ આપવામાં આવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે 17 ડિસેમ્બર 2023ના દિવસે સુરત ડાયમંડ બુર્સનું ઉદઘાટન કરવા આવ્યા હતા ત્યારે તેમણે કહેલું કે,સુરત શહેરની ભવ્યતામાં આજે વધુ એક હીરાનો ઉમેરો થયો છે. અને હીરો પણ નાનો-મોટો નથી પણ તે તો દુનિયામાં સૌથી શ્રેષ્ઠ છે. આ હીરાની ચમકની આગળ વિશ્વની મોટામાં મોટી ઇમારતોની ચમક ફિક્કી પડી રહી છે. SDBના ચેરમેન વલ્લભભાઈ, લાલજીભાઈ સંપૂર્ણ નમ્રતાથી પોતપોતાની વાત જણાવી રહ્યા હતા. અને કદાચ આટલા મોટા મિશનની સફળતા પાછળ તેમની આ નમ્રતા, દરેકને સાથે લઈ ચાલવાનો સ્વભાવ, આ માટે હું આ ટીમને જેટલા અભિનંદન આપું તેટલા ઓછા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદઘાટન કરીને ગયા પછી મુશ્કેલી એ ઉભી થઇ કે SDBના ચેરમેન વલ્લભ લખાણી એમની મુંબઇ ઓફિસના 1200 કર્મચારીઓને સુરત ડાયમંડ બુર્સમાં લઇને આવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં આ બધી કર્મચારીઓ ફરી મુંબઇ ચાલ્યા ગયા, કારણકે ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો ચાલતી જ નથી. સુરત ડાયમંડ બુર્સમાં કોઇ ઓફિસો શરૂ કરવા તૈયાર નહોતા થતા. એ પછી સુરત ડાયમંડ બુર્સના પ્રમુખ તરીકે નાગજીભાઇ સાકરીયાએ રાજીનામું આપ્યું અને એના થોડા સમય પછી સુરત ડાયમંડ બુર્સના ચેરમેન તરીકે વલ્લભભાઇ લખાણીએ પણ રાજીનામું આપી દીધું. આ વાતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા અને ફરી બધાને લાગવા માંડ્યું કે આ સંઘ કાશીએ જાય તેવું લાગતું નથી.

પરંતુ સુરત ડાયમંડ બુર્સમાં તાત્કાલિક જાણીતા ડાયમંડ ઉદ્યોગકાર અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઇ ધોળકીયાની ચેરમેન પદે વરણી કરવામાં આવી અને આખી નવી ટીમ ઉભી કરવામાં આવી. ધર્મનંદન ડાયમંડના લાલજીભાઇ પટેલને વાઇસ ચેરમેન બનાવાયા અને નાગજીભાઇ સાકરીયાની ફરી ટીમમાં સમાવેશ કરાયો.

ગોવિંદભાઇ ધોળકીયાએ ચેરમેન બનતાની સાથે સુરતના મહિધરપરા હીરાબજાર, વરાછાનું મીની હીરાબજાર, ચોક્સી બજારના વેપારીઓ સાથે બેઠકો કરી અને તેમને સુરત ડાયમંડ બુર્સમા આવવા અને ઓફિસો શરૂ કરવા વિનંતી કરી હતી. તે વખતે ગોવિંદભાઇ ધોળકીયાએ કહ્યું હતું કે, હું મારી ઓફીસ પણ ટુંક સમયમાં SDBમાં શરૂ કરવાનો છું, એટલે તમને કહી શકું છું.

એ પછી ગોવિંદભાઇ ધોળકીયાએ મુંબઇ જઇને પણ મિટીંગ કરી હતી. તે વખતે જુલાઇ મહિનાથી ડાયમંડ બુર્સ ધમધમતું થશે એ વિશે આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. હવે જ્યારે જુલાઇ મહિનો નજીકમાં છે ત્યારે અમે સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઇ પટેલ સાથે વાત કરી હતી કે શું તૈયારી ચાલી રહી છે?

લાલજીભાઇ પટેલે કહ્યું કે, ગોવિંદભાઇ ધોળકીયા સહિત જે મોટા મોટા ડાયમંડના વેપારીઓએ SDBમાં ઓફિસ શરૂ કરવાનું કમિટમેન્ટ આપ્યું હતું તે બધાની ઓફિસોમાં પુરજોશમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે અને અમને વિશ્વાસ છે કે 7 જુલાઇ સુધીમાં લગભગ 400થી 500 ઓફિસો શરૂ થઇ જશે અને દિવાળી સુધીમાં 1000થી 1100 ઓફિસો શરૂ થઇ જાય તેવી આશા છે. 18 જૂને પણ ગોવિંદભાઇ મુંબઇ મીટિંગ કરવા માટે ગયા હતા અને 22 જૂને ફરી સુરતમાં બેઠક મળવાની છે. આ વખતે બુર્સ ધમધમતું થઇ જશે એવું લાલજીભાઇએ કહ્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે 4500 કરોડનો આટલો મોટો પ્રોજેક્ટ હોય ત્યારે સ્વાભાવિક રીતે થોડી મુશ્કેલીઓ આવવાની જ છે અને થોડો સમય પણ લાગે.

જો કે અત્યારે ઓલઓવર ડાયમંડ માર્કેટની હાલત એટલી ખરાબ છે કે કોઇને ધંધો કરવો પરવડે તેમ નથી. ડાયમંડ ઉદ્યોગ પર અત્યારે મંદીનો અજગર ભરડો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp