શું અદાણી પર પ્રત્યાર્પણની કાર્યવાહી થશે? US એટર્નીના નિવેદનથી ચોંકી ઉઠ્યા

PC: msn.com

અમેરિકન પ્રોસિક્યુટર્સે અદાણી ગ્રુપ પર લાંચ લેવાનો આરોપ લગાવ્યા પછી ગૌતમ અદાણીની મુસીબતો ઓછી થતી જણાતી નથી. અમેરિકામાં એટર્ની રવિ બત્રાએ દાવો કર્યો છે કે, અદાણી ગ્રૂપે આ આરોપોને સંપૂર્ણ રીતે નકારી કાઢ્યા હશે, પરંતુ ગૌતમ અદાણી સામે ધરપકડ વોરંટ બહાર પાડવામાં આવ્યું છે, હવે તેના પ્રત્યાર્પણ માટે પ્રયાસો પણ કરવામાં આવી શકે છે.

ભારતીય-અમેરિકન એટર્ની રવિ બત્રાના જણાવ્યા મુજબ, US એટર્ની પાસે અદાણી અને અન્ય સાત આરોપીઓ સામે ધરપકડ વોરંટ બહાર પાડવાની અને તેઓ જ્યાં રહે છે તે દેશમાં મોકલવાની સત્તા છે. બત્રાનું કહેવું છે કે, ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિ પણ છે, જેના આધારે જો અમેરિકા પ્રત્યાર્પણની માંગ કરે તો અદાણી અને અન્ય સાત આરોપીઓને સોંપી દેવા જોઈએ.

સરળ ભાષામાં કહીએ તો, અમેરિકા ગૌતમ અદાણી અને અન્ય આરોપીઓ સામે ધરપકડ વોરંટ બહાર પાડી શકે છે અને ભારતમાંથી અદાણી અને અન્ય આરોપીઓના પ્રત્યાર્પણની માંગ પણ કરી શકે છે. જો કે હજુ સુધી આવું બન્યું નથી. પરંતુ ભારતમાં વિરોધ પક્ષો સતત ગૌતમ અદાણીની ધરપકડની માંગ કરી રહ્યા છે.

અમેરિકન કોર્ટમાં લાંચના આરોપો નક્કી કરાયા પછી અદાણી ગ્રુપ હવે દેશની અંદર પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે સેબી પણ અદાણી ગ્રુપની તપાસ કરી શકે છે. આ તપાસ અદાણી ગ્રુપના સેબીને ખોટી માહિતી આપવા અને રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપોથી સંબંધિત હશે.

આ તપાસનો આધાર એક સમાચાર લેખ છે જેમાં 15 માર્ચે અદાણી ગ્રૂપે કહ્યું હતું કે, અદાણી ગ્રૂપના ચેરમેન વિરુદ્ધ અમેરિકામાં લાંચની તપાસ અંગે તેની પાસે કોઈ માહિતી નથી. પરંતુ 19 માર્ચના રોજ સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં, અદાણી ગ્રીને જણાવ્યું હતું કે, તે વાકેફ છે કે તૃતીય પક્ષ US ભ્રષ્ટાચાર વિરોધી કાયદાના સંભવિત ઉલ્લંઘનોની તપાસ કરી રહ્યું છે.

ગૌતમ અદાણી અને અદાણી ગ્રૂપ સામેની લાંચની ચાર્જશીટમાં જણાવાયું છે કે, અદાણી ગ્રૂપ દ્વારા માર્ચમાં એક સમાચાર લેખમાં પ્રકાશિત થયેલો ઇનકાર ખોટું નિવેદન હતું. ખોટું નિવેદન આપવાનો હેતુ કથિત છેતરપિંડી યોજનાને આગળ વધારવાનો હતો.

ચાર્જશીટ મુજબ ગૌતમ અદાણીના ભત્રીજા સાગર અદાણીને એક વર્ષ પહેલા જ અમેરિકન કોર્ટમાંથી સમન્સ અને સર્ચ વોરંટ મળ્યા હતા. હવે સેબી ગૌતમ અદાણી અને અદાણી ગ્રુપ સામેના આ આરોપની તપાસ કરી શકે છે. આ કેસ સાથે સંબંધિત તથ્યોની તપાસ આગામી બે અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.

અમેરિકામાં ગૌતમ અદાણી સામે લાંચનો કેસ નોંધાયા પછી વ્હાઇટ હાઉસ દ્વારા નિવેદન બહાર પાડવામાં આવ્યું છે. વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે, અમેરિકી વહીવટીતંત્ર અદાણી સામેના આરોપોથી સંપૂર્ણપણે વાકેફ છે. વ્હાઇટ હાઉસે કહ્યું છે કે, ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે. ગૌતમ અદાણી પર લાગેલા લાંચના આરોપોથી ભારત-અમેરિકાના સંબંધો પર કોઈ અસર નહીં થાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp