જાહેરમાં માર મારવાના કેસમાં ખેડાના 4 પોલીસકર્મીને કોર્ટે આપી આ સજા
ખેડા જિલ્લાના ઉંઢેલા ગામમાં ગયા વર્ષની નવરાત્રિ દરમિયાન પથ્થરમારની ઘટનામાં ખેડા પોલીસે 10 જેટલા યુવાનોને થાંભલી સામે ઉભા રાખીને જાહેરમાં ફટકાર્યા હતા. ગુજરાત હાઇકોર્ટે 4 ઓકટોબરે આ કેસમાં પોલીસ સામેનો આરોપ નક્કી કર્યા હતા, હવે આ પોલીસ કર્મીને ગુજરાત હાઇકોર્ટે 14 દિવસની સજા ફટકારી છે.
ખેડા જિલ્લાના માતરમાં આવેલા ઉંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રિના તહેવાર દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી. એ વખતે પોલીસે દશેક જેટલા યુવાનોને જાહેરમાં ખેંચી લાવીને થાંભલા સાથે ઉભા રાખીને દંડા ફટકાર્યા હતા. આ બાબતે ગુજરાત હાઇકોર્ટમાં કેસ કરવામાં આવ્યો હતો. 4 ઓકટોબરે જ્યારે સુનાવણી થઇ ત્યારે 4 પોલીસને કસૂરવાર ઠેરવવામાં આવ્યા હતા. તે વખતે હાઇકોર્ટે પોલીસને તેમના બચાવમાં એફિડેવીટ દાખલ કરવાનું કહ્યુ હતું. પોલીસે સમાધાનની તૈયારી બતાવી હતી, પરંતુ ફરિયાદીઓ સમાધાન માટે તૈયાર થયા નહોતા. હવે હાઇકોર્ટે ખેડા પોલીસના 4 પોલીસ કર્મીઓને 14 દિવસની સાદી કેદની સજાનો ચુકાદો આપ્યો છે.
ખેડા જિલ્લાના માતરના ઉંઢેલા ગામમાં ગયા વર્ષે નવરાત્રિના તહેવારમાં આઠમના દિવસે ગરબા રમાઇ રહ્યા હતા ત્યારે 150 જેટલાં ટોળાંએ ગરબા પર પથ્થરમારો કર્યો હતો જેને કારણે ગામમાં તનાવ ઉભો થયો હતો. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે 10 આરોપીઓને પકડી પાડ્યા હતા અને આ આરોપીઓને ગામમાં લાવીને થાંભલા સાથે બાંધીને પોલીસે તમામને મેથીપાક આપ્યો હતો. તે વખતે આરોપીઓની માફી માંગતી તસ્વીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી.
તે વખતે પોલીસે કહ્યુ હતું કે, ઉંઢેલા ગામમાં તુલજા માતાના મંદિર પાસે ગરબાનું આયોજન હતું અને આ ગરબામાં પથ્થરમારો થયો હતો, જેમાં એક હોમગાર્ડ અને 6થી 7 મહિલાઓને ઇજા થઇ હતી.
ગુજરાત હાઇકોર્ટે 4 ઓકટોબરે કરેલી સુનાવણીમાં કેસમાં ખેડા પોલીસના એ.વી. પરમાર, ડી.બી. કુમાવત, કનકસિંહ લક્ષ્મણસિંહ અને રાજુ રમેશભાઈ ડાભી સામે આરોપ નક્કી કર્યા હતા અને તેમને બચાવ માટે 11 ઓકટોબર સુધીમાં સોંગદનામું રજૂ કરવા માટે હાઇકોર્ટે કહ્યુ હતું. ન્યાયાધીશ એ.એસ સુપેહિયા અને એમ.આર મેંડગેની સંયુક્ત બેન્ચે પોલીસકર્મીઓ વિરુદ્ધ સત્તાવાર આરોપો નક્કી કર્યા હતા.
પોલીસે પોતાના બચાવમાં કહ્યુ હતું કે, ડર અને હિંસા ફેલાવવા માટે ગરબામાં પથ્થરમારો કરનારાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. આ કાર્યવાહી માત્ર શાંતિ, સુલેહ અને કાયદાની વ્યવસ્થા જળવાઇ રહે તેના માટે કરવામાં આવી હતી
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp