અમદાવાદ કમિશનર કચેરીમાં 8 પોલીસકર્મી, રામોલ પોલીસ સ્ટેશનમાં 5 પોલીસકર્મી પોઝિટિવ

PC: Youtube.com

રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. લોકડાઉન ચારમાં રાજ્ય સરકાર દ્વારા લોકોને નોન કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં આવેલા ધંધા-ઉદ્યોગ, ઓફીસ અને દુકાનોને ખોલવાની છૂટ આપવામાં આવી છે. રાજ્યની જનતામાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય અને લોકો લોકડાઉનના નિયમોનું પાલન કરે તે માટે કોરોનાની મહામારી વચ્ચે રાજ્યના પોલીસકર્મીઓ ખડેપગે રહીને પોતાની ફરજ નિભાવી રહ્યા છે. રાજ્યમાં સૌથી વધારે કોરોનાના કેસ અમદાવાદમાં સામે આવી રહ્યા છે અને અમદાવાદમાં ઘણા પોલીસકકર્મીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે, ત્યારે અમદાવાદમાં એક જ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા ASI સહિતના પાંચ જેટલા પોલીસકર્મીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા આઠ જેટલા પોલીસકર્મી કોરોનાની ઝપેટમાં આવ્યા છે. જેથી તમામ પોલીસકર્મીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

રિપોર્ટ અનુસાર અમદાવાદમાં રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓના ટેસ્ટ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા. આ પોલીસકર્મીઓનો રિપોર્ટ આવતા જાણવા મળ્યું હતું કે, ASI સહિત પાંચ જેટલા પોલીસકર્મીઓ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. પાંચ પોલીસકર્મીઓમાં એક ASI, બે કોમ્પ્યુટર ઓપરેટર, બાઈક પર પેટ્રોલિંગ કરનાર એક પોલીસકર્મી અને જિપમાં પેટ્રોલિંગ કરનાર એક પોલીસકર્મીનો સમાવેશ થાય છે.

 

તો બીજી તરફ પોલીસકમિશનર કચરીના કંટ્રોલ રૂમમાં ફરજ બજાવતા 10 જેટલા પોલીસકર્મીનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ 10 પોલીસકર્મીમાંથી 8 પોલીસકર્મીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલ આ તમામ પોલીસકર્મીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવ્યા અન્ય પોલીસકર્મીઓની આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. આ પોલીસકર્મીઓને સારવાર દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પોલીસકર્મીઓને નરોડા વિસ્તારમાં આવેલી સેલ્બી હોસ્પિટલ ફાળવવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં 245 જેટલા પોલીસકર્મીઓ કોરોનાની સારવાર લઇને સ્વસ્થ થઇને તેમની ફરજ પર પરત આવ્યા છે. તો હાલ 63 જેટલા પોલીસકર્મીઓ અન્ય ફોર્સના કર્મચારીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ 63માંથી 18 જેટલા કર્મચારીઓ અન્ય ફોર્સ સાથે જોડાયેલા છે અને 45 પોલીસકર્મીઓ છે. અમદાવાદમાં કોરોનાના કારણે બે પોલીસકર્મીના મોત પણ નીપજ્યા છે. તો બીજી તરફ આરોપીઓના કારણે પણ કોરોનાનું સંક્રમણ પોલીસ વિભાગના ન ફેલાય તે માટે પણ આરોપીને પકડ્યા બાદ તેનો કોરોનાનો ટેસ્ટ કરાવવામાં આવે છે. આરોપીનો રિપોર્ટ નેગેટીવ આવે તો તેની ધરપકડ કરવામાં આવે છે અને આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને તેના સંપર્કમાં આવેલા પોલીસકર્મીઓને ક્વોરેન્ટાઇન કરીને તેમના પણ રિપોર્ટ કરવામાં આવે છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp