26th January selfie contest

પોલીસે કરી રિક્ષા પાર્કિંગ સ્ટેન્ડ બનાવવાની જાહેરાત, રિક્ષા એસો.ને કર્યો વિરોધ

PC: vccircle.com

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ટ્રાફિક અટકાવવા માટે આડેધડ પાર્ક કરવામાં આવતા વાહનોને ઉઠાવવામાં આવી રહ્યા છે. ત્યારે સ્ટેન્ડ સિવાય પાર્ક કરવામાં આવેલ રિક્ષાઓ જપ્ત કરવાના ટ્રાફિકના પોલીસના નિર્ણય સામે રિક્ષા એસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધ કરવાની ચીમકી આપવામાં આવી હતી. તે બાદ પોલીસ કમિશનર દ્વારા રિક્ષા પાર્ક કરવા માટે નવા 3020 સ્ટેન્ડ બનાવવાની જાહેરાત કરી હતી.

અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે જાહેરાત કરી છે કે શહેરમાં રિક્ષા પાર્કિગ માટે નવા 3020 સ્ટેન્ડ બનાવવામાં આવશે. પોલીસ ચોપડે કુલ 50 હજાર રિક્ષાઓ શહેરમાં નોંધાયેલી છે. તો પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવેલી પાર્કિંગની ફાળવણીમાં ફક્ત 19 હજાર રિક્ષાઓ પાર્ક થઈ શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.

રિક્ષા એસોસિએશનના દાવા પ્રમાણે અમદાવાદમાં લગભગ 2 લાખ જેટલી રિક્ષાઓ દોડે છે. જો કે પોલીસ દ્વારા પાર્કિગમાં ફક્ત 19 હજાર જેટલી જ રિક્ષા પાર્ક થઈ શકે તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી રિક્ષા અસોસિએશન દ્વારા ઉગ્ર વિરોધની અને હડતાળ કરવાની ચીમકી આવવામાં આવી હતી. 10મી ડિસેમ્બરે રિક્ષા એસોસિએશન લાલ દરવાજાથી રેલી કાઢશે તેમજ 22મી ડિસેમ્બરના રોજ હડતાળ પર ઉતરશે એવી જાહેરાત કરી છે.

અમદાવાદ ઓટોરિક્ષા ચાલક ન્યાય સમિતિના પ્રમુખ રાજ શિરકેના જણાવ્યા અનુસાર પોલીસ કમિશનર દ્વારા જાહેર કરવામાં આવેલ રિક્ષા સ્ટેન્ડ રીક્ષાઓના પ્રમાણમાં ઓછા છે. તેમજ રિક્ષા માટે સ્ટેન્ડ નક્કી કરતી વખતે પણ તેમને સાથે રાખ્યા વગર જે તે વિસ્તારના ટ્રાફિક પોલીસના PIને સ્ટેન્ડ નક્કી કરવાની જવાબદારી સોપી દીધી હતી.

 સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરવા માટે કેટલાક નિયમોનુ પાલન પણ કરવુ પડશે. આ નિયમો નીચે મુજબ છે.

  • રિક્ષા સ્ટેન્ડ સિવાય અન્ય જગ્યાએ ઉભી રાખવામાં આવશે તો તેની વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે.
  • લાયસન્સ અને રિક્ષાનો બેજ (બિલ્લો) ધરાવતા રિક્ષાચાલકો જ આ સ્ટેન્ડમાં રિક્ષા પાર્ક કરી શકશે.
  • એક રિક્ષા ફક્ત બે કલાકથી વધારે સમય સુધી સ્ટેન્ડ પર ઉભી રહી શકશે નહી.
  • જાહેરનામાને લગતાં સૂચક બોર્ડ મુકવા મ્યુનિસિપલ કોર્પોરેશનને સુચના આપવામાં આવી છે.

DCP અક્ષયરાજ મકવાણાએ જણાવ્યુ હતુ કે, ભવિષ્યમાં રિક્ષા સ્ટેન્ડ વધારવામાં આવશે. પરંતુ હાલ તો અપુરતી વ્યવસ્થાના કારણે મોટાભાગના રિક્ષા ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp