અજય દેસાઇને પરસેવો વળ્યોને પત્ની સ્વીટીને તેણે જ પતાવી દીધી હોવાની શંકા મજબૂત થઇ

PC: .iamgujarat.com

(પ્રશાંત દયાળ). વડોદરા ચકચારી સ્વીટી પટેલ હત્યા કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પોલીસ ઈન્સપેકટર અજય દેસાઈની ધરપકડ કર્યા બાદ અવાવરૂ જગ્યામાંથી મળી આવેલા હાડકા કબજે કરી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મૃતક સ્વીટી પટેલ જ છે તેનો વૈજ્ઞાનિક પુરાવો લેવા માટે હાડકા ગાંધીનગર સ્થિત ફોરેન્સીક લેબોરેટરીને મોકલી આપ્યા છે. બનાવના સ્થળેથી મળી આવેલી હાડકાં સ્વીટીના જ છે તેવુ પ્રસ્થાપિત કરવા માટે સ્વીટીના બે વર્ષના પુત્ર અંશ સાથે ડીએનએ મેચ કરવામાં આવશે.

સ્વીટી ગુમ થયા પછી તપાસ કરી રહેલી વડોદરા ગ્રામ્ય પોલીસે સ્વીટીની હત્યા બાદ જયાં તેના મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો તે દહેજ પાસેના અટાલીની જગ્યા શોધી કાઢી હતી. આ સ્થળને શોધવા માટે પોલીસે ડ્રોનની મદદ લીધી હતી. આ ઉપરાંત ઈન્સપેકટર અજય દેસાઈના મોબાઈલ ડેટાના આધારે તેવુ પણ પ્રસ્થાપિત કર્યુ હતું કે અજય દેસાઈ અટાલીમાં સાડા ત્રણ કલાક રોકાયા હતા.

વડોદરા ગ્રામ્ય પોલીસે માટે સમસ્યા એવી હતી કે અજય દેસાઈ ખુદ એક પોલીસ અધિકારી હોવાને કારણે તેમની સાથે બીજા આરોપી જેવી કડકાઈ કરી શકાતી ન્હોતી, પરંતુ ગાંધીનગર ખાતે તેમના એસડીએસ ટેસ્ટ વખતે જ વડોદરા ગ્રામ્ય પોલીસ અને ફોરેન્સીક અધિકારીને અંદાજ આવ્યો કે અજય દેસાઈ જ આરોપી છે.

એસડીએસ ટેસ્ટમાં સંભવિત આરોપીને પુછવામાં આવતા પ્રશ્નોમાં વખતે થતાં પરસેવાના આધારે આરોપીની મનોદશાનો ખ્યાલ આવે છે છે, જયારે અજય દેસાઈને ટેસ્ટ કરનાર અધિકારીએ પુછયુ કે તમે સ્વીટીને છેલ્લે કયારે મળ્યા હતા અથવા જોઈ હતી.. આ પ્રશ્નનો જવાબ આપતી વખતે અજય દેસાઈને પરસેવો થવા લાગ્યો હતો. આ વખતે અજય દેસાઈ આરોપી છે તેવી શંકા વધુ દ્રઢ બની હતી.

ત્યાર બાદ આ મામલો ક્રાઈમ બ્રાન્ચને સોપાયા પછી ક્રાઈમ બ્રાન્ચ સામે કિરીટસિંહ જાડેજાએ સ્વીટીની હત્યા થઈ હોવાની કબુલાત કરી લેતા ક્રાઈમ બ્રાન્ચે અજય દેસાઈ અને કિરીટસિંહની ધરપકડ કરી હતી ત્યાર બાદ આરોપીને  સાથે રાખી  બનાવ સ્થળની મુલાકાત લેતા ત્યાંથી સ્વીટી પટેલના હાડકા ક્રાઈમ બ્રાન્ચે કબજે લીધા હતા. જો કે કોર્ટ કાર્યવાહી દરમિયાન આરોપીઓ પોતાના બચાવમાં કેવા મુદ્દા રજુ કરશે તેનાથી માહિતગાર ક્રાઈમ બ્રાન્ચે વૈજ્ઞાનિક પુરાવાઓ લેવા માટે હાડકાં ફોરેનસીક લેબોરેટરીમાં મોકલી સ્વીટીના પુત્ર અંશ સાથે ડીએનએ મેચ કરાવવાનો નિર્ણય કર્યો છે.

અજય દેસાઈએ સ્વીટીના મૃતદેહનો નિકાલ કરવા માટે જે જીપ કંપાસનો ઉપયોગ કર્યો હતો તે કાર પણ કબજે કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે આ કારની મુળ માલિક અજય દેસાઈના સહ આરોપી કિરીટસિંહ જાડેજાનીના કોઈ નજીકની વ્યકિતની છે. ક્રાઈમ બ્રાન્ચ તપાસ, કરી રહી છે હત્યા બાદ મૃતદેહનો નિકાલ કરવા માટે અજય દેસાઈ અને કિરીટસિંહ સિવાય અન્ય કોઈ હતા કે નહીં. જો કે લાંબા સમય બાદ ક્રાઈમ બ્રાન્ચને તપાસ મળી હોવાને કારણે અટાલી ખાતે બનાવના સમયે કયાં ફોન એકટીવ હતા તેની તપાસ કરવામાં આવી રહી છે, વિધિની વક્રતા એવી છે કે સ્વીટીની હત્યા બાદ અજય દેસાઈની ધરપકડ થઈ છે આમ તેમનો દીકરો અંશ હવે માતા પિતા વગરનો થઈ ગયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp