MS યુનિવર્સિટીમાં ભણતા 18 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી મોત, હસતા-હસતા ઢળી પડ્યો

PC: vtvgujarati.com

વડોદરાની MS યુનિવર્સિટીમાં ભણતા એક આશાસ્પદ અને ભણવામાં ખુબ હોંશિયાર એવા 18 વર્ષના વિદ્યાર્થીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે. મિત્રો સાથે હસી મજાકની વાત ચાલતી હતી ત્યારે આ વિદ્યાર્થી હસતા હસતા ઢળી પડ્યો હતો અને હોસ્પિટલ પહોંચે તે પહેલાં તેનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું. મૂળ પાટણનો આ વિદ્યાર્થી પરિવારનો એકનો એક દીકરો હતો અને તેને વિદેશ ભણવા મોકલવાના પરિવારના સપના હતા, પરંતુ એ પહેલાં જ દીકરો દુનિયા છોડીને ચાલી જતા પરિવાર માથે આભ તુટી પડ્યું છે.

મૂળ પાટણમાં રહેતો અને વડોદરામાં MS યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ઝુઓલોજી ડિપાર્ટમેન્ટમાં બીજા વર્ષમાં અભ્યાસ કરતા દીપ ચૌધરીનું હાર્ટ એટેકને કારણે મોત થયું છે.જાણવા મળેલી વિગત મુજબ બુધવારે રાત્રે દીપ તેના મિત્રો સાથે છોલે ભટુરે ખાઇને હોસ્ટેલમાં મિત્રોને મળવા ગયો હતો. મિત્રો સાથે હસી મજાકની વાત ચાલતી હતી તે વખતે દીપ હસતો હતો અને હસતા હસતા તેની છાતીમાં અચાનક દુખાવો ઉપડ્યો હતો અને તે ઢળી પડ્યો હતો. મિત્રો અચાનક બનેલી ઘટનાથી હેબતાઇ ગયા હતા અને તાત્કાલિક દીપને હોસ્પિટલ લઇ જવાયો હતો, પરંતુ મિત્રના ખોળામાં જ દીપે અંતિમ શ્વાસ છોડી દીધા હતા. સયાજી ગંજ પોલીસે દીપના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે.

એકના એક દીકરાના મોતના સમાચારને કારણે દીપના પિતા શામલાલ ચૌધરી ભાંગી પડ્યા હતા. પિતા અને પરિવારના લોકો વડોદરા દોડી આવ્યા હતા. પરિવારજનોએ કહ્યુ હતું કે દીપ એકનો એક દીકરો હતો અને તેને વિદેશ ભણવા મોકલવાની તૈયારી ચાલતી હતી, પરંતુ તે તો અચાનક જ દુનિયા છોડી ગયો છે.

એમ એસ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના ડીન હરિભાઇ કટારિયાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દીપ એક હોંશિયાર વિદ્યાર્થી હતો. બુધવારે રાત્રે મિત્રો સાથેની હસી-મજાકમાં દીપને એટેક આવી ગયો હતો. તેને 108 મારફતે લઇ જવાયો હતો, પરંતુ તેનું મોત થઇ ગયું હતું.

દીપના મિત્ર તેજસ સોલંકીએ કહ્યુ હતું કે, દીપ અમારી સાથે વાત કરી રહ્યો હતો ત્યારે તેની છાતીમાં દુખાવો ઉપડ્યો હતો અને તે બેવડ વળીને ઢળી પડ્યો હતો. અમે મિત્રો 108માં તેને સયાજી હોસ્પિટલ લઇ જઇ રહ્યા હતા ત્યારે દીપે મારા ખોળામાં માથું નાંખી દીધું હતું અને તેણે અંતિમ શ્વાસ છોડી દીધા હતા. હોસ્પિટલના તબીબોએ હાર્ટએટેકના કારણે મોત થયું હોવાનું કહ્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp