‘રમે અમદાવાદ’ના આયોજકો ખૈલેયાઓને રમાડી ગયા, 500ના પાસ વેચીને રાતોરાત ગાયબ
અમદાવાદના એક ગરબા આયોજકે રાતોરાત ઉઠમણું કરી નાંખતા અનેક ખૈલેયાઓના રૂપિયા તો ગયા જ, પરંતુ સાથે સાથે રમવાનો મૂડ પણ મરી ગયો. ત્રીજે નોરતાએ આયોજકો ગાયબ થઇ ગયા હતા, લાઇટ, સાઉન્ડ બધું ગાયબ થઇ ગયું હતું. આયોજકોએ ખેલૈયાઓને 500 રૂપિયામાં પાસ પધરાવ્યા હતા.
જાણવા મળેલી વિગત મુજબ 17 ઓકટોબર, મંગળવારે આ ગરબા ગ્રાઉન્ડ પર સિંગર જગદીપ મહેતા ગરબા ગાવાના હતા. ખેલૈયાઓએ ગરબા રમવા માટે 500 રૂપિયાના પાસ ખરીદ્યા હતા, કેટલાંકે તો ગ્રુપમાં 10થી 15 પાસ એક સાથે પણ ખરીદ્યા હતા. ગરબા રમવા માટે ખેલૈયાઓ જ્યારે મેદાન પર પહોંચ્યા તો મેદાન પર અંધારુ હતું, ખેલૈયાઓએ તપાસ કરી તો જાણવા મળ્યું કે ઇવેન્ટ કેન્સલ કરી દેવામાં આવી છે. એ પછી ખેલૈયાઓએ આયોજકોને શોધવા માંડ્યા હતા, પરંતુ આયોજકો હોય તો મળે ને, બધા ગાયબ થઇ ગયા હતા, મેદાન પરથી સાઉન્ડ સીસ્ટમ પણ ગાયબ હતી.
દિવ્ય ભાસ્કરના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે , જ્યારે આયોજક સંદીપ પટેલનો સંપર્ક કર્યો તો તેણે સાવ પાંગળો જવાબ આપ્યો હતો. પટેલે કહ્યું કે, અમારા ગરબાના કોમ્પલીમેન્ટરી પાસ લોકો વેચી રહ્યા હોવાનું ધ્યાન પર આવતા અમે ઇવેન્ટ કેન્સલ કરી નાંખી છે.
આયોજક સંદિપ પટેલનો જવાબ જરાયે ગળે ઉતરે તેવો નથી. ઇવેન્ટ કેન્સલ કરી તો લોકોના રૂપિયા તો પાછા આપી દેવા જોઇતા હતા. પરંતુ આવિષ્કાર એન્ટરટેઇનમેન્ટના સંદિપ પટેલ તો ગાયબ થઇ ગયા હતા.
ભારે હોબાળો થવાને કારણે પોલીસ પણ ગરબાના સ્થળે પહોંચી હતી. જો કે આયોજકો સામે કોઇ પોલીસ ફરિયાદ થઇ હોય તેવું હજુ સુધી જાણવા મળ્યું નથી. રાતોરાત ઇવેન્ટ કેન્સલ થવાને કારણે ખેલૈયાઓમાં ભારે રોષ અને નારાજગી જોવા મળી હતી.
ઘાટલોડિયાથી ગરબા રમવા આવેલી એક યુવતીએ કહ્યું હતું કે, અમે 8 મિત્રોએ 500-500 રૂપિયાના પાસ ખરીદ્યા હતા. ઇવેન્ટ રદ હશે એવી અમને કોઇ જાણકારી નહોતી એટલે અમે તો ગરબા રમવા પહોંચ્યા હતા. અહીં આવીને જોયું તો અંધારુ હતું અને ગરબા કેન્સલ કરી દીધા હતા. અમારા તો 4,000 રૂપિયા પાણીમાં ગયા.
તો વસ્ત્રાલથી ગરબા રમવા આવેલા એક યુવકે કહ્યું હતું કે, અમે 7,500 રૂપિયા ખર્ચીને 15 પાસ ખરીદ્યા હતા. અમે અહીં રમવા આવ્યા તો બધું સુમસામ હતું. આયોજકો કોઇ જવાબ પણ નથી આપતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp