GETCOની ભરતી રદ્ થતા વિદ્યાર્થીઓમાં રોષ, યુવરાજસિંહ સહિત 5 ઉમેદવારોને કેમ્પસમા..

PC: divyabhaskar.co.in

ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ (GETCO) દ્વારા 1,224 ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ માટે ભરતીની જાહેરાત કરી હતી, ઝોન કક્ષાએ યોજાયેલી પોલ પરીક્ષામાં ખામી હોવાનું GETCOની તપાસમાં સામે આવતા ભરતી જ રદ્દ કરી દેવામાં આવી છે. ભરતી રદ્દ કરાતા મોટી સંખ્યામાં ઉમેદવારો વડોદરા GETCOની ઓફિસ બહાર વિરોધ પ્રદર્શન કરવા પહોંચી ગયા છે. અગાઉ મેરિટ લિસ્ટમાં આવેલા ઉમેદવારોએ GETCOના ઓફિસ બહાર નિમણૂક પત્ર આપવા માટે વિરોધ કર્યો હતો. GETCO હવે નવેસરથી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતીની પરીક્ષા લેશે.

યુવરાજસિંહ પણ વડોદરા સર્કલ પર આવેલી મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ની ઓફિસ બહાર પહોંચ્યા છે. મોટી સંખ્યામાં ઉમેદવારો GETCO કંપની સામે નારા લાગાવી રહ્યા છે. ન્યાય આપો ન્યાય આપો, ‘યુવરાજ સિંહ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હૈ’ના નારા વિદ્યાર્થીઓ લગાવી રહ્યા છે. ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વડોદરા GETCOની ઓફિસ બહાર ધરણા પર બેસી ગયા છે. આ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યું હતું કે, અમે વર્તમાનમાં સરકારને આવેદન અને નિવેદનના માધ્યમથી રજૂઆત કરીએ છીએ. જો અમારી માગણી ન સ્વીકારમાં આવે તો ચોક્કસ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં જઇશું.

તેમણે જણાવ્યું અમે આંદોલન, સત્યાગ્રહ, ભૂખ હડતાળ બધુ કરીશું. ત્યારબાદ પણ માગ ન સ્વીકારવામાં આવી તો ઉર્જામંત્રી કનુ દેસાઈના ઘરનો ઘેરાવ કરવો પડે તો એ પણ અમે 1,000 વિદ્યાર્થીઓ ભેગા થઈને કરીશું. તેનાથી વધારેની જરૂર પડશે તો વિધાનસભાનો ઘેરાવ પણ કરીશું કેમ કે, અમને ન્યાય જોઈએ છે. આ ભરતીમાં અધિકારીઓની ભૂલ છે. અધિકારીઓની સુચના મુજબ જ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. વિદ્યાર્થીઓ મુર્ખ નથી, ભુલ અધિકારીઓની જ છે.

યુવરાજસિંહ જાડેજાએ આગળ જણાવ્યું કે, ઘણા વિદ્યાર્થીઓના પોતાના સપનાં હતા અને ઘણાના ગોળધાણા પણ ખવાઈ ગયા હતા. સામાજિક પ્રસંગોમાં હાજરી આપીને કહેવા લાગ્યા હતા કે, ટૂંક સમયમાં અમારી સરકારી નોકરી લાગી જશે. ઘણા વિદ્યાર્થીઓ તો પોતાની સારી એવી પ્રાઈવેટ નોકરી છોડી દીધી હતી. ડોક્યૂમેન્ટ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા બાદ 5 દિવસમાં નિમણૂક પત્રો આપવાની વાત ઉર્જા વિભાગના MD દ્વારા કરવામાં આવી હતી. અમે હૈયા ધારણા માની હતી અને અમારી સાથે દગો થયો છે. અમને હૈયા ધારણા આપનારાને કહીએ છીએ કે નિમણૂક પત્રો ક્યારે મળશે?

GETCO વિદ્યૂત સહાયકની ભરતી પ્રક્રિયામાં GUVNL અને GETCOએ બહાર પાડેલી માર્ગદર્શિકાનું પાલન ન થતા ભરતી પ્રક્રિયા રદ્દ કરવામાં આવી હોવાની જાહેરાત GETCOએ વેબસાઈટ પર કરી છે. 11 ડિસેમ્બરના રોજ ઉમેદવારો દ્વારા વડોદરા રેસકોર્સ કચેરીએ હોબાળો કરવામાં આવ્યો હતો. જેના કારણે ભરતી પ્રક્રિયા રદ્દ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં જ GETCO દ્વારા વિદ્યુત સહાયક (ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ)ની ભરતી પ્રક્રિયા બે તબક્કામાં હાથ ધરવામાં આવી હતી.

 જેમાં પરીક્ષા વિવિધ વર્તુળ કચેરીઓમાં 6 માર્ચ 2023થી 13 માર્ચ 2023 તથા લેખિત પરીક્ષા 9 સપ્ટેમ્બર 2023ના રોજ યોજવામાં આવી હતી. કેટલાક ઉમેદવારોએ વડોદરાની GETCO કચેરીને રજૂઆત કરી હતી કે, રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તૂળ કચેરીઓમાં યોજાયેલી પરીક્ષાની પ્રક્રિયામાં GUVNL તેમજ GETCO દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાને અનુસરવામાં આવી નથી. જે અંગે તપાસ કમિટી દ્વારા તપાસ કરતા ગંભીર ખામી ધ્યાનમાં આવી હતી.

GETCO દ્વારા યોજાયેલી તપાસ સમિતિના રિપોર્ટમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. જેથી હકીકતોને ધ્યાને લઇને રાજકોટ, ભરુચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તૂળ કચેરીઓ હેઠળના ઉમેદવારોને અન્યાય ન થાય કે અસંતોષની લાગણી ના ઉદ્વભવે તેમજ સક્ષમ અધિકારીની સુચનાને ધ્યાનમાં રાખી રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની સમગ્ર ભરતી પ્રક્રિયા રદ્દબાતલ જાહેર કરવામાં આવે છે. તેમ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp