બુટલેગરે 15 કિમી સુધી 3 ટાયર પર જીપ દોડાવી,પોલીસના શ્વાસ ચઢી ગયા,હાથમાં ન આવ્યો
ગુજરાતના એક બુટલેગરનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો ત્યારે તેણે જીપ એટલી હંકારી હતી કે તેનું ટાયર પંચર થઈ ગયું હતું છતા તેણે લગભગ 15 કિલોમીટર સુધી ત્રણ ટાયર પર જીપ ચલાવતો રહ્યો હતો. જેના કારણે ટાયરની ડિસ્ક પણ સંપૂર્ણ રીતે ઘસાઈ ગઈ હતી. એ પછી બુટલેગર જીપ મુકીને ભાગી ગયો હતો.
ગુજરાતના અરવલ્લી જિલ્લાના મેઘરજ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજુભાઈએ મીડિયાને જણાવ્યું કે તેઓ અને હોમગાર્ડ વિજય કુમાર ખાટ રવિવારે સવારે મેઘરજ-અમદાવાદ રોડ પર ફરજ પર હતા. આ દરમિયાન તેમને એક બાતમી મળી હતી કે દારૂની હેરાફેરી થવાની છે. બાતમીને આધારે નાકાબંધી કરવામાં આવી હતી. તે વખતે એક બંધ બોડી જીપ જે મેઘરજથી અમદાવાદ જતી હતી તે નાકાબંધી જોઈને પાછી વળી ગઇ હતી.
એ જોઇને એ જીપનો કોન્સ્ટેબલ રાજુભાઇ અને હોમગાર્ડ વિજય ખુંટે પીછો કર્યો હતો અને ઉચ્ચપોલીસ અધિકારીઓને એની જાણ કરી દેવામાં આવી હતી. આના પર ગુજરાત પોલીસના કોન્સ્ટેબલ જાલમસિંહ બીજી જીપ લઈને બીજા માર્ગેથી બુટલેગરને ઘેરવા નીકળ્યા હતા. પરંતુ બુટલેગર જીપ ભગાડીને રાજસ્થાનમાં 35 કિમી દૂર રેટાથી વાઘપુર, પાંડુડી અને ટેકવા થઈને પ્રવેશ્યો હતો. સરહદ પાર કરતા પહેલા બુટલેગરની જીપના ટાયરમાં પંચર પડ્યું હતું. પોલીસવાળાઓએ વિચાર્યું કે હવે જીપ રોકાશે. પરંતુ ટાયર ફાટ્યા બાદ પણ બુટલેગર જીપને ડિસ્ક પર ચલાવતો રહ્યો હતો.
રેટાથી લગભગ 15 કિમી સુધી ત્રણ ટાયર પર બુટલેગરે જીપ હંકારી અને એ પછી ચોથું પંચર થયેલું ટાયર ડિસ્કથી અલગ થઈ ગયું. તે પછી પણ તેણે જીપ ચલાવવાનું ચાલુ રાખ્યું. આખરે જીપ ડુંગરપુર શહેરના નવાડેરા રોડ પર રોકાઈ હતી. પરંતુ બુટલેગર જીપ મુકીને ફરાર થઇ ગયો હતો. જો કે પોલીસે જીપમાં બેઠેલા એક વૃદ્ધની ધરપકડ કરી છે. એ જીપ દારૂથી ભરેલી હતી.
ઘટનાને પગલે લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. માહિતી મળતાં જ કોતવાલી પોલીસ સ્ટેશન પણ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. હાલ કોતવાલી પોલીસે દારૂ ભરેલી જીપ કબજે કરી પોલીસ સ્ટેશનમાં રાખી છે. જીપમાં બેઠેલા વૃદ્ધને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. કોતવાલી CI સુરેન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે ઉચ્ચ અધિકારીઓ દ્વારા ગુજરાત પોલીસ સાથે ચર્ચા કરીને મળેલી સૂચના મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp