ગિફ્ટ સિટીને 'લોટરી' લાગી, 5 દિવસમાં 500 કરોડના સોદા, ભાવ આસમાને

PC: twitter.com

ગુજરાતના ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂબંધી હટાવ્યા બાદ પ્રોપર્ટીના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટી ખરીદવા અંગેના કોલ્સની સંખ્યામાં 500 ટકા સુધીનો વધારો થયો છે. તો વળી એક ઓફિસની કિંમત અનેક ગણી વધીને હવે કરોડોમાં પહોંચી ગઈ છે.

ગુજરાતના ગાંધીનગરમાં સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂના સેવનને મંજૂરી આપવામાં આવ્યા પછી પ્રોપર્ટીના ભાવ આસમાને પહોંચી ગયા છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીની પૂછપરછ (ખરીદી અને વેચાણ)માં 500 ટકાનો વધારો થયો છે, જ્યારે માત્ર પાંચ દિવસમાં ગિફ્ટ સિટીમાં રૂ.500 કરોડથી વધુની પ્રોપર્ટીની ડીલ થઈ છે. 886 એકરમાં ફેલાયેલા ગિફ્ટ સિટીમાં, ગુજરાત સરકારે શરતો સાથે અહીં કામ કરતા કર્મચારીઓને અને અધિકૃત મુલાકાતીઓને દારૂ પીવા માટે પરવાનગી આપી છે. આ માટે ગિફ્ટ સિટીમાં હોટલ, રેસ્ટોરન્ટ અને ક્લબ ખોલવામાં આવશે. જ્યાં કર્મચારીઓ અને સ્ટાફ સાથે મુલાકાતીઓ દારૂ પીવાની મજા માણી શકશે. સરકારના આ નિર્ણય પછી ગિફ્ટ સિટીની પ્રોપર્ટી અંગે રેકોર્ડબ્રેક પૂછપરછ સામે આવી રહ્યા છે.

ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક સિટી (GIFT)માં દારૂ પર પ્રતિબંધ ઉઠાવ્યા પછી તે રિયલ એસ્ટેટ સેક્ટરમાં હોટ ફેવરિટની યાદીમાં આવી ગયું છે. ઈન્ટરનેશનલ ફાઈનાન્શિયલ સર્વિસ ઓથોરિટીના સૂત્રોએ જણાવ્યું છે કે, છેલ્લા પાંચ દિવસમાં છેલ્લા 11 વર્ષમાં ગિફ્ટમાં આટલી મોટી ડીલ એક સાથે થઈ નથી. લિકર પર છૂટ આપ્યા પછી ગિફ્ટ સિટીમાં 500 કરોડની કિંમતના કોમર્શિયલ અને રિયલ એસ્ટેટના 300 યુનિટનો વ્યવહાર થયો છે. પ્રોપર્ટીની માંગમાં 500 ટકાનો વધારો થયો છે. LICએ મોટી ઓફિસ ખોલવાની જાહેરાત કરી છે. ગિફ્ટ સિટીમાં પ્રોપર્ટીના સોદા માટે પૂછપરછમાં વધારો થવાનું એક કારણ એ છે કે, અહીંના પ્રોપર્ટીના દર જાન્યુઆરી મહિનામાં સુધારવામાં આવે તેવી અપેક્ષા છે. જેમાં રહેણાંક અને કોમર્શિયલ બંનેનો સમાવેશ થાય છે.

ગિફ્ટ સિટીમાં હાલમાં 18 ટાવર કાર્યરત છે, 30 ઇમારતો પૂર્ણ થઈ ચૂકી છે અને 14 ટાવર આયોજનના તબક્કામાં છે. ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ ઓથોરિટીએ 22 મિલિયન ચોરસ મીટર ફાળવ્યા છે. ફૂટના વિકાસ અધિકારો વેચાઈ ગયા છે. ગિફ્ટ સિટીની માંગ વધ્યા પછી હવે અહીં પોલીસ ચોકીની જગ્યાએ મોટું પોલીસ સ્ટેશન બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આગામી મહિને યોજાનારી વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં ગુજરાત સરકાર ગિફ્ટ સિટીને પ્રોત્સાહન આપશે. આ સમયગાળા દરમિયાન 1000 કંપનીઓના અધિકારીઓ ગિફ્ટ સિટીની મુલાકાત લે તેવી શક્યતા છે. ગિફ્ટ સિટીમાં ટ્વિસ્ટેડ ટાવર પણ બાંધવામાં આવનાર છે. તેનું કામ ટૂંક સમયમાં શરૂ થવાની આશા છે. તો એક ઓફિસની કિંમત અનેક કરોડ સુધી પહોંચી ગઈ છે. પ્રતિબંધ હટાવાયો તે પહેલા એક ઓફિસની કિંમત 70-80 લાખ રૂપિયાથી શરૂ થતી હતી. ગિફ્ટ સિટી દેશનું પ્રથમ સ્માર્ટ સિટી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp