ગુજરાતના આ શહેરમાં નવરાત્રિના ખૈલેયાઓ માટે ડોકટરોએ જાહેર કરી ગાઇડલાઇન્સ

PC: gujaratexpert.com

ગુજરાતના સૌથી લોકપ્રિય ઉત્સવ નવરાત્રિનો 15 ઓક્ટોબરથી પ્રારંભ થવાનો છે અને ખૈલેયાઓમાં ઘણા સમયથી થનગનાટ શરૂ પણ થઇ ગયો છે, પરંતુ આ વખતે યુવાનોમાં વધી રહેલા હાર્ટ એટેકની ચિંતા પણ જોવા મળી રહી છે. છેલ્લાં કેટલાંક સમયથી ક્રિક્રેટ રમતા રમતા, લગ્નમાં ડાન્સ કરતા કરતા કે ગરબાની પ્રેકટીસ કરતી વખતે યુવાનોના હાર્ટ એટેકને કારણે મોત થયા છે, ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિયેશનું એક સરાહનીય પગલું સામે આવ્યું છે. જે ગુજરાતના બીજા શહેરોમાં પણ લાગુ કરવા જેવું છે.

 અમદાવાદ મેડિકલ એસોસિયેશને ખૈલેયાઓ અને આયોજકો માટે નવરાત્રિના તહેવાર દરમિયાન ધ્યાનમાં રાખવા માટે કેટલીક ગાઇડલાઇન્સ જાહેર કરી છે. જેમાં શું કરવું અને શું ન કરવુ તેની સૂચના આપવામાં આવી છે.

છેલ્લાં દશેક દિવસમાં ગુજરાતમાં ગરબાની પ્રેકટીસ કરતી વખતે 3 યુવાનોના હાર્ટ એટેકથી મોત થયા હતા, ત્યારથી એવી માંગ કરવામાં આવી રહી હતી કે, આયોજકોએ મેડિકલ ઇમરજન્સી સેવા અને તબીબોની વ્યવસ્થા સાથે રાખવી જોઇએ જેથી ખૈલેયાઓને તાત્કાલિક સારવાર આપી શકાય

અમદાવાદ મેડિકલ એસોસિયેશને બહાર પાડેલી ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિમાં અમદાવાદની 26 ખાનગી હોસ્પિટલના તબીબો સેવા આપશે. સાથે એસોસિયેશને એવી પણ વિનંતી કરી છે કે, જેમને પહેલેથી હાર્ટનો પ્રોબ્લેમ હોય તેવા વ્યક્તિ ગરબા રમવાનું ટાળે, ઉપરાંત એકધારા ગરબા રમવાથી પણ દુર રહેવું જોઇએ,ગરબા રમતા પહેલાં એક વાર ડોકટરની સલાહ જરૂર લેજો.

અમદાવાદ મેડિકલ એસોસિયેશને જે ગાઇડલાઇન્સ બહાર પાડી છે તેની વિગત જાણી લઇએ. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે, જે લોકો નિયમીત કસરત ન કરતા હોય તેવા 40થી વધારે વયના ખૈલેયાઓના પરિવારમાં જો પહેલેથી ડાયાબીટિસ, બ્લડ પ્રેશર, હાર્ટ એટેકની સમસ્યાનો ઇતિહાસ હોય તેમણે ગરબા રમતા પહેલા ડોકટરો પાસે તપાસ કરાવી લેવી.

જો ગરબા રમતી વખતે તમને ચક્કર આવે અથવા છાતીમાં સહેજ પણ દુખાવાનો અનુભવ થાય, માથું દુખવા માંડે, ઉલ્ટી થાય, પરસેવા સાથે ગભરામણ થાય તો સૌથી પહેલાં ગરબા રમવાનું બંધ કરીને શાંતિથી બેસી જજો.

ખૈલેયાઓ દિવસમાં ઓછામાં ઓછું 3 લીટર પાણી પીએ, ગરબા રમતી વખતે વારંવાર લીંબુ પાણી અને જ્યુસ પીએ.

નવરાત્રિના દિવસોમાં કેળા, નારિયેળ પાણી, પોટેશ્યિમ અને મેગ્નિશિયમ વાળો ખોરાક ખાવા પર ધ્યાન આપે

ગરબા રમતા પહેલા મહેરબાની કરીને પેટભરીને ભોજન કરતા નહીં.

જો ગરબા રમતા રમતા કોઇ તકલીફ લાગે તો સંકોચ રાખ્યા વગર નજીકના વ્યકિતને જાણ કરજો.

શક્ય હોય તો ગરબા રમતા પહેલાં ખૈલેયાઓ તેમનો ઇકો અને TMT રિપોર્ટ કરાવી લે.

આયોજકો માટે ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે આયોજનના સ્થળે તબીબોની વ્યવસ્થા રાખવી

જ્યાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું તેની એકદમ નજીકની હોસ્પિટલ સાથે જોડાણ કરવું જેથી ઘટના બને તો તરત હોસ્પિટલની મદદ મળી શકે.

ગરબાના સ્થળે સપોર્ટ સ્ટાફ, સુરક્ષાકર્મી, બાઉન્સરોને CPRની ટ્રેનિંગ આપવી.

સાથે જ નવરાત્રિ દરમિયાન નિયમિત દવા લેવી અને ડોક્ટરોની સલાહ મુજબ ગરબા રમવા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp