ગુજરાત HCમાં આરોપીઓને જામીન અપાતા ફરિયાદી દંપતીએ જજ સામે ફિનાઈલ પીધી

PC: lawtrend.in

ગુજરાત હાઇકોર્ટમાં ન્યાયાધીશ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ભરી કોર્ટમાં દંપતી સહિત 4 લોકોએ ફિનાઇલ ગટગટાવી લેતા વકીલો દૂર હટી ગયા હતા. જ્યારે પોલીસે આવીને ચારેયને અટકાવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેઓ ફિનાઇલ પી ચૂક્યા હતા. હાલમાં ચારેય લોકોને સારવાર માટે હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચારેય લોકોની ઓળખ શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ (ઉમર 52 વર્ષ), જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ (ઉંમર 50 વર્ષ, રહે. C/504, કેશવ પ્રીય હોમ્સ નિકોલ, અમદાવાદ), હાર્દિકભાઈ અમ્રતભાઈ પટેલ (ઉંમર 24 વર્ષ, રહે. 1, ઉમિયાનગર ઘાટલોડિયા, અમદાવાદ), મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ (ઉંમર 41 વર્ષ, રહે. 443/2634, શુભલક્ષ્મીનગર સોસાયટી, જનતાનગર ચાંદખેડા, અમદાવાદ)ના રૂપમાં થઇ છે.

 

ફિનાઇલ પીતા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ચારેયને હૉસ્પિટલ લઇ જવાયા હતા, જ્યારે જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતા રહેતા સુનાવણી અટકી હતી. પોલીસ દ્વારા ત્યારબાદ પંચનામા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે ફિનાઈલની બોટલ, ઢાંકણું, ચપ્પલ સહિતની વસ્તુઓ કબજે કરી છે. ત્યારે દંપતી સહિત ચારેય લોકો ફિનાઇલ લઈને કોર્ટ રૂમમાં કેવી રીતે પહોંચ્યા એ મોટો પ્રશ્ન છે ઊભો થયો છે. આત્મહત્યાનો પ્રયાસ કરનારાઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકે લોનના નામે ફ્રોડ કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ફરિયાદ બાદ બેંકના જનરલ મેનેજર અને મેનેજર સહિત કર્મચારીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી.

ધંધા માટે લીધેલી મોર્ગેજ લોન પાસ થયા બાદ પણ લોનની રકમ ન મળતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. લોનની રકમ બેંકના જનરલ મેનેજર અને મેનેજર ઓળવી ગયાનો ફરિયાદમાં નોંધાવ્યું હતું. શૈલેષભાઈ અને તેની પત્ની જયશ્રીબેને ખાડિયામાં આનંદનગર આસ્ટોડિયામાં આવેલી કલર મર્ચંન્ટ્સ બેંકમાંથી લોન મેળવવા માટે કાર્યવાહી કરી હતી. તેમની લોન મંજૂર થઈ ગઈ હતી, પરંતુ બેંક મેનેજર અને લોન કન્સલ્ટન્ટે સાથે મળી આ લોનનાં નાણાં બારોબાર ઉપાડી લીધા હતા, આથી દંપતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467 હેઠળ લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.

આથી આરોપીઓએ નામદાર ગુજરાત હાઇકોર્ટમાં CR.M.A. નંબર 3140/2023/2346/2023, 6137/2023થી આગોતરા જામીન અરજી દાખલ કરી હતી, જેમાં આરોપીઓના જામીન ગુજરાત હાઇકોર્ટે મંજૂર કરતા ચારેય લોકોએ કોર્ટરૂમમાં ફિનાઈલ પી લીધું હતું. હાલમાં બધાની સોલા સિવિલ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. ચારેયની તબિયત હાલમાં સારી છે અને સંપૂર્ણ ભાનમાં છે.

આ મામલે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનના PI જિજ્ઞેશ અગ્રાવતે જણાવ્યું હતું કે, જે વ્યક્તિએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે તે લોકોએ અગાઉ બેંકમાંથી લોન લીધી હતી, પરંતુ લોનની રકમ વચેટિયા ખાઈ જતા તેમણે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. આ અંગે આગોતરા જામીન અરજી હાઇકોર્ટમાં આજે ચાલી રહી હતી. એમાં આરોપીઓના જામીન મંજૂર થઈ જતા દંપતીને દુઃખ થયું હતું અને ત્યાં જ દવા ગટગટાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલમાં બંનેને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp