ચૂંટણી ગઈ એટલે માસ્કના દંડની ઉઘરાણી શરૂ, જાણો અમદાવાદમાં કેટલા લોકો દંડાયા

PC: youtube.com

રાજ્યમાં 6 મહાનગરપાલિકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે. 6 મહાનગરપાલિકાની અંદર ભાજપે પોતાની સત્તા સ્થાપિત કરી છે. 6 મહાનગરપાલિકા કબજે કરતા ભાજપના કાર્યકર્તાઓ આગેવાનો અને પદાધિકારીઓમાં ખૂબ જ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ચૂંટણી પ્રચાર સમયે રાજ્યની પોલીસ દ્વારા એક પણ પાર્ટીના કાર્યકર્તા, નેતા કે, પછી ઉમેદવારને સામાજિક અંતર કે પછી માસ્કના નિયમનો ભંગ કરવા બદલ દંડ કર્યો ન હતો પરંતુ જેવી ચૂંટણી પૂરી થઇ અને 6 મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ આવ્યું એટલે પોલીસે ફરીથી પોતાનો અસલી રંગ બતાવવાનું શરૂ કરી દીધું અને જાણે નિયમો માત્ર જનતા માટે જ હોય તે પ્રકારે દંડની કાર્યવાહી શરૂ કરી દીધી છે. એક તરફ ભાજપને 6 મહાનગરપાલિકાની સત્તા મળી અને બીજી તરફ લોકોના ખિસ્સામાંથી દંડના રૂપિયાની વસૂલાત થવા લાગી.

ચૂંટણી પ્રચાર દરમિયાન જો રાજ્યની પોલીસ કે, પછી વહીવટીતંત્રએ નેતાઓ પાસેથી, રેલીઓ અને સભામાં જોડાયેલા કાર્યકર્તાઓ પાસેથી માસ્ક ન પહેરવા બદલ દંડની વસૂલાત કરી હોત તો માત્ર ચૂંટણી પ્રચારના ગણતરીના દિવસોમાં જ રાજ્ય સરકારને કરોડો રૂપિયાની આવક માસ્કના દંડમાથી થઈ હોત પરંતુ તંત્રને નેતાઓ સામે કાર્યવાહી કરવી જ નથી માત્ર જનતા પાસેથી દંડ વસૂલાત કરવી છે એટલે ચૂંટણી પૂર્ણ થયાના બીજા દિવસે અમદાવાદમાં માસ્ક વગર ફરતા 63 લોકોને પોલીસે પકડ્યા હતા અને તેમની પાસેથી 1-1 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરી હતી.

અમદાવાદના ચૂંટણીના બીજા દિવસે પોલીસ દ્વારા 63 હજાર રૂપિયાના દંડની વસૂલાત કરવામાં આવી છે પરંતુ નેતાઓની રેલીઓમાં એક પણ વ્યક્તિને નિયમનું પાલન કરાવવામાં આવ્યું નથી. અમદાવાદમાં ભાજપની ભવ્ય જીત બાદ રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં ભાજપના આગેવાનો નેતાઓ માસ્ક વગર જોવા મળ્યા હતા પરંતુ રેલીના બંદોબસ્તમાં રહેલી પોલીસ ચૂપચાપ નજારો જોયા કરતી હતી.

મહત્ત્વની વાત કહી શકાય કે, મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે પોલીસે બંદોબસ્તમાં હોવાનું બતાવીને 21 ફેબ્રુઆરીના રોજ ચૂંટણીના દિવસે માસ્ક વગર ફરતા માત્ર 4 લોકોની પાસેથી દંડ વસૂલાત કરી હતી. આ ઉપરાંત કોર્પોરેશનની ચૂંટણીના દિવસે અને મતગણતરીના દિવસે અમદાવાદમાં અલગ-અલગ જગ્યા ઉપર પોઇન્ટ પર પોલીસ દ્વારા લોકોને દંડ કરવામાં આવતો હતો તે તમામ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp