હર્ષ સંઘવી સતત 2 બીજા દિવસે વડોદરા પહોંચ્યા, ગૃહ મંત્રી બોલ્યા-આ જિદ્દ મને...

PC: x.com/sanghaviharsh

અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ એ અગાઉ મેઘરાજાનું તાંડવ જોવા મળ્યું હતું, જેના કારણે ઘણા શહેરોમાં પાણી ભરાવાના સમાચાર સામે આવ્યા હતા. વડોદરા પણ જળબંબાકાર થઈ ગયું હતું. પૂરના સંકટ બાદ વડોદરાને ફરી ધબકતું કરવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી શુક્રવારે રાત્રે વડોદરા પહોંચ્યા હતા અને મોડી રાતથી વહેલી સવાર સુધી તેમણે ઘણા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વડોદરાના કાલાઘોડા બ્રિજની પણ મુલાકાત લીધી હતી.

હર્ષ સંધવીએ વડોદરા મહાનગર પાલિકાની વિવિધ ટીમો દ્વારા કરવામાં આવતી સફાઇ તથા અન્ય કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું, સાથે ઝોનલ મીટિંગ યોજી હતી. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આજે રાત્રેથી વહેલી સવાર સુધી વડોદરા શહેરની ગલીએ ગલીએ, બધા જ મુખ્ય માર્ગે જવાનું થયું. તમામ દિશામાં વડોદરાના શહેરીજનોએ ભારે પૂરનો સામનો કર્યો છે. અનેક દિવસ સુધી સૌએ એક થઇને મુશ્કેલ સમયમાં એક-બીજાનો સહયોગ કર્યો હતો. વડોદરાના નાગરિકોને મળવાનું થયું. આપણા વડોદરા શહેરના મુશ્કેલ ઘડીનો સામનો કરીને આજે દિવસ-રાત એક કરીને સફાઇકર્મચારીઓએ મુખ્ય માર્ગો ગણતરીના કલાકોમાં ચોખ્ખા કર્યા, હવે કચરાના ઢગલાઓ સાફ કરવા મોટે ટીમો કામે લાગી છે.

રાજ્યના ગૃહમંત્રીએ કહ્યું હતું કે વડોદરામાં આખી રાત સફાઈકર્મીઓ, વિવિધ પાલિકાની ટીમો કામે લાગી છે. મોટા ભાગનો કચરો દૂર કરવામાં સફળતા મળી છે. આજે મેં ઝોન વાઇઝ મીટિંગ કરી હતી, સૌ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓને મળ્યો છું. સોસાયટીઓની ફરિયાદ આવતી હતી, એની વ્યવસ્થા કરાવી છે, આ બધી જ વ્યવસ્થા સુચારુ ઢંગે થાય, વડોદરા એકદમ ચોખ્ખું શહેર ક્યારે ન જોયું હોય એટલું ચોખ્ખું થાય એ માટે વિસ્તારથી પ્લાનિંગ અને મીટિંગ કરવામાં આવી છે. શહેરના રસ્તાઓનું મેં નિરીક્ષણ કર્યું છે.

સંઘવીએ કહ્યું કે, રસ્તા પરના નાના-મોટા ખાડા દૂર કરવા, રસ્તા પર પડેલાં ઝાડ દૂર કરવાની કામગીરી પણ ચાલી રહી છે. આ બધી જ કામગીરી આખી રાત ચાલી છે. તમામને ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે. સફાઈકર્મચારીઓને વંદન કર્યા છે. હજું 2 દિવસ સુધી આખી ટીમ કામ કરશે અને આખા વડોદરાને ચોખ્ખું કરવાનો સંકલ્પ લીધો છે. તેમણે જણાવ્યું હતું કે આજે સવારથી 29 જોડી DC રેટિંગ, 25 જેટિંગ મશીન, 19 સેક્શન મશીન, 5 સેટ સુપર સેક્શન મશીન, 3 રિસાઇકલર મશીન, 130 JCB મશીન, 167 હાઇવા ટ્રક ડમ્પર, 214 જેટલાં ટ્રેક્ટરના ઉપયોગથી રાત્રે 12:00 વાગ્યા સુધીના 24 કલાકમાં 19 વોર્ડમાં 1800 મેટ્રિક ટન કચરો ઉપાડી લેવાયો છે.

મોટાભાગનો વિસ્તાર ચોખ્ખા કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. હું કાલે જે વિસ્તારમાં ગયો હતો ત્યાં ફરી એ વિસ્તારમાં ગયો હતો. જે લોકોનો કાલે મળ્યો હતો તેમને આજે ફરી મળ્યો છું. રસ્તામાં જે કોઇ ફરિયાદ મળી હતી, તેમના ઘરે ટીમ મોકલવામાં આવી છે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે આખી ટીમની વિભિન્ન જવાબદારી ઝોન પ્રમાણે લીધી છે. કાલની આખી રાત સુધી કામ કરવું પડે તો પણ આખું વડોદરા સંપૂર્ણ સ્વચ્છ થાય એ માટેની યોજના બનાવી છે.

તેમણે કહ્યું કે, કાલનો સર્વે ચાલુ થઇ ગયો છે. વડોદરા શહેર અવ્વલ કઇ રીતે બને એ માટે ટીમો અને મશીનરી કામે લાગી છે. પૂરગ્રસ્ત વડોદરાની કોઈ ગલી એવી નહીં હોય, જ્યાં કોઈ કામ નહીં કરતું હોય. લોકોએ કરેલી રજૂઆત મામલે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ આપણા લોકો છે, તેમને પડેલી તકલીફ આપણને નહીં કહે તો કોને કહેશે? તેમણે વધુમાં કહ્યું કે, જેમના પર વિશ્વાસ હોય તેમને તકલીફ જણાવશે.

તેમણે કહ્યું કે, લોકોને મળ્યા છીએ, તેમની તકલીફ જાણી છે, ખુલ્લા મને મળ્યા છીએ, અંત સુધી વધુમાં વધુ લોકોને સાંભળીશું. અમે તેમના છીએ અને તેઓ અમારા છે. તેમણે તકલીફ ભોગવી છે તો એ જરૂરથી કહેશે, અમારે સાંભળવાનું છે અને રસ્તો કાઢવાનો છે, એ માટે એક રાત નહીં, રાતોની રાત જાગીશું. વડોદરાને જે જોઇશે એ બધું જ મળશે. વડોદરાના વિકાસના કોઇ પણ કામો નહીં રોકાય. કોઇ કચાશ રહી ગઇ હશે એ પૂર્ણ કરાશે.

હર્ષ સંધવીએ વધુમાં જણાવ્યું હતું કે સુરતમાં જ્યારે પ્લેગ આવ્યો ત્યારે સરકારે અને આપણા લોકોએ સાથે મળીને કામગીરી કરી અને નંબર 1 બનાવ્યું. વડોદરાને પણ નંબર 1 બનાવીશું. કોઇ રોકી નહીં શકે, સાથે મળીને અમે બધાયે સંકલ્પ લીધો છે. ખૂણે ખૂણે શું શું જરૂરી છે, હજું વધારે શું કરી શકીએ, વડોદરામાં આ વર્ષે 1500 સફાઇકર્મીઓની ભરતી થઇ, બધી જ રીતે તૈયાર છીએ. વડોદરાના વિકાસ માટે ગયા અઠવાડિયે રિંગ રોડ માટે 300 કરોડ મંજૂર કરવામાં આવ્યા હતા, કાલે મુખ્યમંત્રીએ વિશ્વામિત્રી રિવર રિડેવલપમેન્ટ માટે 1,200 કરોડ રૂપિયાની જાહેરાત કરી છે.

પ્રોજેક્ટને પૂરો કરવા માટે જે કંઇ જરૂરિયાત હશે એ પૂરી કરવામાં આવશે. આવા કપરા સમયે કોઇએ રાજનીતિ ન કરવી જોઇએ. મુશ્કેલ સમયમાં એકબીજાને સહયોગ કરવો જોઇએ એ ગુજરાતીઓના સ્વભાવમાં છે. અમદાવાદ અને સુરત મહનગરપાલિકાઓએ જે લોકોને મોકલ્યા છે તેઓ કામ કરી રહ્યા છે. પાલિકા કોઇને કામ પર રાખે અને કોઇ વ્યક્તિ કહેતી હોય કે ચીટિંગ થયું છે તો એવી વ્યક્તિની માહિતી લાવો, આ રીતે રાજનીતિ કરીને લોકોને ગેરમાર્ગે દોરે એ યોગ્ય છે?

તેમણે જણાવ્યું કે, આવા મુશ્કેલ સમયમાં આવી રાજનીતિ કરવાની? કોર્પોરેટરોનો ખરેખર આભાર માનું છું. સફાઇકર્મચારીઓની સાથે ખભા સાથે ખભા મળાવીને કામ કર્યું છે. મને લાગે છે કે કોર્પોરેટરોએ નક્કી કરી લીધું છે કે વડોદરાને ગુજરાતમાં નહીં, પણ દેશમાં નંબર 1 કેવી રીતે બનાવવું. આવી જિદ્દ કોર્પોરેટરોમાં હોવી જોઇએ. તેમનામાં આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોર્પોરેટરોમાં આ જિદ્દ મને 2 દિવસમાં તમામ જોવા મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp