સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજોઃ દર્શના જરદોશ
વલસાડ જિલ્લામાં કપરાડાના ખરેડી અને મોટી વહિયાળ ખાતે ભારત સરકારના રેલવે અને ટેક્સટાઇલ વિભાગના રાજ્યમંત્રી દર્શના જરદોશની અધ્યક્ષતામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના કાર્યક્રમો યોજાયા હતા. સંકલ્પ યાત્રા રથનું તેમણે પૂજા વિધિ સાથે સ્વાગત કરી ઉપસ્થિત સૌએ વિકસિત ભારતના શપથ લીધા હતા. ગ્રામીણ કક્ષાએ અને ટ્રાઇબલ તાલુકામાં વધારાની પાંચ યોજનાઓ મળી કુલ 17 યોજનાની માહિતી 10 સ્ટોલ દ્વારા નાગરિકોને આપવામાં આવી હતી તેમજ નવા લાભાર્થીઓની નોંધણી પણ કરવામાં આવી હતી. તેમણે સ્ટોલની મુલાકાત લઇ માહિતી મેળવી હતી.
તેમણે જણાવ્યું હતું કે, PM માટે આ દેશની પ્રજા જ તેમનો પરિવાર છે. તેમણે પ્રજાના લોકકલ્યાણ અને જન સુખાકારી માટે નાની નાની દરેક યોજનાઓનું ધ્યાન રાખ્યું છે. ત્યારે આપણે ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’’નો સંકલ્પ લઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન આપવુ જોઈએ. આપણે આપણી સાંસ્કૃતિક વિરાસતને ભૂલી રહ્યા છે જેના કારણે જનજીવનને અસર થઈ રહી છે. સાંસ્કૃતિક વિરાસતને જાળવી રાખવા માટે પ્રકૃતિ સાથે જોડાવા તેમણે આહવાન કરી જણાવ્યું કે, પૃથ્વીનું તાપમાન વધતા સમગ્ર દુનિયા કલાઈમેટ ચેન્જની સ્થિતિનો સામનો કરી રહી છે ત્યારે સોલારનો ઉપયોગ અને પ્રાકૃતિક ખેતી હિતાવહ છે. વધુમાં તેમણે આવાસ યોજના, પીએમજેએવાય, જન ઔષધી યોજના, અન્ન સહાય યોજના, ઉજ્જવલા યોજના, સગર્ભા માતા અને બાળકો માટે પૌષ્ટિક આહાર, આદિવાસી બાંધવોને જમીનના હકકો, એકલવ્ય સ્કૂલ, સિકલસેલની તપાસ અને નલ સે જલ સહિતની યોજના વિશે માહિતી આપી હતી. વધુમાં તેમણે લોકોને કહ્યું કે, આ રથ દ્વારા સરકાર ખુદ તમારે આંગણે આવી છે, જેથી સરકારની યોજનાઓનો લાભ લેજો કોઈ વંચિત ન રહી જાય તે માટે સૌ જાગૃત બનજો એવી અપીલ કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોડાયા અનુરોધ કર્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલે યાત્રાનો હેતુ સમજાવતા જણાવ્યું કે, સરકારની અનેકવિધ યોજના લોકો માટે છે પણ જાણકારીના અભાવે લાભ લઇ શકતા નથી જેથી લોકો વિવિધ યોજનાથી વાકેફ થાય અને લાભ લે તે માટે આ રથ ગામે ગામ ભ્રમણ કરી રહ્યો છે. વલસાડના ધારાસભ્ય ભરત પટેલે પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું.
આયુષ્યમાન ભારત યોજના, આત્મા પ્રોજેકટ અને PM આવાસ યોજનાના લાભાર્થીઓએ યોજનાના લાભ બાદ પોતાના જીવનમાં આવેલા બદલાવની કહાની રજૂ કરતી સાફલ્ય ગાથા કહી હતી. તેમના હસ્તે PM આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસની ચાવી, ઉજ્જવલા યોજના, ગરીબ કલ્યાણ અન્ન યોજના, આયુષ્યમાન ભારત યોજના અને PM પોષણ અભિયાન યોજનાના લાભાર્થીઓને કીટ આપવામાં આવી હતી. સફળતાપૂર્વક પ્રાકૃતિક ખેતી કરવા માટે ખેડૂતોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. ખરેડી ગામે 257 પુરૂષ અને 238 મહિલા મળી કુલ 495 જ્યારે મોટી વહીયાળ ગામમાં 267 પુરૂષ અને 234 મહિલા મળી કુલ 501 લાભાર્થીએ સ્થળ પર સરકારની વિવિધ યોજનાઓનો લાભ મેળવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp