ગુજરાતમાં મ્યુકોરમાઈકોસિસના કહેરથી જાણો અત્યારસુધીમાં કેટલા લોકોએ જીવ ગુમાવ્યો

PC: zeenews.com

રાજ્યમાં કોરોનાની બીજી લહેર દરમિયાન પોઝિટિવ કેસોની સંખ્યામાં ખૂબ જ વધારો થયો હતો તો કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના કેસોમાં પણ વધારો થયો હતો. કોરોનાની સારવાર લીધા બાદ ડાયાબિટીસ, હાઇબ્લડપ્રેશર જેવી બીમારીથી પીડાતા દર્દીઓ પર મ્યુકોરમાઇકોસિસ નામના રોગનો ખતરો વધુ હતો. રાજસ્થાન સરકાર દ્વારા મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કર્યા બાદ ગુજરાત સરકાર દ્વારા પણ મ્યુકોરમાઇકોસિસને મહામારી જાહેર કરવામાં આવી હતી. ત્યારે ગુજરાતમ મ્યુકોરમાઇકોસિસના દેશમાં સૌથી વધારે કેસ મામલે બીજા નંબર પર આવે છે. કોરોનાની બીજી લહેર દરમિયાન રાજ્યમાં હોસ્પિટલોમાં બેડની અછત વર્તાઈ હતી. કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતા ઇન્જેક્શનની અછત વર્તાઈ હતી અને ઓક્સિજનની પણ અછત સામે આવી હતી. તો બીજી તરફ મ્યુકોરમાઇકોસિસની સારવાર માટે ઉપયોગમાં આવતા ઇન્જેક્શનની પણ ઘટ હોવાનું સામે આવ્યું હતું.

સરકારના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રાજ્યમાં કોરોનાની સારવાર લીધા બાદ છેલ્લા બે મહિનામાં 6,731 દર્દીઓને મ્યુકોરમાઇકોસિસ થયો હતો. 6,731 દર્દીઓમાંથી 652 દર્દીઓના સારવાર દરમિયાન મોત થયા હતા. સાથે સરકારે એવી પણ માહિતી જણાવી છે કે, 4,572 દર્દીઓ સારવાર લઈને સ્વસ્થ થયા છે અને હાલ મયુકોરમાઇકોસિસના નવા કે સામે આવી રહ્યા નથી. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આવેલી ડેન્ટલ હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલમાં 120 કરતા વધારે દર્દીના મોત થયા હતા અને ડેન્ટલ હોસ્પિટલમાં 275 કરતા વધુ દર્દીના દાંત, દાઢ અને જડબા કાઢી લેવા પડ્યા હતા. તો બીજી તરફ અમદાવાદ સિવિલમાં જ 990 જેટલા દર્દીઓને સર્જરી કરવી પડી હતી. આ આંકડા 10 મે 2021થી 9 જુલાઈ 2021 સુધીના છે.

તો રાજ્યમાં હજુ પણ 800 જેટલા દર્દીઓ મ્યુકોરમાઇકોસિસની સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત સરકારી રિપોર્ટ અનુસાર સમગ્ર દેશમાં બે મહિનાના સમયમાં મયુકોરમાઇકોસિસના કારણે 4332 દર્દીના મોત થયા છે. જેમાં સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે અને ત્યારબાદ ગુજરાતનો નંબર આવે છે. મહારાષ્ટ્રમાં મ્યુકોરમાઇકોસિસના કારણે 1129 લોકોના મોત થયા છે. ગુજરાતમાં 656 લોકોના મોત થયા છે. તામિલનાડુમાં 334, કર્ણાટકમાં 310 અને આંધ્રપ્રદેશમાં 254 લોકોના મ્યુકોરમાઇકોસિસની સારવાર દરમિયાન મોત થયા છે.

મહત્ત્વની વાત છે કે, હાલ રાજ્યમાં મ્યુકોરમાઇકોસિસના નવા કેસ ન આવતા હોવાના કારણે આરોગ્ય વિભાગે પણ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાતમાં બ્લેક ફંગસની સાથે-સાથે વ્હાઇટ ફંગસના કેસ પણ સામે આવ્યા હતા. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp