પરપ્રાંતિયો પાસેથી ટ્રેન ટિકિટના નામે ધૂમ રૂપિયા ઉઘરાવનારાને લોકોએ જ પકડી લીધા

PC: economictimes.com

લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતિયોની મજબૂરીનો ગેરલાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્ત્વો દ્વારા ટિકિટ અપાવવાને બહાને ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પાંડેસરાના મહાદેવનગરમાં રહેતા બે યુવાનોએ અનેક લોકો પાસે ઉત્તરપ્રદેશ મોકલવાને બહાને રેલવેની એક ટિકિટ દીઠ રૂપિયા 2800 લેખે મોટી રકમ ખંખેરી લીધા બાદ ટિકીટ નહીં આપી તેમની સાથે છેતરપિંડી કરી હતી. 

પૈસા આપવા છતાંયે ટિકિટ નહીં મળતા તેમની ઠગાઈનો ભોગ બનેલા લોકોએ રવિવારે રાત્રે ચીટરોના ઘરે હોબાળો મચાવી બન્નેને પકડી પાડ્યા હતા અને પાંડેસરા પોલીસના હવાલે કર્યા હતા. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કરી બંને ચીટરોની ધરપકડ કરી છે. પાંડેસરાના ગુજરાત હાઉસિંગ બોર્ડ, મહાદેવનગરમાં રહેતા દિનાનાથ મોર્ય અને વિનય મોર્ય દ્વારા લોકડાઉનમાં ફસાયેલા ઉત્તરપ્રદેશના શ્રમિકોને તેમના વતન જવા માટે રેલ-વે ટિકિટ કઢાવી આપવાને બહાને અનેક લોકો પાસે પૈસા ઉઘરાવાયા હતા. ચીટરોએ એક રેલવે ટિકિટના રૂપિયા 2800 લીધા હતા.

આ રીતે ચીટરોએ અજય રાજદેવ મોર્યા પાસેથી બે ટિકિટના રૂપિયા 5600, વિશાલ અમરનાથ સરોજ પાસેથી 6 ટિકિટના 16800 સરતાજ મુનીરઅલી ઈદ્રીસી પાસેથી 2 ટિકિટના 5000, ચંદનકુમાર સુરેશકુમાર પાસેથી 3 ટિકિટના 7800, ગંગેલાલ જાખૈરામ નિસાદ પાસેથી 3 ટિકિટના 8400 મળી કુલ રૂ. 43600 ઉઘરાવ્યા હતા. આ ઉપરાંત અન્ય લોકો પાસેથી પણ રેલ-વે ટિકિટના બહાને પૈસા ઉઘરાવ્યા હતા.

દરમિયાન રવિવારે રાત્રે અજય મોર્યા સહિતના અનેક લોકો દિનાનાથ મોર્ય અને વિનય મોર્યના ઘરે ટિકિટ લેવા ગયા હતા ત્યારે બંને જણાએ ટિકિટ નહીં આપી તેમની સાથે ગાળાગાળી કરી ઝપાઝપી કરતા ટોળાએ બંને જણાને પકડી પાડી પોલીસના હવાલે કર્યા હતા. બનાવ અંગે પોલીસે અજય રાજદેવ મોર્ય (રહે, મહાદેવનગર પાંડેસરા)ની ફરિયાદ લઈ બંને જણાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp