દેશમાં કોરોનાની સ્થિતિ ખરાબ થતા PMની હાઇ લેવલ મીટિંગ, આપ્યા આ આદેશ

PC: PIB

ભારત સરકારે જણાવ્યું હતું કે, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે દેશમાં કોરોના મહામારીની સ્થિતિ અંગે ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં હાલમાં ચાલી રહેલી આરોગ્ય માળખાકીય સુવિધાઓ માટેની તૈયારીઓ અને લોજિસ્ટિક્સ, વેક્સીનેશન અભિયાનની સ્થિતિ અને દેશમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનના વધી રહેલા કેસો તેમજ તેના કારણે જાહેર આરોગ્ય પર જોવા મળી રહેલી અસરો વગેરે મુદ્દા પર ખાસ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું હતું.

આરોગ્ય સચિવ દ્વારા એક સમર્પિત પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું જેમાં વૈશ્વિક સ્તરે હાલમાં નોંધાઇ રહેલા કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. ત્યારબાદ ભારતમાં કોરોનાની સ્થિતિ અને માહિતી આપી હતી જેમાં વિવિધ ચિંતાજનક રાજ્યો અને જિલ્લામાં કેસોની સંખ્યામાં થયેલી વૃદ્ધિ અને ઉચ્ચ પોઝિટીવિટી દરના આધારે તેમની સ્થિતિ દર્શાવવામાં આવી હતી. આ ઉપરાંત, રાજ્યોને આગામી સમયમાં આવી રહેલા પડકારોનું સંચાલન કરવા માટે સહાયતા પૂરી પાડવાના સંદર્ભમાં અત્યાર સુધી કેન્દ્ર સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયાસો પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો હતો. કેસોની સર્વોચ્ચ સંખ્યાની વિવિધ અનુમાનિત સ્થિતિઓ પણ દર્શાવવામાં આવી હતી.

સરકારે જણાવ્યું હતું કે, કટોકટી કોવિડ પ્રતિભાવ પેકેજ (ECRP-II) હેઠળ રાજ્યોને આરોગ્ય માળખાકીય સુવિધાઓ અપગ્રેડ કરવાની કામગીરી, ઓક્સિજન અને ICU બેડની ઉપલબ્ધતા અને કોવિડ માટે આવશ્યક દવાઓના વધારાના જથ્થામાં સહાયતા આપવાની પણ રજૂઆત કરવામાં આવી હતી. PMએ જિલ્લા સ્તરે પર્યાપ્ત માત્રામાં આરોગ્ય માળખાકીય સુવિધાઓ સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે અધિકારીઓને આ સંદર્ભે રાજ્યો સાથે સતત સંકલન જાળવી રાખવા માટે પણ જણાવ્યું હતું.

પ્રેઝન્ટેશન દ્વારા વેક્સીનેશન અભિયાન પર ભારતના એકધારા પ્રયત્નો તરફ ધ્યાન દોરવામાં આવ્યું હતું, જેમાં આજદિન સુધીમાં 15-18 વર્ષની ઉંમરના 31% કિશોરોને 7 દિવસની અંદર પહેલો ડોઝ આપવામાં આવ્યો હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. PMએ આ સિદ્ધિની નોંધ લીધી અને કિશોરો માટે વેક્સીનેશન અભિયાનને મિશન મોડમાં વધુ વેગવાન કરવા માટે અનુરોધ કર્યો હતો.

PMએ નિર્દેશ આપ્યો હતો કે, જ્યાં ખૂબ વધારે સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યો હોય તેવા ક્લસ્ટરોમાં સઘન નિયંત્રણ અને એક્ટિવ દેખરેખ ચાલુ રાખવી જોઇએ અને હાલમાં જ્યાં ખૂબ જ વધારે સંખ્યામાં કેસો નોંધાઇ રહ્યા હોય તેવા રાજ્યોને જરૂરી ટેકનિકલ સહાય પૂરી પાડવામાં આવે. તેમણે એ બાબતે પ્રકાશ પાડ્યો હતો કે, મહામારીના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે ન્યૂ નોર્મલ તરીકે માસ્કનો અસરકારક ઉપયોગ અને શારીરિક અંતરના પગલાંનું સુનિશ્ચિતપણે પાલન કરાવવાની જરૂરિયાત છે. PMએ વધુમાં એ બાબતે પ્રોત્સાહન આપ્યું હતું કે, હળવા લક્ષણો ધરાવતા/લક્ષણો ન ધરાવતા કેસો માટે હોમ આઇસોલેશનના અસરકારક અમલીકરણની જરૂરિયાત છે અને મોટા પ્રમાણમાં સમુદાયને વાસ્તવિક માહિતી પ્રસારિત કરવાની જરૂરિયાત છે.

PMએ જણાવ્યું હતું કે, રાજ્યોની વિશિષ્ટ સ્થિતિ, શ્રેષ્ઠ આચરણો અને જાહેર આરોગ્ય પ્રતિભાવ પર ચર્ચા કરવા માટે મુખ્યમંત્રીઓ સાથે બેઠક બોલાવવામાં આવશે. તેમણે વધુમાં, બિન-કોવિડ આરોગ્ય સેવાઓ એકધારી જળવાઇ રહે અને હાલના કોવિડના કેસોનું વ્યવસ્થિત સંચાલન થાય તેની જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લોકોને દૂરથી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન મળી રહે તે માટે ટેલિમેડિસિનનો લાભ ઉઠાવવાની જરૂરિયાત અંગે પણ ચર્ચા કરી હતી.

કોરોનાના વ્યવસ્થાપનમાં આજદિન સુધીમાં આરોગ્ય સંભાળ કર્મચારીઓએ અથાક અને સમર્પણ સાથે સેવાઓ આપી છે તે બદલ PMએ સૌના પ્રત્યે આભારની ભાવના વ્યક્ત કરી હતી અને સૂચન કર્યું હતું કે, આરોગ્ય સંભાળ કર્મચારીઓ, અગ્ર હરોળના કર્મચારીઓ માટે તકેદારીના ડોઝ દ્વારા વેક્સીનેશન કવરેજ સુનિશ્ચિત કરવાની કામગીરી પણ મિશન મોડ પર થવી જોઇએ.

વાઇરસ સતત વિકસી રહ્યો છે તે બાબતને ધ્યાનમાં રાખીને PMએ પરીક્ષણ, રસીઓ અને જીનોમ સિક્વન્સિંગ સહિત ફાર્માકોલોજિકલ હસ્તક્ષેપમાં સતત વૈજ્ઞાનિક સંશોધનના મહત્વ વિશે પણ વાત કરી. આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ભારતી પ્રવીણ પવાર, નીતિ આયોગના સભ્ય (આરોગ્ય) ડૉ. વી.કે. પૌલ, કેબિનેટ સચિવ રાજીવ ગૌબા, ગૃહ સચિવ એ.કે. ભલ્લા, રાજેશ ભૂષણ MoHFW સચિવ, ફાર્માસ્યુટિકલ સચિવ; બાયોટેકનોલોજીના સચિવ ડૉ. રાજેશ ગોખલે; ICMRના DG ડૉ. બલરામ ભાર્ગવ; NHAના CEO આર.એસ. શર્મા; ફાર્માસ્યુટિકલ, ઉડ્ડયન, વિદેશ બાબતોના મંત્રાલયના સચિવ, NDMAના સભ્ય તેમજ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp