કોરોનાની સારવાર દરમિયાન સુરત ભાજપના દિગ્ગજ નેતા નરેન્દ્ર ગાંધીનું નિધન

PC: Youtube.com

સુરતમાં ભાજપના નેતા અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેન્દ્ર ગાંધીનું કોરોનાની સારવાર દરમિયાન અવસાન થયું છે. નરેન્દ્ર ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓને સુરતની મહાવીર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેઓની તબિયત વધુ ક્રિટિકલ થતા તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. છેલ્લા સાત દિવસથી તેઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. સારવાર દરમિયાન નરેન્દ્ર ગાંધીનું મોત થયાના સમાચાર મળતાં સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલા, સાંસદ દર્શના જારદોષ સહિત ભાજપના કોર્પોરેટર અને કાર્યકર્તાઓ મહાવીર હોસ્પિટલ પહોંચ્યા હતા. ભાજપ નેતા અને સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નરેન્દ્ર ગાંધી સુરતની અનેક સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. આ ઉપરાંત તેઓ સુરત પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના પૂર્વ ચેરમેન પણ રહી ચૂક્યા છે. નરેન્દ્ર ગાંધી જનતાની સાથે ખભે ખભો મિલાવીને કામ કરતા હતા. જેથી તેઓ લોકોના ખૂબ જ નજીક ગણાતા હતા. કોરોનાની સારવાર દરમિયાન નરેન્દ્ર ગાંધીનું નિધન થતા સામાજિક અને રાજકીય સંસ્થાઓમાં પણ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.

ભાજપ નેતા નરેન્દ્ર ગાંધીનું કોરોનાથી નિધન થતા સાંસદ દર્શના જરદોશે જણાવ્યું હતું કે, આ મારા માટે અંગત ખોટ શકાય કારણ કે, મને રાજનીતિમાં લાવનાર જ નરેન્દ્ર ગાંધી છે. જ્યારે હું ઇલેક્શન લડતી હતી ત્યારે તેમને જ મને રાજનીતિના પાઠ શીખવ્યા હતા. એટલા માટે આજે મારા જીવનની ન પૂરાય એવી ખોટ પડી છે. કોરોના આવા અમારા અંગત વ્યક્તિને લઈ જશે તેવી અમને કલ્પના પણ નહોતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બાદ સતત કાર્યશીલ રહેતા નરેન્દ્ર ગાંધીની ન પુરાય તેવી ખોટ આજે સુરત ભાજપને પડી છે. નરેન્દ્ર ગાંધીએ ઘરે-ઘરે ભાજપનો સંદેશો પહોંચાડીને લોકોની ખુબ સેવા કરી છે. હું તો એવું કહી શકું કે, તેમને પોતાની તબિયતનું ધ્યાન પણ નથી રાખ્યુ. જેમને પાર્ટી માટે પોતાની જાતને પણ સમર્પિત કરી દીધી હોય એવી આ વ્યક્તિ છે કે, જેમને રાત-દિવસ જોયા વગર મહેનત કરી છે, નાના છોડમાંથી આજે વૃક્ષ બનાવનાર પાયાના ભાજપના કાર્યકર્તાની અમને ખોટ પડી છે.

સુરત ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાલાએ જણાવ્યું હતું કે, હું માનું છું કે સુરતમાં રક્તદાનની પ્રવૃત્તિને વેગ મળ્યો હોય અને જાગૃત્તા લોકોમાં આવી હોય તેના માટે નરેન્દ્ર ગાંધી એક જ નામ કહી શકાય. આ પ્રવૃત્તિ માટે અમે લોકોને જાગૃત કરવા માટે પૈસા એકઠા કરવા માટે કેટરીંગમાં પીરસવા માટે જતા હતા અને તેમાંથી જે પૈસા મળતા તે પૈસામાંથી રક્તદાનની પ્રવૃત્તિ કરવી, ગરીબ વિદ્યાર્થીઓને નોટબુક આપવી જેવી પ્રવૃત્તિ કરતા. આજના ભાજપ પ્રદેશ પ્રમુખ સહિત મારા જેવા ઘણા નેતાઓના પોલિટિકલ ગુરુ કહેવાતા નેતાની આજે અમને ખોટ પડી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp