રજાના દિવસોમાં બહાર નીકળનારાને મ્યુ.કમિશનરનો સંદેશ

PC: Khabarchhe.com

સુરત મહાનગરપાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ તા.22 સપ્ટે.ના રોજ કોરોના બાબતે શહેરીજનોને સંદેશ આપતાં જણાવ્યું હતું કે, હાલ કોરોનાનો રિકવરી રેટ 90 ટકા ઉપર છે, અને મૃત્યુ દર 2.5 ટકા જેટલો છે. બહારના શહેરો અને રાજ્યોમાંથી આવનારા લોકોમાં કોરોના સંક્રમણ વધુ જોવા મળી રહ્યું છે. રેલવે દ્વારા સુરત આવતા લોકોમાં 03 ટકા જેટલો પોઝીટિવીટી રેટ નોંધાયો છે. જયારે ટોલનાકા પર અત્યાર સુધી 19,394 જેટલા ટેસ્ટિંગ કરવામાં આવ્યાં છે. જેમાંથી 380 લોકો કોરોના પોઝિટીવ આવ્યાં છે. પલસાણા ચેકપોસ્ટ પર 95,048 માંથી 81 લોકો પોઝિટીવ મળી આવ્યા છે.

કમિશનરના જણાવ્યા અનુસાર સુરતના નાગરિકો કરતા બહારથી આવતા લોકોમાં વધુ કેસો જોવા મળે છે. હાલ 1,34,000 શ્રમિકો સુરતમાં પરત ફર્યાં છે. ડાયમંડ યુનિટોમાં 9981 ટેસ્ટ કરવામાં આવતાં 329 પોઝિટીવ કેસો આવ્યાં છે. ટેક્ષટાઈલ યુનિટમાં 7660 ટેસ્ટ કરતા 287 પોઝિટીવ આવ્યા છે. તેમણે ટેક્ષટાઈલ ઉદ્યોગમાં અને ટેક્ષટાઈલ માર્કેટમાં સંક્રમણનું પ્રમાણ વધારે હોવાથી આ વિસ્તારના લોકો અને વ્યાપારી તેમજ શ્રમિક વર્ગને વિશેષ કાળજી સાથે સાવધાની રાખવા અનુરોધ કર્યો છે.

સુરત શહેરમાં અત્યાર સુધી સુપરસ્પ્રેડર લોકોને શોધતા હતા હવે તેની સાથે સાથે સુપરસ્પ્રેડીંગ વેન્યુને શોધવામાં આવી રહ્યાં હોવાનું સુરત મનપા કમિશનરે જણાવ્યું છે. ડાયમંડ યુનિટ, ટેક્ષટાઈલ માર્કેટ, મોલ્સ જેવી ભીડભાડવાળી જગ્યાને સુપરસ્પ્રેડીંગ વેન્યુ કહેવાય છે.

શહેરના લોકો મેરેજ, બર્થડે સેલિબ્રેશન માટે પાર્ટી હોલ બુક કરી રહ્યાં છે. જેમાં લોકોએ માસ્ક વગર પ્રવેશ ન કરે તેની ખુબ જ કાળજી રાખવી જરૂરી છે. જેમાં આવનાર મહેમાનોના નામ અને એડ્રેસ સુરત મહાનગરપાલિકાને આપવા ફરજીયાત હોવાનું કમિશનરે જણાવ્યું છે.

હાલ શહેરના એક પેટ્રોલપંપ પર 11 પોઝિટીવ કેસો મળ્યા છે, ઉપરાંત, સુપરસ્પ્રેડર્સમાં સલુન, ગેરેજ તથા પેટ્રોલ પંપ જેવા સ્થળો પર અને અહીં કામ કરતા લોકોએ તકેદારી રાખવી આવશ્યક હોવાનું પાનીએ ઉમેર્યું હતું.

કમિશનરે ઘણાં પરિવારો કોરોનાથી સામૂહિક સંક્રમિત થયા છે. જેથી પરિવારમાં કોઈ પણ એક વ્યક્તિને શંકાસ્પદ લક્ષણો જણાઈ આવે તો ઘરમાં પણ માસ્કનો ઉપયોગ કરવો જોઈએ અને પોતાનું ટેસ્ટિંગ કરાવે. જેથી પરિવારના અન્ય લોકો સંક્રમિત ન થાય. લોકો 'મારો પરિવાર, મારી જવાબદારી' સમજી પરિવારને કોરોનાથી સાવચેતી રાખવા જણાવ્યુ છે.

સરકાર દ્વારા ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાની કોઈ પણ પ્રકારની મંજુરી આપવામાં આવી નથી. છતાં પણ હાલ કેટલાક સંચાલકો દ્વારા ટ્યુશન ક્લાસિસ શરૂ કરવાંમાં આવ્યાં હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી આવા સંચાલકો સામે કડક હાથે કાર્યવાહી કરવાની ચીમકી કમિશનરે ઉચ્ચારી છે.

સાઈકલિંગ કરતાં, હોટલ અને રેસ્ટોરન્ટોમાં જાહેર સ્થળે તેમજ વાતચીત દરમિયાન માસ્ક અવશ્ય પહેરે તે જરૂરી છે. બંછાનિધી પાનીએ બહારથી આવેલા શ્રમિકોએ સાત દિવસ ફરજિયાત ક્વોરન્ટાઈન રહે તેમજ ઉદ્યોગોમાં શ્રમિકોને કામ પર રાખતી વેળાએ એસ.ઓ.પીનું ચુસ્ત પાલન સહિતની તકેદારી રાખવા જણાવ્યું હતું.

પાલિકા દ્વારા શરૂ કરાયેલા ડોનેટ અ માસ્ક નામના અભિયાનમાં નવી પહેલરૂપે માસ્ક ન હોય તેવા લોકોને માસ્ક ભેટ આપી માસ્ક પહેરવા પ્રેરિત કરવાના અભિયાનમાં સહભાગી બનવા જણાવ્યુ હતું. લોકો શનિ-રવિવારના દિવસે મોટી સંખ્યામાં બહાર નિકળતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી વર્તમાન સ્થિતિને ધ્યાને લઈ કામ વગર બહાર ન નિકળવા કમિશનરે અનુરોધ કર્યો હતો. કોવિડથી સ્વસ્થ થયેલા લોકોને હાર્ટ, ફેફસા સ્વસ્થ રહે તે માટે અને ઓક્સિજન અને શ્વાસોચ્છવાસ અને રિ-ઇન્ફેકશનની સમસ્યા ન સર્જાય તેથી સ્વસ્થ થયાં બાદ પણ માસ્કનો ફરજિયાતપણે ઉપયોગ કરે તે માટે તેમણે આગ્રહ સેવ્યો હતો.

કમિશનરે સુરત શહેરમાં કોરોના સંક્રમણના વ્યાપને રોકવા કોવિડ-19 ગાઇડલાઇનનો ચુસ્ત અમલ કરવા શહેરીજનોને અનુરોધ કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp