4 મહિનાથી ઘરથી દૂર ડૉ. પાર્થ પટેલે કહ્યુ- હોસ્પિટલ જ ઘર અને દર્દીઓ પરિવાર

PC: Khabarchhe.com

કોવિડ-19 મહામારીને રોકવા રાજ્ય સરકાર અને પ્રશાસન સુનિશ્વત અને આયોજનબદ્ધ કામગીરી કરી રહયું છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાનો વ્યાપ રોકવા બહુવિધ પગલાંઓ લેવા છે. સાથે કોરોના યોધ્ધાઓને સંવેદનાસભર કામગીરી બદલ પ્રોત્સાહિત પણ કરવામાં આવી રહ્યા છે. નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલ કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે વિનામુલ્યે માટે આધારરૂપ બની છે. સ્મીમેરમાં કોરોનાની વિકટ સ્થિતિ વચ્ચે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી કોરોના દર્દીઓની સેવા કરી રહેલા અનેક યુવા ડોક્ટર્સ તેમના સમર્પિત કાર્યશૈલીથી પ્રેરણારૂપ બન્યા છે

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલના મેડિસીન વિભાગમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતાં યુવા ડૉ. પાર્થ પટેલે છેલ્લાં ચાર મહિનાથી સ્મીમેર હોસ્પિટલ જ ઘર અને દર્દીઓને પરિવાર બનાવ્યા છે. દર્દીઓ પણ પોતાના સ્વજનનો અનુભવ કરે છે. . “બેટા, કોરોનાની ચિંતા કર્યા વગર જ દર્દીઓની સેવા કરજેʾʾ એવા પિતા વચનોને કોરોના દર્દીઓની સેવા કરીને નિભાવી રહયો છું.

કોરોના સામેના જંગનો અનુભવ વર્ણવતાં ડૉ. પાર્થ કહે છે કે, ‘હું છેલ્લા ચાર મહિનાથી ઘરથી દૂર રહીને મારી કોવિડ વોર્ડમાં ફરજ નિભાવું છું. દર્દીઓની સારવાર દરમિયાન ઘણી કાળજી રાખવી પડતી હોય છે. ઘણી વાર દર્દી ગંભીર સ્થિતિમાં દાખલ થાય છે, ત્યારે તેમના પરિવારજનોને આશ્વાસન સાથે તેમને ધીરજ પણ આપવી પડે છે. ક્યારેક એવા પણ દર્દી દાખલ થાય છે જેમના વિચારો, વાણી અને સૌમ્ય વર્તનથી તેમના પ્રત્યે લાગણી બંધાય છે, તેમનું સન્માન કરીએ છીએ.

ડૉ. પાર્થ વધુમાં કહે છે કે, હું મારા માતા પિતા સાથે સમય મળતા વિડીયો કોલથી વાત કરી લઉં છું અને ઘરના સભ્યો હિંમતથી કામ કરવા પ્રોત્સાહિત કરે છે. ઘરની ઉણપને પૂરી કરું છું. ખાસ કરીને મારા પિતાના જુસ્સા અને સપોર્ટના કારણે મારૂ યોગદાન આપીને દર્દી સ્વસ્થ થઈને ઘરે પરત જાય એવા પ્રયાસો કરીએ છીએ. પિતા અવારનવાર ફોન પર કહે છે કે, દર્દીઓની સારવાર સેવા કરવાનો તને ઈશ્વરે મોકો આપ્યો છે.” સાથી તબીબો અને નર્સિંગ સ્ટાફ સાથેના પરિવાર જેવા માહોલ વચ્ચે એવું ક્યારેય મહેસૂસ નથી થયું કે હું ઘરથી સાચે જ દૂર છું. પરસ્પરના સહયોગથી કોઈ પણ સ્થિતિમાં દર્દીને સાજા કરવાની હિંમત આવતી હોય છે.

સ્મીમેરની સારવારમાં દર્દીઓને અગવડ ન પડે તેનું વિશેષ ધ્યાન આપવામાં આવે છે એમ જણાવતાં ડૉ.પાર્થે ઉમેર્યુ કે, સ્મીમેર હોસ્પિટલમાં પૂરતા તબીબોની સાથે નર્સિંગ સ્ટાફ, વેન્ટિલેટર, દર્દીઓ માટે બેડ, ત્રણેય ટાઈમ પૌષ્ટિક ભોજન, ગરમ પાણી, ડાયાબિટીસના દર્દીઓ માટે અલગ ભોજન મેનુ, આયુર્વેદિક ઉકાળા જેવી તમામ પ્રકારની સગવડો આપવામાં આવે છે. પરિવારને ચિંતા ન થાય અને દર્દીનું મનોબળ મજબૂત રહે તે માટે સ્વજનો સાથે ડાયરેક્ટ તબીબો વિડીઓ કોલિંગ કરી વાત કરાવીએ છીએ. પરિવારથી વિખૂટા રહીને કોવિડ દર્દીઓને સ્વસ્થ કરવા એ અમારી પહેલી ફરજ છે. પીપીઈ કિટ, સેનિટાઈઝર, ફેસ માસ્ક, ફેસ શિલ્ડ, હેન્ડ ગ્લોવ્ઝ સહિતની કાળજી રાખવાં છતાં પણ તબીબો અને નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમણના શિકાર થાય છે, ત્યારે આમ નાગરિકોએ શક્ય તેટલી સાવધાની રાખી આરોગ્ય તંત્ર અને સરકારને સાથસહકાર આપી આ વૈશ્વિક મહામારીને હરાવવા સંકલ્પબદ્ધ થવું જરૂરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp