દુનિયામાં કોરોનાની નવી લહેરથી વધતી ચિંતા વચ્ચે જર્મન વૈજ્ઞાનિકનો ચોંકાવનારો દાવો

PC: aajtak.in

ચીનમાં કોરોનાએ તેનું ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. દરરોજ લાખો કેસ આવી રહ્યા છે, હોસ્પિટલોમાં દર્દીઓ માટે જગ્યા નથી, દવાઓની અછત છે અને ચારેબાજુ તબાહી મચી ગઈ છે. ચીન બાદ હવે અન્ય દેશો પણ ચિંતિત છે કે, તેમના દેશમાં ચીન જેવી સ્થિતિ ન સર્જાય. આ માટે તમામ દેશોએ યોગ્ય વ્યવસ્થા કરી લીધી છે અને માર્ગદર્શિકા લાગુ કરી દીધી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ કોરોનાના કેસો સામે આવી રહ્યા છે અને વેરિઅન્ટ BF.7 દેશમાં પ્રવેશી ચૂક્યું છે. જો કે, વિશ્વભરમાં મચેલા હાહાકાર વચ્ચે, જર્મન વાઇરોલોજિસ્ટ ક્રિશ્ચિયન ડ્રોસ્ટેને એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું છે કે કોરોના રોગચાળો હવે સમાપ્ત થવાનો છે.

બર્લિનની ચેરીટ યુનિવર્સિટી હોસ્પિટલના વાઈરોલોજીના વડા ક્રિશ્ચિયન ડ્રોસ્ટેને કોરોના રોગચાળા વિશે જણાવ્યું હતું કે, 'COVID-19 રોગચાળો સમાપ્ત થઈ શકે છે, કારણ કે તે હવે એન્ડેમિક તરફ આગળ વધી ગયો છે. આનો અર્થ એ છે કે કોવિડ અન્ય રોગોની જેમ હાજર તો રહેશે, પરંતુ ખૂબ જ મર્યાદિત વિસ્તારમાં અને ઓછા ખતરનાક સ્વરૂપમાં. જેમ જેમ વાયરસ સામે રક્ષણની પદ્ધતિઓ શોધાઈ રહી છે, તે વાયરસ એટલો જીવલેણ રહેતો નથી અને તેટલો હાનિકારક પણ રહેતો નથી, જેટલો તે શરૂઆતમાં હતો.'

વાઈરોલોજિસ્ટ ક્રિશ્ચિયન વધુમાં કહે છે, 'અમે આ શિયાળામાં કોરોનાના પ્રથમ સ્થાનિક તરંગની અપેક્ષા રાખી રહ્યા છીએ. મારા અંદાજ મુજબ, આ રોગચાળો સમાપ્ત થઈ ગયો છે. શિયાળાની ઋતુ સમાપ્ત થયા પછી, લોકોની રોગપ્રતિકારક શક્તિ એટલી મજબૂત થઇ ગઈ હશે કે, ઉનાળામાં વાયરસનો પ્રભાવ પડવાની શક્યતા ઓછી થઇ જશે.

જર્મનીની કોવિડ-19 એક્સપર્ટ કાઉન્સિલના સભ્ય અને વાઈરોલોજિસ્ટ ક્રિશ્ચિયને પણ કહ્યું કે, શિયાળા પછી રોગચાળો લગભગ ખતમ થઈ જશે પરંતુ આવનારા સમયમાં એક કે બે ઓછા ઘાતક મોજા આવી શકે છે.

વાઈરોલોજિસ્ટ ક્રિશ્ચિયને કહ્યું, 'જર્મની અને અન્ય યુરોપિયન દેશોમાં રસીકરણ ખૂબ મોટા પાયે થયું છે અને તેના કારણે રોગચાળો સમાપ્ત થઈ ગયો છે. જો ચીનમાં રસીકરણ નથી થયું, તો ત્યાં કોરોના ચેપ ઝડપથી ફેલાઈ રહ્યો છે. જો કોઈ પગલાં લેવામાં ન આવ્યા હોતે તો 2021માં જર્મનીમાં ફેલાયેલા ડેલ્ટા વેરિઅન્ટને કારણે એક લાખથી વધુ મૃત્યુ થયા હોત.

થોડા મહિનાઓ પહેલા યોજાયેલી સમિટમાં, AIIMSના ભૂતપૂર્વ ડિરેક્ટર ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું હતું કે, 'વર્ષોથી ઘણા વાયરસે હુમલો કર્યો છે. 1995માં બર્ડ ફ્લૂએ દસ્તક આપી હતી, જેનો મૃત્યુદર 60 ટકા હતો, પરંતુ તે પણ નિયંત્રણમાં આવી ગયું હતું. આ પછી, ઇબોલા, ઝીકા, સાર્સ, H1N1 જેવા વાયરસ પણ આવ્યા. સૌથી મોટો પડકાર એ છે કે, આપણે આ વાયરસ સાથે કેવી રીતે જીવવું? આ વાયરસ સમાપ્ત થશે નહીં, તે અહીં જ રહેશે. આપણે આ વાઇરલ ઇન્ફેક્શનની સાથે જીવવું પડશે.  જે રીતે આપણે રસીકરણ અને રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરી રહ્યા છીએ, આપણે ચોક્કસપણે અનુમાન કરી શકીએ છીએ કે આવનારા દિવસોમાં તે રોગચાળાથી સ્થાનિક બની જશે.'

એપોલો હોસ્પિટલના MD, ડૉ. સંગીતા રેડ્ડીના જણાવ્યા અનુસાર, 'ભારતમાં કોવિડ રસીકરણ અભિયાન અને અસરકારક રસીને ધ્યાનમાં રાખીને ચીનમાં કોવિડ-19ના વધતા જતા કેસોને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ચીનથી આવનારી ફ્લાઈટ્સ અંગેની નીતિઓ જરૂરી છે. તેના પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. ચીનમાં હાલનો કોવિડ ફાટી નીકળવો એ માત્ર ચીન માટે દુઃખદ દુર્ઘટના નથી, પરંતુ વૈશ્વિક વસ્તીને પણ મોટા જોખમમાં મૂકી શકે છે.'

નિષ્ણાતો કહે છે કે, શિયાળો પણ ચાલી રહ્યો છે, તેથી કેટલાક કિસ્સાઓમાં શરદી, ફ્લૂ અને કોરોનાના લક્ષણો સમાન હોઈ શકે છે. ઘણા લોકો પાંચ દિવસ પછી પણ અન્ય લોકોમાં ચેપ ફેલાવતા નથી, પરંતુ કેટલાક લોકો ચેપ લાગ્યાના 10 દિવસ સુધી ચેપ ફેલાવી શકે છે, તેથી જે કોઈને પણ આવા લક્ષણો નજરમાં આવે છે, તો તેમણે તેને અવગણવાને બદલે, પાંચ દિવસ સુધી અન્ય લોકોના સંપર્કમાં આવવાનું ટાળવું જોઈએ. ઓછામાં ઓછા 10 દિવસ સુધી વૃદ્ધ-બાળકો અથવા બીમાર લોકોને મળવાનું ટાળવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp