કોવિડ હોસ્પિટલોમાં આગથી મોતોનો સિલસિલો, કેમ અટકાવી શકાતો નથી?

PC: hindustantimes.com

કોરોના સંક્રમણના સમયમાં દેશના વિવિધ રાજ્યોમાં હોસ્પિટલના દર્દીઓ આગની ઘટનાઓમાં સપડાય છે પરંતુ ફાયર સેફ્ટિના નોર્મ્સનું પાલન કોઇ જગ્યાએ થતું નથી. અદાલતના આદેશ પછી ગુજરાત સરકારે ફાયર સેફ્ટિના નિયમો કડક બનાવી તપાસ શરૂ કરી હતી તેમ છતાં કડક પગલાંના અભાવે હોસ્પિટલોમાં લાલીયાવાડી ચાલે છે. રાજ્યની મોટાભાગની હોસ્પિટલો આગ સામે રક્ષણ મેળવતાં અગ્નિશમન સાધનો વસાવી શકતી નથી.

ફાયર બ્રિગેડના એક ઓફિસરે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસો વધી રહ્યાં છે અને લોકો હોસ્પિટલના બેડ માટે વલખાં મારે છે ત્યારે સરકારી કે પ્રાઇવેટ મળીને બઘી હોસ્પિટલો હાઉસફુલ જોવા મળે છે. આવા સંજોગોમાં જો ફાયર સેફ્ટિના ભંગ બદલ કોઇ હોસ્પિટલને સીલ મારી દેવામાં આવે તો દર્દીઓ રઝળી પડે તેમ છે તેથી ફાયર સેફ્ટિના નોર્મ્સનું કડકાઇથી પાલન થતું નથી.

તેમના કહેવા પ્રમાણે બીજી ઇમારતો કરતાં હોસ્પિટલમાં આગની ઘટના બને ત્યારે સૌથી વધુ જાનહાનિ થાય છે, કારણ કે હોસ્પિટલોમાં ઝડપથી આગમાં લપેટાઇ જાય તેવા સાધનો, કપડાં, ફર્નિચર અને અન્ય મેડીકલ સામગ્રી હોય છે. કોરોના સંક્રમણના સમયમાં ગુજરાતની ઘણી હોસ્પિટલોમાં આગની ઘટનાઓ બની છે. આગ લાગવાના કારણો સહિતની માહિતી એકત્ર કરવા માટે તપાસ સમિતિ બનાવવામાં આવે છે પરંતુ તે રિપોર્ટને ધ્યાને લેવામાં આવતો નથી.

તાજેતરમાં ભરૂચ જિલ્લાની પટેલ વેલફેર હોસ્પિટલમાં આગ લાગતાં 16 દર્દીઓ અને બે નર્સિંગ કર્મચારીના મોત થયાં હતા. આ દુર્ઘટના મોડી રાત્રે બની હતી. આ હોસ્પિટલને કોવિડ કેર સેન્ટરમાં ફેરવવામાં આવી હોવાથી ત્યાં કોરોના પેશન્ટની સંખ્યા વધારે હતી. હોસ્પિટલમાં સારવાર માટે આવેલા કોરોના દર્દીઓ ખુદ મોતનો ભોગ બની જાય છે.

ગયા સપ્તાહમાં સુરત સ્ટેશન રોડ પર આવેલી એક બહુમાળી ઇમારતમાં આયુષ હોસ્પિટલ આવેલી છે. આ હોસ્પિટલમાં મોડી રત્રે એસીમાં બ્લાસ્ટ થતાં આગ લાગી હતી જેમાં ચાર કોરોના દર્દીઓના મોત થયાં હતા. આ પહેલાં અમદાવાદના નવરંગપુરા સ્થિત શ્રેય હોસ્પિટલમાં આગ લાગી હતી. આ ઘટનામાં આઠ દર્દીઓ મોતને ભેટ્યાં હતા. આગ લાગી જ્યારે 50 દર્દીઓની સારવાર ચાલી રહી હતી.

આવો જ એક આગનો બનાવ રાજકોટના મવડી વિસ્તારમાં બન્યો હતો. આ વિસ્તારમાં ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના આઇસીયુ વિભાગમાં આગ લાગી હતી જેમાં ત્રણ દર્દીના ઘટનાસ્થળે તેમજ બે દર્દીના રસ્તામાં મોત થયાં હતા. કોરોના સમયે ગયા ઓગષ્ટ માસમાં છોટા ઉદેપુર, જામનગરની સરકારી જીજી હોસ્પિટલ, વડોદરાની સરકારી એસએસજી હોસ્પિટલ તેમજ સુરતની એક ખાનગી હોસ્પિટલમાં આગ લાગી હતી. જો કે આ ઘટનામાં કોઇના મોત થયાં ન હતા. ગુજરાતની આ હોસ્પિટલોમાં આગથી થયેલા મોતનો આંકડો 36 થવા જાય છે તેમ છતાં સરકારના નિયમોનું પાલન થતું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp