ચાર ધામ યાત્રામાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ, જાણો ક્યાં સુધી લઈ જઈ શકશો ફોન
ચાર ધામ યાત્રા પર લાખો ભક્તો દેવભૂમિ ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. દિનપ્રતિદિન શ્રદ્ધાળુઓની વધતી જતી સંખ્યાને કારણે વહીવટીતંત્રે પણ વ્યવસ્થા જાળવવા માટે પોતાના તમામ પ્રયાસો કામે લગાવી દીધા છે.
હવે ચાર ધામ યાત્રા 2024 સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ ટ્રિપ પર જઈ રહ્યા છો અથવા રસ્તામાં છો, તો આ માહિતી તમારા માટે ખુબ મહત્વપૂર્ણ છે. હકીકતમાં ચારેય ધામોમાં મંદિર પરિસરમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ છે. હવે ભક્તો કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી ધામના મંદિરોમાં મોબાઈલ લઈ જઈ શકશે નહીં. ચાર ધામોમાં પણ મંદિરના 200 મીટરની અંદર મોબાઈલ ફોન લાવવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ આ આદેશ બહાર પાડ્યા કર્યા છે.
ઉત્તરાખંડના મુખ્ય સચિવ રાધા રતુરીએ કહ્યું કે, ચારધામ યાત્રા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. આ દરમિયાન ઘણા એવા લોકો પણ આવી રહ્યા છે જેઓ આસ્થા માટે નહીં પરંતુ માત્ર ફરવા માટે આવી રહ્યા છે અને તેમની કેટલીક હરકતોથી અન્ય લોકોની આસ્થાને ઠેસ પહોંચી રહી છે. તેમણે એમ કહ્યું કે, અહીં કોઈની આસ્થાને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ધાર્મિક ભાવનાઓને ઠેસ ન પહોંચાડવી જોઈએ. એટલા માટે મોબાઈલ ફોન પર પ્રતિબંધ મૂકવા જેવા પગલા લેવામાં આવ્યા છે.
આ નવા નિયમ પછી ચારધામ યાત્રાએ જતા તમામ શ્રદ્ધાળુઓના ચહેરા પર નિરાશા જોવા મળી રહી છે. ભક્તોનું કહેવું છે કે, એક ભક્ત માટે તમામ ભક્તોને સજા કરવી એ ખોટું છે. અમે આટલા દૂરથી આવીએ છીએ અને આ સ્થળની માત્ર યાદોને જ ફોટોગ્રાફના રૂપમાં લઈ જઈ શકીએ છીએ.
જ્યારે, ઋષિકેશમાં ચારધામ યાત્રા પર જતા વાહનો માટે મહત્વપૂર્ણ માહિતી છે. ગઢવાલ કમિશનરની સૂચના પર, ભદ્રકાલી ચેકપોસ્ટ પર સ્લોટ હેઠળ આગળ જવાની પરવાનગી આપવામાં આવશે. વાહનવ્યવહાર વિભાગ પણ વાહનોનું ચેકિંગ કરી રહ્યું છે.
ચારેય ધામોમાં યાત્રિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં 3 લાખ 37 હજાર યાત્રિકોએ ચારધામ યાત્રાની મુલાકાત લીધી છે. તેમાંથી 1 લાખ 55 હજાર શ્રદ્ધાળુઓએ કેદારનાથની મુલાકાત લીધી છે, 45 હજાર 637 તીર્થયાત્રીઓએ બદ્રીનાથની મુલાકાત લીધી છે, 66 હજાર તીર્થયાત્રીઓએ ગંગોત્રીની મુલાકાત લીધી છે, જ્યારે 70 હજાર શ્રદ્ધાળુઓએ અત્યાર સુધીમાં યમુનોત્રીની મુલાકાત લીધી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp