ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં છેલ્લા 20 વર્ષમાં 81358 શૌચાલયો બનાવાયા છેઃ સરકાર
ગુજરાત સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, રાજ્યનો સાક્ષરતા દર વધે અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓના અભાવે શાળા છોડી જતી કન્યાઓની સંખ્યા ઘટે તેવા ઉમદા આશયથી દેશના વર્તમાન વડાપ્રધાન અને રાજ્યના તત્કાલિન CM નરેન્દ્ર મોદી દ્વારા શાળાઓમાં સ્વચ્છતા સુવિધા પર ભાર મૂકવામાં આવ્યો હતો. જે અંતર્ગત છેલ્લાં 20 વર્ષમાં સરકારી શાળાઓમાં 81,358 શૌચાલયોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યારે અત્યાર સુધીમાં સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય યોજના હેઠળ કુલ રૂ. 57,117/- લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. જેના પરિણામ સ્વરૂપ, ધો.1થી 7માં કન્યાઓનો ડ્રોપ આઉટ રેશિયો 33.17 ટકાથી ઘટીને 3.01 ટકા સુધી આવી ગયો છે, જ્યારે રિટેન્શન રેટ 66.83 ટકાથી વધીને 93.12 ટકા સુધી પહોંચી ગયો છે.
‘શિક્ષિત કન્યા બે કુળને તારે’ એવી ઉદ્દાત ભાવનાથી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003થી રાજ્યમાં શરૂ કરવામાં આવેલા શાળા પ્રવેશોત્સવ તેમજ કન્યા કેળવણી મહોત્સવનાં 20 વર્ષની ઉજવણી આગામી તા.12થી 14 જૂન દરમિયાન થનાર છે. ત્યારે આ કાર્યક્રમની ભૌતિક સિદ્ધિરૂપે તેમજ વિદ્યાર્થીઓ માટેની સુવિધાના ભાગરૂપે અત્યાર સુધીમાં કુલ 51,420 કન્યા શૌચાલયો, 26,830 કુમાર શૌચાલયો તેમજ 3,108 જેટલાં દિવ્યાંગ બાળકો માટેનાં શૌચાલયોનું નિર્માણ રાજ્યની વિવિધ શાળાઓમાં કરવામાં આવ્યું છે.
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, બીજી તરફ, પ્રવેશોત્સવનાં આ 20 વર્ષના સમયગાળા દરમિયાન કન્યાઓનો ડ્રોપઆઉટ રેશિયો ઘટાડી તેમનો રિટેન્શન રેટ એટલે કે સ્થાયીકરણ વધારવા વર્ષ 2005-06થી સરકારી પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતા વિષયક સુવિધા પૂરી પાડવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યની તમામ શાળાઓમાં ચાલતા ધોરણોને ધ્યાને રાખી ધોરણ 1 થી 4 ની શાળા માટે રૂ. 1200/- તથા ધોરણ 1 થી 7 ની શાળા દીઠ રૂ. 2400/- લેખે વાર્ષિક સહાય આપવાનું અગિયારમી પંચવર્ષીય યોજનાથી સૂચવવામાં આવ્યું છે. વર્ષ 2010-11થી આ સહાયની રકમમાં વધારો કરી માસિક શાળાદીઠ રૂ.400/- લેખે સહાય ચૂકવવામાં આવતી હતી. ત્યારબાદ વર્ષ 2015-16થી આ રકમમાં વધારો કરી શાળાદીઠ માસિક રૂ.1800/- લેખેની સહાય ચૂકવવામાં આવતી હતી.
વર્ષ 2020-21થી રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓને સ્વચ્છતા સહાય માટે શાળાદીઠ વિદ્યાર્થી સંખ્યા પ્રમાણે સહાય ચૂકવવામાં આવે છે. જેમાં 100 વિદ્યાર્થીઓ સુધીની સંખ્યા ધરાવતી શાળા માટે પ્રતિમાસ રૂ.1000/-, 101 થી 300 ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.1800/-, 301 થી 500 ની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.4000, જ્યારે 501 કે તેથી વધુની સંખ્યા ધરાવતી શાળા માટે રૂ.5000/- પ્રતિમાસ માસિક સહાય પૂરી પાડવામાં આવે છે.
સરકારે પોતાની પ્રેસ રીલિઝમાં કહ્યું હતું કે, આ પ્રકારે સૌ પ્રથમ વખત વર્ષ 2005-06માં રૂ.128.75 લાખની જોગવાઈ કરવામાં આવી હતી. આ રકમનો પૂરેપૂરો ઉપયોગ કરી કન્યા શાળાઓની સ્વચ્છતામાં વધારો કરવામાં આવ્યો હતો. આ આંકડામાં ઉત્તરોત્તર વધારો કરી, વર્ષ 2021-22માં રૂ. 3934.39/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો હતો. જ્યારે ગત વર્ષ 2022-23માં પ્રાથમિક શાળાઓની સ્વચ્છતા માટે રૂ. 6891.00 લાખની જોગવાઈ સામે 100 ટકા ભૌતિક સિદ્ધિ સાથે રૂ. 6890.99/- લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આમ, છેલ્લાં 18 વર્ષમાં (વર્ષ 2005-06 થી 2022-23સુધી) કુલ રૂ. 62953.70 લાખની જોગવાઈ કરવામાં આવી છે જેમાંથી કુલ રૂ. 57117.18/- લાખનો ખર્ચ પ્રાથમિક શાળાઓમાં સ્વચ્છતાની જાળવણી માટે કરાયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp