અમદાવાદમાં દેશની પ્રથમ બાલવાટિકા સ્કૂલ બસ, ગરીબ બાળકોને મફતમાં શિક્ષણ મળશે

PC: gnttv.com

ગુજરાતના અમદાવાદમાં ગરીબ બાળકો માટે બાલવાટિકા સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. આ કિન્ડરગાર્ટન ઓન વ્હીલ્સ દ્વારા 6 વર્ષથી નીચેના ગરીબ બાળકોને મફત શિક્ષણ આપવામાં આવશે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે છ વર્ષ સુધીનું કોઈ બાળક ગરીબીને કારણે શિક્ષણથી વંચિત ન રહે.

અમદાવાદમાં સિગ્નલ પર ભીખ માંગતા બાળકો જેઓ શિક્ષણથી વંચિત હતા, તેને શિક્ષણ આપવા માટે સિગ્નલ સ્કૂલ બસ શરૂ કરવામાં આવી હતી. જેની સફળતા પછી હવે સુપ્રીમ કોર્ટના જસ્ટિસ વિક્રમનાથ, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ, સિનિયર જસ્ટિસ બિરેન વૈષ્ણવ અને અન્ય સિનિયર જસ્ટિસની હાજરીમાં બાલવાટિકા સ્કૂલ બસ શરૂ કરવામાં આવી છે. બાલવાટિકા સ્કૂલ બસ એ છ વર્ષથી નીચેના ગરીબ બાળકોને શિક્ષણ આપવાનો દેશનો પ્રથમ પ્રયોગ છે.

ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદ મ્યુનિસિપાલિટી અને સ્કૂલ બોર્ડ દ્વારા આ અનોખી પહેલ શરૂ કરવામાં આવી છે. આ દ્વારા છ વર્ષથી નીચેના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેની કાળજી લેવામાં આવશે. આ બાલવાટીકા સ્કૂલ બસ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને બાળકોને એકત્ર કરીને ભણાવશે.

અમદાવાદના ઈન્ચાર્જ મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં 12 સિગ્નલ સ્કૂલ બસો કાર્યરત છે. જેના દ્વારા સિગ્નલ પર ભીખ માંગતા બાળકોને શિક્ષણ આપવામાં આવે છે. જેમાં સફળતા મળ્યા પછી હવે નવી શિક્ષણ નીતિ અંતર્ગત છ વર્ષથી નીચેના બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે, જેના માટે બાલવાટિકા બસ શરૂ કરવામાં આવી છે.

બાલવાટિકા બસમાં બાળકો માટે રમકડાં, રંગબેરંગી પુસ્તકો, નોટબુક, બ્લેક બોર્ડ, મ્યુઝિકલ TV સેટ મૂકવામાં આવ્યા છે. આ બાલવાટિકા બસમાં બે શિક્ષકોને ફરજ સોંપવામાં આવી છે. આ બાલવાટિકા બસમાં બાળકોને એક વર્ષ સુધી શિક્ષણ આપવામાં આવશે અને પછી નજીકની શાળામાં પ્રવેશ આપવામાં આવશે. પાયલોટ પ્રોજેક્ટ હેઠળ બાલવાટિકા બસ અમદાવાદના સાબરમતી વિસ્તારની આજુબાજુ ફરશે અને બાળકોને શિક્ષણ આપશે. જો પ્રયોગ સફળ થશે તો, શિક્ષણથી વંચિત રહેતા છ વર્ષથી નીચેના બાળકો માટે અન્ય વિસ્તારોમાં પણ વધુ બાલવાટિકા સ્કૂલ બસો શરૂ કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp