રાજસ્થાનની શાળાઓમાં મા સરસ્વતીની મૂર્તિ નહીં હોય તો થશે કાર્યવાહી, ડ્રેસ કોડ પણ

PC: aajtak.in

રાજસ્થાનના જયપુરમાં સ્કૂલની વિદ્યાર્થિનીઓના હિજાબને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. હકીકતમાં, ગંગાપોળ વિસ્તારમાં સ્થિત સરકારી શાળાની વિદ્યાર્થિનીઓનો આરોપ છે કે, સ્થાનિક ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યને વાર્ષિક સમારોહના પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા, તેઓ અહીં આવ્યા હતા અને હિજાબને લઈને વિવાદાસ્પદ વાતો કરી હતી. વિરોધ પ્રદર્શન વચ્ચે રાજસ્થાનના શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન સામે આવ્યું છે. શિક્ષણ મંત્રી દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, રાજસ્થાનની શાળાઓમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવશે.

રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરનું કહેવું છે કે, શાળાની હાલતની તપાસ કરવામાં આવશે. શાળામાં કોઈપણ પ્રકારનું ધર્માંતરણ કરવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે, જે શાળામાં દેવી સરસ્વતીની મૂર્તિ કે ચિત્ર નહીં હોય તેની સામે કાર્યવાહી કરવામાં આવશે. અહીં તમને જણાવી દઈએ કે, જયપુરના ગંગાપોળ વિસ્તારમાં આવેલી સરકારી શાળામાં ભણતી વિદ્યાર્થીનીઓનો આરોપ છે કે, સ્થાનિક ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યને વાર્ષિક સમારોહના પ્રસંગે બોલાવવામાં આવ્યા હતા. પરંતુ BJPના ધારાસભ્યએ શાળામાં આવીને હિજાબની વાત કરી હતી. એટલું જ નહીં, ધાર્મિક સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા જે અમને બિલકુલ સ્વીકાર્ય નથી.

ધારાસભ્ય બાલમુકુંદ આચાર્યએ મીડિયા સામે આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. BJPના ધારાસભ્યએ કહ્યું કે, સરકારી કાર્યક્રમોમાં શાળાના બાળકો અલગ જ પ્રકારના ગણવેશમાં જોવા મળ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું તો મહિલા પ્રિન્સિપાલે કહ્યું કે, મુસ્લિમ વિદ્યાર્થીઓ તેમના ધર્મ અનુસાર કપડાં પહેરીને આવે છે. આ અંગે મેં કહ્યું કે, હિન્દુ બાળકો પણ અલગ-અલગ રૂપમાં આવે તો કેવું લાગે? શાળામાં જ શિસ્ત ન હોય તો એનો મતલબ શું? પરંતુ હવે કેટલાક લોકો મારા ભાષણને લઈને રાજનીતિ કરવા લાગ્યા છે.

અહીં તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં રાજસ્થાનના બરાનમાં એક સરકારી શાળાની શિક્ષિકાએ સરસ્વતીની તસવીર લગાવવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. લકડાઈ સરકારી શાળામાં ગણતંત્ર દિવસની ઉજવણી દરમિયાન મહાપુરુષોની તસવીરો મુકવામાં આવી હતી.

શિક્ષકે મહાત્મા ગાંધી, ભીમરાવ આંબેડકર અને સાવિત્રીબાઈ ફુલેના ચિત્રો મૂક્યા, પરંતુ માતા સરસ્વતીના ચિત્રની અવગણના કરી. જેના પર રોષે ભરાયેલા ગ્રામજનોએ શિક્ષકનો જોરદાર વિરોધ કર્યો હતો અને આ દરમિયાન બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. વીડિયોમાં ગ્રામજનો અને શિક્ષક વચ્ચે દલીલ થઈ રહી છે, જેમાં ગામલોકો કાર્યક્રમ દરમિયાન દેવી સરસ્વતીની તસવીર લગાવવા પર અડી ગયા હતા. જ્યારે શિક્ષક કહે છે કે, મેં સાવિત્રીબાઈ ફૂલેની તસવીર લગાવી છે. હવે સરસ્વતીના ચિત્રની જરૂર નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp