દુલ્હનની જીદઃ ધો.12ની પરીક્ષા આપવા વિદાય રોકી, વરરાજા, જાનૈયાઓને 3 કલાક રોક્યા
UP બોર્ડની પરીક્ષા 2023 શરૂ થતાની સાથે જ ઘણા વિચિત્ર સમાચાર પણ સામે આવવા લાગ્યા છે. પરીક્ષામાં ચોરી અને છેતરપિંડીના તમામ નકારાત્મક સમાચારો વચ્ચે, ઘણા સકારાત્મક સમાચાર પણ સામે આવ્યા છે. ઉત્તર પ્રદેશના આગ્રામાં સ્થિત એક પરીક્ષા કેન્દ્રમાં વરરાજા, પરણેલી દુલ્હન અને જાનૈયાઓ પહોંચ્યા ત્યારે અન્ય પરીક્ષાર્થીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં આવા સમાચાર સામે આવ્યા છે, જેને જાણીને તમે પણ ચોંકી જશો. અહીં એક દુલ્હન લગ્ન બાદ વિદાઈ થઈને સાસરે ન ગઈ અને 12માની બોર્ડની પરીક્ષા આપવા માટે સીધી જ તેની સ્કૂલમાં ગઈ. આ દરમિયાન વરરાજા સહિત અન્ય જાનૈયાઓ ત્રણ કલાક સુધી તેની પરીક્ષા કેન્દ્રની બહાર રાહ જોતા રહ્યા.
બરૌલી અહીરની સેમરીમાં રહેતી આશા કુશવાહાને ત્યાં 15 ફેબ્રુઆરીએ લગ્નની જાન આવી હતી. આજે સવારે સાત ફેરા ફર્યા પછી, બપોરે તેની 12મી UP બોર્ડની પરીક્ષા હતી. હવે જો તે લગ્ન પછી વિદાઈ થઈને સાસરે ગઈ હોત તો પરીક્ષા ચૂકી ગઈ હોત. આ બાજુ વિદાયનો સમય પણ પસાર થઈ રહ્યો હતો. કોઈ પણ વાતની પરવાહ કાર્ય વગર આશાએ સ્પષ્ટ કહ્યું કે, તે પરીક્ષા આપ્યા વિના સાસરે નહીં જાય.
આના પર વર પક્ષના કેટલાક લોકોએ તેની સામે વાંધો ઉઠાવ્યો, પરંતુ કન્યા પણ અડગ રહી. ઘરના અને જાનૈયાઓના માણસો બંને આ કન્યાની જીદ સામે ઝૂકી ગયા. આશાની જિદ્દ અને અભ્યાસ પ્રત્યે લગાવ જોઈને સાસરિયાઓ પણ નમતું આપી દીધું. તેને પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા માટે મોકલવામાં આવી હતી. આખરે વરરાજા અને જાનૈયાઓ નવી વહુને પરીક્ષા અપાવવા માટે BRI ઈન્ટર કોલેજ, બિલહૈનીમાં આવવું પડ્યું હતું.
માથાના ભાગે કપાળ પર સિંદૂર લગાવેલું, હાથ પર મહેંદી અને કાંડા પર બંગડીઓથી સજેલી નવપરિણીત કન્યા ગુરુવારે પરીક્ષા કેન્દ્ર પર આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભાગ્યે જ એવું બને છે કે પરીક્ષા આપવા માટે કોઈ દુલ્હનના વેશમાં પરિક્ષા કેન્દ્ર પર આવે છે. પોતાનું પિયરનું ઘર છોડીને સાસરે જતા પહેલા તેણે બોર્ડની પરીક્ષા આપી હતી. વરરાજા અને અન્ય સાસરિયાઓ તેને વિદાય માટે શણગારેલી કારમાં બેસાડીને પરીક્ષા કેન્દ્ર લઈ આવ્યા હતા. પરીક્ષાના અંત સુધી વરરાજા સહિત અન્ય જાનૈયાઓ તેની રાહ જોતા રહ્યા. જ્યારે લોકોને નવી દુલ્હન વિશે ખબર પડી તો તેઓએ પણ તેને ટેકો આપ્યો. લોકો કહેતા હતા કે દુનિયામાં શિક્ષણ જ પ્રકાશ છે અને દરેક દીકરી શિક્ષિત હોવી જરૂરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp